Abtak Media Google News

રાજકોટમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા વિશ્ર્વ યોગ દિનની ઉજવણીમાં જોડાયા

૩૦૦થી વધુ દિવ્યાંગોએ યોગાસન કર્યા

મુકબધીરો માટે સાંકેતિક પરીભાષાનો ઉપયોગ

તન, મનને તંદુરસ્ત રાખવા નિત્ય યોગ કરવાનો સંકલ્પ લેતા લોકો

Img 9203 1આજે વિશ્ર્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં મહાનગરપાલિકા તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રેસકોર્સ ખાતે સામુહિક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહર્ષ જોડાયા હતા. તેઓએ વિવિધ આસનો અને વ્યાણાયામો કર્યા હતા. હજારો લોકો તન અને મનને તંદુરસ્ત રાખવા માટે નિત્ય યોગ કરવાનો સંકલ્પ લીધો હતો. વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં ૩૦૦થી વધુ દિવ્યાંગો પણ સામેલ થયા હતા. મંત્રી, મેયર, મહાનુભાવોથી લઈ સામાન્ય નાગરિક વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આજે રાજકોટમાં સુર્યના પ્રથમ કિરણનું સ્વાગત યોગ સાથે કરવામાં આવ્યું હતું.

Img 9233 1

રાજકોટ ખાતે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયેલા રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે શહેરમાં નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ નાગરિક, દિવ્યાંગો સૌ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે. યોગ માત્ર એક દિવસ માટે નહીં પરંતુ ૩૬૫ દિવસ માટે કરવા જોઈએ. કારણકે તેનાથી ઘણા ફાયદા થાય છે. માનસિક શાંતી માટે પણ યોગ ખુબ જ જરૂરી છે.

Dsc 0105

વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, યોગથી શરીર સાથે આત્માની પણ શુદ્ધિ થાય છે. રોજ યોગ કરવાથી તંદુરસ્તી બરકરાર રહે છે અને વિવિધ પ્રકારના રોગથી બચી શકાય છે. ભારતના મહાન વારસા એવા યોગને વૈશ્ર્વિક ઓળખ મળી ચુકી છે ત્યારે આપણે સૌ યોગને જીવનશૈલી બનાવીએ તેવી હું અપીલ કરું છે.

Dsc 0100

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે યોગ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે તેનાથી લોકો ખરાઅર્થમાં જાગૃત થયા છે. જેના ફળ સ્વરૂપ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ પાંચ મુખ્ય જગ્યાઓ પર યોગદિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ખુબ જ વિશાળ સંખ્યામાં લોકોને ઉપસ્થિત જોઈ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન હતું કે, લોકો સ્વાસ્થ્ય સમાન બને યોગ માત્ર શારીરિક શ્રમ નહીં માનસિક શાંતીનું પણ કેન્દ્રબિંદુ છે.

Dsc 0102

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, યોગ દિવસ માત્ર એક દિવસ યોગ કરવા માટેનો નથી પરંતુ પોતાનું સ્વાસ્થ્ય નિયમિતપણે સારુ રાખવા માટેનું માધ્યમ છે જેને ખરાઅર્થમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સાર્થક કરતા ૨૧ જુનને વિશ્ર્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પશ્ર્ચિમી દેશો પણ યોગને સ્વિકારી રહ્યા છે. જે એક મોટી સિદ્ધિ કહી શકાય. સાથો સાથ લોકોમાં પણ યોગને લઈ જાગૃતતા ફેલાઈ રહી છે. ત્યારે રાજકોટની જનતાને સંદેશ આપવાનો કે યોગ કરી પોતાના સ્વાસ્થ્યને જાળવવું જોઈએ અને દેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ.

Dsc 0145

આ તકે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા પાંચ મોટા સ્થળે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત વોર્ડ વાઈઝ પણ યોગ દિન ઉજવાઈ રહ્યો છે. એકવા યોગમાં ૮૫૦થી વધુ લોકો જોડાયા છે. યોગ એ મનુષ્યના શરીર, મન, આત્મા અને બુદ્ધિનું જોડાણ કરે છે. જીવનમાં યોગને એક હિસ્સો બનાવવો જોઈએ. કોઈ જાતિ, ધર્મથી પર રહી તમામ સમાજે યોગ દિવસની ઉજવણીમાં જોડાવવું જોઈએ. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ શહેર સાથે જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જિલ્લામાં ૫.૩૦ લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે. યોગની પ્રસિઘ્ધી ધીરે-ધીરે વધી રહી છે. વિશ્ર્વ યોગ દિવસની માફક લાખો લોકો નિયમિત યોગ કરે તેવી હું વિનંતી કરું છું. પતંજલિ યોગ શિબિરના ભાવના આહ્યાએ જણાવ્યું હતું કે, યોગથી શરીર સ્વસ્થ થાય છે. જે રીતે શરીરને ખોરાકની આવશ્યકતા છે તે રીતે યોગની પણ જરૂરીયાત છે. યોગથી મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.

Dsc 0076 1

આ તકે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ વિશ્ર્વ યોગ દિવસની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અર્થાગ પ્રયાસો બાદ ૨૦૧૫થી વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સતત ચોથા વર્ષે શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રણછોડદાસ બાપુ આશ્રમ સામે આવેલા ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જેમાં સમગ્ર વિસ્તારવાસીઓ અને ઓમ શાંતીના ભાઈઓ-બહેનો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આજનો દિવસ ખરેખર ખુબ યાદગાર બની ગયો છે. બ્રહ્મકુમારીના ભારતીદીદીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, યોગ એટલે પરમાત્મા સાથેનું મિલન, યોગને જીવનનો એક અંગ બનાવવો જોઈએ. શારીરિક કસરત બધા કરતા હોય છે પરંતુ તેની સાથે માનસિક શાંતી પણ મળવી જરૂરી છે. મનના નબળા વિચારો માણસ માટે અવરોધક છે. આ તમામ સામે લડવા માટે યોગ ખુબ જ જરૂરી છે.

Dsc 0062 1

યોગ દિનની સામુહિક ઉજવણીમાં ૩૦૦થી વધુ દિવ્યાંગો પણ જોડાયા હતા. કેટલાક દિવ્યાંગોએ પોતાના વાહનો પર બેસીને હળવા આસનો કર્યા હતા. બધીરો માટે સાંકેતિક પરીભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યોગ દિવસની ઉજવણીમાં મહાપાલિકાની સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાદડીયા, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, દેવાંગભાઈ માંકડ, કલેકટર રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, નાયબ મ્યુનિ.કમિશનર ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.