Abtak Media Google News

વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની મ્યુનિ.કમિશનરને રજુઆત

મહાપાલિકામાં ગત ૧૫મી જુનના રોજ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરીકાળમાં વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરને ગાર્ડન શાખાને લગતો એક પ્રશ્ન પુછયો હતો જેના જવાબ આપવામાં ગાર્ડન શાખા દ્વારા ગલ્લા-તલ્લા કરવામાં આવતા હોવાની ફરિયાદ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, ગાર્ડન શાખાને લગતા સવાલના જવાબ આપવાને બદલે એવો ઉતર આપવામાં આવ્યો હતો કે આ કામગીરીમાં લગત કામને ધ્યાનમાં લઈ અને મહતમ પ્રમાણમાં સ્ટેશનરીનો ઉપયોગ થતો હોય પર્યાવરણ બચાવને ધ્યાનમાં રાખી સભ્યએ માંગેલી માહિતી બગીચા શાખાના રેકોર્ડ પરથી જ આપી શકાશે.

ચુંટાયેલા પ્રતિનિધિને આવો જવાબ આપવો અયોગ્ય છે. જયારે કોઈ કોર્પોરેટર સાધારણસભામાં કોઈ સવાલ રજુ કરે ત્યારે તેનો જવાબ આપવા માટે મ્યુનિ.કમિશનર બંધાયેલા છે. ખોટા જવાબ આપવા કે જવાબ ન આપવા તે એક ગુનાહિત કૃત્ય છે. જો ગાર્ડન શાખા દ્વારા જવાબ આપવામાં નહીં આવે તો પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી અમારે નાછુટકે આંદોલન કરવું પડશે તેવી ચીમકી જાગૃતિબેન ડાંગરે ઉચ્ચારી છે. તેઓએ જણાવ્યું છે કે ગાર્ડન શાખાને લગતા અલગ-અલગ ૧૧ સવાલો રજુ કર્યા છે. જેના જવાબ આપવામાં આવ્યા નથી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને લેખિતમાં રજુઆત કરી છે. આ ઉપરાંત તેઓએ રાજય સરકારના મુખ્ય સચિવ, અગ્રસચિવ અને ચીફ વિજિલન્સ ઓફિસરને પણ આ અંગેની નકલ રવાના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.