Abtak Media Google News

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના અંતિમ દિવસે આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છની એમ ૪ બેઠકોની સમીક્ષા હાથ ધરાશે: ઉમેદવારોની ટિકિટ ફાઈનલ થશે તો દિલ્હીથી આવશે તેડુ

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા ભાજપ દ્વારા તમામ બેઠકો પર પ્રદેશ નિરીક્ષકોને મોકલી અપેક્ષિત અને આગેવાનોની સેન્સ લેવાયા બાદ ઉમેદવારની પસંદગી માટે છેલ્લા ૩ દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે જેમાં ગઈકાલે અલગ-અલગ ૧૧ બેઠકો માટે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની ૪ બેઠકો માટે કોઈ એક નામ પર સર્વસંમતિ ન સંધાતા જામનગર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે પાર્લામેન્ટરી બોર્ડના અંતિમ દિવસે રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ ચાર બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારનું નામ ફાઈનલ થશે તેને દિલ્હી દરબારનું તેડુ આવશે. બીજી તરફ ગાંધીનગર બેઠક માટે સ્થાનિક નેતાગીરી કોઈ નિર્ણય નહીં લે આ બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવાનો દિલ્હી હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યું છે.Untitled 1 85

ગત ૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન ભાજપના ત્રણ-ત્રણ પ્રદેશ નિરીક્ષકોની પેનલ દ્વારા લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે ઉમેદવાર પસંદ કરવા સેન્સ લેવાયા બાદ ગત રવિવારથી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે જેમાં પ્રથમ દિવસે ૧૧ બેઠકો માટે ઉમેદવારની પસંદગી કરવા સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગર બેઠક પરથી વર્ષોથી ભાજપના દિગ્ગજ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચુંટણી લડે છે.

આ વખતે તેઓએ ચુંટણી લડવા અનિચ્છા વ્યકત કરી હોય આ બેઠક પર ઉમેદવાર નકકી કરવાની કામગીરી પ્રદેશ ભાજપ દ્વારા દિલ્હી હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવી છે. ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિ એમ કુલ ૧૧ બેઠકો અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરને બાદ કરતા એક પણ બેઠક પર કોઈ એક નામ પર સર્વસંમતિ ન સંધાતા અંતે તમામ બેઠકો માટે ૩ અથવા ૪ નામની પેનલ બનાવી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રની ૪ બેઠકોની વાત કરવામાં આવે તો જામનગર લોકસભા બેઠક માટે ભાજપે વર્તમાન સાંસદ પુનમબેન માડમ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના નામની પેનલ બનાવી છે. જયારે ભાવનગર બેઠક માટે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના નામની પેનલ, અમરેલી બેઠક માટે વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી અને હિરેનભાઈ હિરપરા જયારે સુરેન્દ્રનગર બેઠક માટે ૩ નહીં પરંતુ ૪ નામોની પેનલ બનાવવામાં આવી છે. જેમાં વર્તમાન સાંસદ દેવજીભાઈ ફતેપરા, શંકરભાઈ વેગડ, રોહિત ભામાશા અને મહેન્દ્ર મજબુરાના નામની પેનલ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના અંતિમ દિવસે આજે રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ ચાર બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે ત્યારબાદ ગુજરાત લોકસભા ચુંટણી સમિતિ દ્વારા લોકસભા બેઠક દીઠ સંભવિતોના નામની યાદી તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે. જે ઉમેદવારોના નામ ફાઈનલ થશે તેને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. ૨૮મી માર્ચના રોજ ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. સંભવત ભાજપ ૧ અથવા ૨ જી એપ્રિલ આસપાસ પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.