Abtak Media Google News

લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ સહિતના કલાકારો મેઘાણી રચીત લોકગીત અને ભજનોની રમઝટ બોલાવશે 

પ્રજાસત્તાક દિન નિમિત્તે ૨૪ જાન્યુઆરીને ગુરુવારે  રાત્રે ૮.૩૦ કલાકે  રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે ‘કસુંબીનો રંગ’ લોકડાયરો યોજાશે. નવી પેઢી આપણાં સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી  રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે.

મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના બિરુદથી નવાજ્યા હતા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું ‘લાઈન-બોય’ તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, તેઓ ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના ક્વાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા. પોતાની ‘બાલ્યાવસ્થાની લીલાભૂમિ’ રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે જે ખાસ ઉલ્લેખનીય છે.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને સાથીઓ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ ‘રઢિયાળી રાત’ માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણી’માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.

આ કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુક્ત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા પિનાકી મેઘાણીએ નિમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.