Abtak Media Google News

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરતળે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શકયતા

વાતાવરણમાં પલટાના કારણે સ્વાઈન ફલુ સહિતનો રોગચાળો વધુ વકરે તેવી દહેશત

શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે અને ઉનાળાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ગઈકાલથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો છે. ગઈકાલે અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને સામાન્ય છાંટા પડયા હતા દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન તથા વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરતળે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે બપોર બાદ આકાશમાંથી વાદળો વિખેરાઈ જતા વાતાવરણ કલિયર થઈ જશે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાની થવાની ભીતિ ઉભી થતા ખેડુતોના જીવ તાળવે ચોટી ગયા છે.

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો હતો. રાજકોટ શહેરમાં પણ બુધવારે સવારે અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડયા હતા. સુરેન્દ્રનગર પંથકમાં પણ ગઈકાલે ઝરમર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉતર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. પાડોશી રાજય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે સાથો સાથ વેસ્ટન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી રહી છે તે ઉતર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે જેની અસરતળે આજે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં છુટાછવાયા માવઠાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આજે અને આવતીકાલે ઉતર તથા પૂર્વ ભારતના રાજયોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશ જયારે આવતીકાલે ઝારખંડ, બિહાર અને પશ્ર્ચિમ બંગાળમાં કમોસમી વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રમાં આજે અમુક વિસ્તારોમાં સામાન્ય માવઠું પડી શકે છે. ચોમાસાની સીઝનમાં અપુરતા વરસાદના કારણે વર્ષ નબળુ રહ્યું છે. આવામાં શિયાળાની વિદાય અને ઉનાળાના આરંભે કમોસમી વરસાદના કારણે ખેડુતોને પડયા પર પાટું લાગ્યું છે. ખેતરોમાં ઉભેલા પાકને કમોસમીવરસાદના કારણે પારાવાર નુકસાની થવાની ભીતિ સર્જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.