Abtak Media Google News

અમદાવાદ: સૌરાષ્ટ્રનો ત્રણ ચતુર્થાંશ વિસ્તાર એટલે કે 75 ટકા વિસ્તાર હવે સત્તાવાર રીતે એશિયાટીક સિંહોનું ઘર બનવા જઈ રહ્યો છે.છેલ્લી ગણતરી મુજબ નોંધાયેલ 674 ડાલામથ્થાઓ ટૂંક સમયમાં જ પોતાને માટે એક મોટો સંરક્ષિત વિસ્તાર ધરાવશે, જેમાં વન વિભાગે બૃહદ ગીર અભયારણ્યને અડીને આવેલા વિસ્તારોનો સમાવેશ કરીને, તેનું કદ હાલના 10,000 ચોરસ કિલોમીટરથી ત્રણ ગણો વધીને 30,000  ચોરસ કિમીના વિશાળ વિસ્તરણની દરખાસ્ત કરી છે.

રાજકોટ શહેર, જસદણ, જેતપુર, બોટાદ અને ભાવનગરની આસપાસના વિસ્તારોનો બૃહદ ગીર અભયારણ્યમાં થશે સમાવેશ

બૃહદ ગીર અભયારણ્યનું કદ 10,000 ચોરસ કિમીથી વધારીને 30,000 ચોરસ કિમી સુધી કરવા સરકારમાં દરખાસ્ત

આનો અર્થ એ થશે કે સિંહો માટે સલામત ઝોન હવે અમરેલી, મહુવા અને પાલિતાણાથી આગળ વધારવામાં આવશે અને નવા સ્થળોએ ફોરેસ્ટ પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારને મંજૂરી માટે મોકલવામાં આવેલી દરખાસ્તમાં રાજકોટ શહેર, જસદણ, જેતપુર, બોટાદ અને ભાવનગરની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.

મે 2007માં ગુજરાત સરકારે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સંરક્ષિત સીમાઓની બહારના વિસ્તારોને તેમની વસ્તીને ધ્યાનમાં લઈને સમાવવા માટે બૃહદ ગીરની વિભાવના જાહેર કરી.  તે અમરેલીથી દરિયાકાંઠાના વિસ્તારો, શેત્રુંજી નદી વિસ્તાર, મહુવા અને પાલિતાણા સુધી વિસ્તરેલું હતું.

તાજેતરમાં, સિંહોની વસ્તી વધી રહી છે, આપણે તેમના માટે સંરક્ષિત વિસ્તારને વિસ્તારવાની અને તેમને નવા સ્થળોએ તૈનાત કરવા માટે જવાબદાર વન અધિકારીઓની કેડર બનાવવાની જરૂર છે.  અત્યાર સુધી આ વિસ્તારોની દેખરેખ માત્ર વન્યજીવ વિભાગ દ્વારા જ કરવામાં આવતી હતી, પરંતુ નોટિફિકેશન જાહેર થયા બાદ સામાજિક વનીકરણ કર્મચારીઓને જવાબદાર બનાવવામાં આવશે. તેમને પેટ્રોલિંગ માટે તમામ જરૂરી સુવિધાઓ પણ મળશે,એક વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય એક વરિષ્ઠ અધિકારીએ સિંહોની સંખ્યામાં વધારો થવા પાછળ છેલ્લા કેટલાક દાયકાઓમાં લાગુ કરાયેલી વિવિધ સંરક્ષણ વ્યૂહરચનાઓ અને હસ્તક્ષેપોને આભારી છે.  તેમાં વધુ લોકોની ભાગીદારી અને સમર્થન, બહેતર રહેઠાણ વ્યવસ્થાપન, શિકારના આધારમાં વધારો, માનવ-સિંહ સંઘર્ષમાં ઘટાડો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સામેલ છે.

1990માં, સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર 6,600 ચોરસ કિમીનો હતો, જે 2001માં વધીને 12,000 ચોરસ કિમી અને 2010માં 20,000 ચોરસ કિમી થયો હતો.  બૃહદ ગીર અભયારણ્ય 30,000 ચોરસ કિમીને આવરી લેતા સિંહો માટેના સંરક્ષિત વિસ્તારનું કદ વધશે. સિંહોના આકસ્મિક મૃત્યુને રોકવા માટે નવા વિસ્તારોમાં ખુલ્લા કુવાઓની આસપાસ પેરાપેટ દિવાલો અથવા બેરિકેડ પણ સ્થાપિત કરવામાં આવશે.

સાવજોના વસવાટના વિસ્તરણની માંગણી હવે 16 વર્ષ બાદ પૂર્ણ થશે

16 વર્ષ બાદ આખરે લાંબા સમયથી પડતર માંગણીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.  વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્રેટર ગીરના વિસ્તરણની દરખાસ્તમાં સિંહોની અવરજવર વાળા તમામ સ્થળોનો સમાવેશ થાય છે.

નવા વિસ્તારોમાં સંરક્ષણ અને જાગૃતિ અભિયાનો ચલાવાશે

ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને મુખ્ય વન સંરક્ષક (વન્યજીવન) નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ગ્રેટર ગીરમાં નવા વિસ્તારો ઉમેરવાની દરખાસ્ત ઉચ્ચ સત્તાવાળાઓને મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં સૂચના અપેક્ષિત છે.  ત્યારબાદ નવા વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં સંરક્ષણ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

વન કર્મીઓને દર મહિને 1600 કિમીનું પેટ્રોલિંગ કરવું પડશે

ફોરેસ્ટરે દર મહિને ઓછામાં ઓછી 1,600 કિમીની મુસાફરી કરવી પડશે જ્યારે બીટ ગાર્ડે 1,200 કિમીની મુસાફરી કરવી પડશે.  આ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે કે તેઓ બે દિવસમાં ઓછામાં ઓછા એક વખત સમગ્ર સંરક્ષિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરે.

નવા વિસ્તારોમાં સિંહોની સુરક્ષા જાળવવામાં વન વિભાગ માટે અનેક પડકારો આવશે

બૃહદ ગીર અભયારણ્યનો વિસ્તાર વધતા વન વિભાગ માટે અનેક મોટા પડકારો પણ આવવાના છે. જેમાં સિંહોના આકસ્મિક મૃત્યુને રોકવા માટે નવા વિસ્તારોમાં ખુલ્લા કુવાઓની આસપાસ પેરાપેટ દિવાલો અથવા બેરિકેડ પણ સ્થાપિત કરવામાં આવશે. નવા વિસ્તારોમાં સિંહો ઉપર કોઈ જોખમ ન આવે તેની પણ તકેદારી રાખવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.