Abtak Media Google News
દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીની રજુઆત

ખેડુતોને પાક વિમાનું વળતર ત્વરિત ચુકવવા માટે દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ કલેકટરને રજુઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬-૨૦૧૭ અને ૨૦૧૭-૧૮માં ભારે વરસાદની પરિસ્થિતિ પ્રવર્તી રહેલ હતી. સરકાર દ્વારા જમીન ધોવાણ પેટે ખેડુતોને વળતરો ચુકવવામાં આવેલ છે. આમ સરકારે પણ અતિભારે વરસાદના કારણે થયેલ જમીન ધોવાણથી પાક નિષ્ફળ થયેલ છે. તે બાબતે સ્વિકૃતિ આપેલ છે. જયારે બીજી તરફ ખેડુતોની ઈચ્છા કે અનિચ્છાએ તથા તેની સંમતી હોય કે ન હોય તેમ છતાં જયારે તે પાક ધિરાણ માટે બેંકમાં કે સહકારી મંડળીમાં જાય છે ત્યારે ફરજીયાતપણે પાક વિમાનું પ્રિમીયમ કાપવામાં આવે છે.

આ પાકવીમા અંગે ખેડુતોને કોઈ જ માહિતી આપવામાં આવતી નથી. જેવી કે કઈ કંપની દ્વારા પ્રિમીયમ લેવામાં આવે છે ? તથા તેનો દર, તદઉપરાંત વિમાની શરતો આવી કોઈ માહિતી આપ્યા વગર બેંકો દ્વારા ખેડુતોના ખાતામાંથી પ્રિમીયમની રકમની કપાત કરવામાં આવેલ છે પરંતુ જયારે પાક નિષ્ફળ જાય ત્યારે તેમને વિમા પેટે કોઈ જ વળતર ચુકવવામાં આવતુ નથી. જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અવાર નવાર ચર્ચા થયેલ હોવા છતા તેનું કોઈ નિરાકરણ આવેલ નથી. આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતો પોતે છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે.

તેથી આગામી ૧૫મી ઓકટોબર સુધીમાં લખતર, દસાડા અને લીંબડી તાલુકાના ખેડુતોને વળતર ચુકવવામાં નહીં આવે તો આગામી ૧૫મી ઓકટોબરે કલેકટર કચેરી સામે ધરણા અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.