Abtak Media Google News

આમાં રોગચાળો ન વકરે તો બીજી શું થાય?

મેલેરિયા વિભાગમાં ૧૯૭૯નું કર્મચારી સેટઅપ: મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરતા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર

સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલું રાજકોટ શહેરમાં મનપા તંત્ર હજી ૧૯૭૯ના વર્ષમાં જીવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહાપાલિકાના મેલેરિયા વિભાગમાં હજી વર્ષ ૧૯૭૯નું સેટઅપ છે. રાજકોટની ૧૭ લાખની વસ્તી વચ્ચે મેલેરિયા વિભાગમાં માત્ર ૭૩ કર્મચારીઓ જ ફરજ બજાવી રહ્યા છે જેના શીરે આખા રાજકોટને રોગચાળા મુકત રાખવાની જવાબદારી છે. આ અંગે વોર્ડ નં.૧૩ના જાગૃત કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીનું ધ્યાન દોરી તત્કાલ ઘટતું કરવા રજુઆત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની વસ્તી જયારે ૩ થી ૩.૫૦ લાખ હતી ત્યારે વર્ષ ૧૯૭૯ના કોર્પોરેશનના મેલેરિયા વિભાગમાં ૭૩ કાયમી કર્મચારીઓનું સેટઅપ મંજુર કરવામાં આવ્યું હતું. શહેરની વસ્તી સતત વધી રહી છે. દર વર્ષે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો સતત વધી રહ્યા છે છતાં મહાપાલિકા તંત્રને શહેરની જનતા મરે છે કે જીવે છે ? તેની સાથે કોઈ લેવા-દેવા ન હોય તેવું લાગી રહ્યું છે. મેલેરિયા વિભાગ ગ્રાનટ આધારીત છે. જેમાં ડબલ્યુએચઓ અને ગુજરાત સરકાર ૫૦ ટકા સહાય આપે છે. મહાપાલિકા માત્ર વહિવટકર્તા છે છતાં ઉણુ ઉતરી રહ્યું છે. ૧૭૦ ફિલ્ડ વર્કરો છેલ્લા ઘણા ટાઈમથી હડતાલ પર છે

ત્યારે મેલેરિયા વિભાગના ૭૩ કર્મચારીઓના શીરે હાલ રાજકોટને રોગચાળા મુકત રાખવાની જવાબદારી છે. પુરતો સ્ટાફ ન હોવા છતાં પુરેપુરી કામગીરી કેવી રીતે બતાવવી તેની જાદુદી લાકડી મેલેરિયા વિભાગ પાસે હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ ૨૦૧૨માં ૨૭ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી પરંતુ મળતીયાને ઘુસાડવાના પ્રયાસના કારણે હાઈકોર્ટે ભરતી રદ કરી હતી. ખુદ બાયોલોજીસ્ટ પણ કોન્ટ્રાકટ બેઈઝ છે આવામાં શહેરમાં રોગચાળો ન વકરે તો શું થાય ? તત્કાલ ઘટતું કરવા માટે તેઓએ માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.