Abtak Media Google News

શાપર-વિરપુર-ચોટીલા-જેતપુર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં પોલીસ અને આર.ટી.ઓ.

સાથે સંયુકત ટીમો બનાવી કરાયું ચેકીંગ: હાજર દંડની પણ વસુલાત કરાઇ

રાજકોટ એસ.ટી. વિભાગની વીજીલન્સ ચેકીંગ સ્કવોડએ રાજકોટ એસ.ટી. ડીવીઝન હેઠળના જુદ જુદા વિસ્તારોમાં પોલીસ અને આર.ટી.ઓ. તંત્રને સાથે રાખી નો-પાર્કિગ ઝોનનો ભંગ કરતા અને ગેરકાયદેસર મુસાફરોની હેરફેર કરતા ખાનગી વાહન ધારકો ઉપર તવાઇ ઉતારી હતી. આ ઇકો, લકઝરી બસો, મીની બસો, ઇનોવા, અલટીગા સહીતનાં સંખ્યાબંધ વાહનો ડિટેઇન કરી અને દંડની વસુલાત કરી હતી.

એસ.ટી.ની વિજીલન્સ અને પોલીસ તથા આર.ટી.ઓ. ની સંયુકત ચેકીંગ ટીમોએ ૩૮ જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ એસ.ટી. ની વિજીલન્સ અને વિરપુર પોલીસની સંયુકત ટીમોએ ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા ૪-ઇકો અને ૧ તુફાન મળી પ વાહનો ડિટેઇન કર્યા હતા.

આ ઉપરાંત વિજીલન્સ અને આર.ટી.ઓ. ના સંયુકત ચેકીંગમાં ચોટીલા વિસ્તારમાં પેસેન્જરોની ગેર કાયદેસર હેરા ફેરી કરતી ૧૫ લકઝરી બસો સામે કેસો કરી રૂ ર૯ હજારના દંડની વસુલાત કરી હતી. અને બે ઇકો કાર ડિટેઇન કરી હતી.

જયારે જેતપુર વિસ્તારમાં ૩ ઇકો વાહન ડિટેઇન કરી રૂ ૨૧૦૦ ના દંડની વસુલાત કરી હતી તેમજ શાપર વિસ્તારમાં ૮-ઇકો, અને મીની બસો ડીટેઇન કરવામાં આવી હતી.

આ ઉપરાંત સુરેન્દ્રનગર વિસ્તારમાં એસ.ટી. ની વીજીલન્સ અને આર.ટી.ઓ.ની સંયુકત ચેકીંગ ટીમોએ ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરીના રપ કેસો કરી રૂ ૩૪ હજારનો સ્થળ ઉપર દંડ વસુલ્યો હતો. તેમજ એક ઇનોવા, ૩ અટીંગા અને ૧ મીની બસ મળી કુલ પ ખાનગી વાહનો ડિટેઇન કરી લેવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.