Abtak Media Google News

૧૪મી માર્ચે સંથારો સીર્જી ગયો: દુ:ખમાં સહભાગી બનેલ સર્વેનો આભાર માનતુ ગોંડલ સંપ્રદાય અને સદર સંઘ

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રકેસરી બા.બ્ર. ગુરુદેવ પ્રાણલાલજી મ.સા. ના આજ્ઞાનુવર્તી સિઘ્ધાંત વારિધિ પૂ. ઉજજમબાઇ મહાસતીજીના લાડીલા સુશિષ્યા બા.બ્ર. સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઇ મહાસતીજીનો જન્મ સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર વડિયા તાલુકાના નાનકડા એવા ખીરસરા ગામે ધર્મપ્રિય પિતા ભુરાચંદભાઇ મહેતાના ગૃહે રત્નકુક્ષીણી માતા સમરતબેનની કુક્ષીએ વિ.સં. ૧૯૮૪ તા. ૨૯-૧૦-૧૯૨૭ ના મંગલ દિને થયો હતો. તેમનું નામ ગુલાબબેન રાખવામાં આવ્યું હતું. ત્રણભાઇને પાંચ બહેનોમાં પાંચમાં નંબરના ગુલાબબેન હતા. ખીરસરામાં પાંચ ચોપડીનો અભ્યાસ કર્યો. પછી સમય સંજોગોને લઇ વડીયાને માતૃભૂમિ બનાવી રહ્યા.

વડિયામાં પાઠશાળા હતી તેથી અવારનવાર સંતોનું  આવાગમન વધારે રહેતું. પૂ. તપસ્વી જગજીવનજી મ.પૂ. જયંતમુનિ મ.પૂ. વ્રજકુંવરબાઇ મ.સ પૂ. પ્રભાબાઇ મ.સ અભ્યાસ અર્થે પધાર્યા. માતા સમરતબેન ધર્મિષ્ટ હતા તેથી સંતાનમાં ધર્મના સંસ્કાર આવ્યા. માતા સાથે ગુલાબબેન ધર્મસ્થાનમાં જતા તેથી તેમનામાં ધર્મની રુચિ જાગી.

૨૦ વર્ષની વયે સાવરકુંડલા મુકામે વિ.સં. ૨૦૦૪ તા. ૨૩-૨-૪૮ મહાસુદ ૧૩ના મંગલદિને જયારે દેશને આઝાદી ને સ્વતંત્રતા મળી. ત્યારે આત્માની સ્વતંત્રતા મેળવવા ત્રણ બેનો તૈયાર થયા અને સંયમના માર્ગે પ્રયાણ કર્યુ.

સૌ.કે. પૂ. પ્રાણગુરુના સ્વમુખે કમેમિભંતેનો પાઠ ભણી પૂ. ઉજમબાઇ મહાસતીજીના પાંચમા નંબરના શિષ્યા થયા. સંગમ ગ્રહણ કર્યા પછી લાગતાર એક વર્ષ સુધી સારવકુંડલા મુકામે ગુરુણીની સેવામાં તત્પર રહ્યા. ત્યારબાદ અનેક દેશોમાં વિચરણ કર્યુ. જેવા કે સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર વિગેરે અનેક ક્ષેત્રોમાં વિચરી ખુબ શાસન પ્રભાવના કરી ધર્મપ્રચાર કર્યો અને પોતે અરિહંત બનવાની આરાધનાએ, સિઘ્ધ બનવાની સાધનાએ સુંદર સંયમ જીવનના એકેક સમયને સોનેરી સમવ્યો.

૩૮ વર્ષના વિચરણ બાદ સરદ સ્થા. જૈન સંઘમાં પૂ. પહ્માબાઇ મહાસતીજીની બિમારી અર્થે સ્થિરવાસ કરવો પડયો અને છેલ્લા ૩૪ વર્ષથી સ્થિરવાસ કર્યો. એટલે સદર સંઘ તીર્થ સમ બની ગયાલ. ૩૪-૩૪  વર્ષના સ્થિરવાસમાં દરેક સંપ્રદાયના સાધુ-સાઘ્વી શ્રાવક-શ્રાવકી ચતુવિધ સંઘ સાથે સમાગમ રહ્યો.

છેલ્લા આઠેક માસથી પોતાની જાતે ઉઠી બેસી ન શકવાના કારણે અન્ન પાણી બહુ જ અલ્પ પ્રમાણમાં લેતા હતા. તેમાં ઘણી જ શારિરીક શકિત હણાઇ જતાં છૈલ્લે ચાર દિવસથી વાતાવરણને કારણે કફ થઇ જતાં, બોલી શકતાં નહી, તૂટી કૂટી ભાષામાં બોલે નહીં તો શાનમાં સમજાવે. તા.૮ ના તબિયત બરાબર ન લાગતા શેઠ ઉપાશ્રય પૂ. ભદ્રાબાઇ મ.સ ને સમાચાર મોકલતાં તેઓએ ત્યાંથી તરત જ પૂ. હસ્મિતાબાઇ મ. અને પૂ. નમ્રતાબાઇ મ.ન. મોકલ્યાં અને બન્ને ઠાણા સેવામાં પધારી ગયા. પૂ. સુશાંતમુનિ મ.એ. અંતિમ ઓલયના કરાવી હતી.

સદર સંઘે તથા સમિતિના સભ્યોએ સારી વૈયાવચ્ચ કરેલ હતી. ભાવના હતી અંતિમ સમયે સંથારો કરવો. તા. ૧૪ ના સાંજે નાના મહાસતીજીન. જરા બરાબર ન લાગતા બધાને બોલાવ્યા ને પૂ. વિજયાબાઇ મ.એ એજ સમયે ૫.૪૫ કલાકે સંથારો કરાવ્યો. સભાન અવસ્થામાં  સંથારાના પ્રત્યાખ્યાન સાંભળી ડોક હલાવી હા પાડી અને ૬.૦૬ કલાકે સંથારો સીઝી ગયો.

નશ્ર્વરદેહને શ્રી સદર સ્થા. જૈન સંઘના ઉપાશ્રયમાં રાખવામાં આવેલ હતો. તા. ૧૫-૩-૨૦૧૯ શુક્રવારના રોજ બપોરે ૨ વાગ્યે પૂ. સંપ્રદાય વરિષ્ઠાના દેહને ભવ્ય પાલખીમાં બિરાજીત કર્યો. એ સમયે પૂ. શ્રીના ભકતો તથા સ્વજનોએ પોતાની પ્રાણ પ્યારી સંપત્તિનો ત્યાગ કર્યો “જય જય નંદા જય જય ભદ્રા અનશન આરાધિકા સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઇ મ.નો જય હો ના ગગનભેદી નારાઓના ગુંજારવ કરતાં વિશાળ માનવ મેદની સાથે રામનાથપરા ખાતે લઇ જવામાં આવી. ત્યાં તેમના પરિવારજનોના હસ્તે અંતિમ સંસ્કાર કરાયોને નશ્ર્વર દેહ માટીમાં વિલિન થઇ ગયો.

તા ૧૬-૩-૨૦૧૯ શનિવારના રોજ ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ તથા જશ, ઉત્તમ, પ્રાણ પરિવાર તેમજ સંઘાણી, અજરામર તથા બોટાદ સંપ્રદાયના સાઘ્વીવૃંદ એમ ચતુર્વિધ સંઘની તથા રાજકોટના બહારના અનેક સંધોની નિશ્રામાં વિશાળ શ્રઘ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવેલુ. પૂ. મહાસતીજીના કાળધર્મના સમાચાર સાંભળી ગામોગામથી સંઘો, સંસ્થાઓ, શ્રાવકોના આશ્ર્વાસનો તથા દિલસોજીના તાર, પત્રો આવેલ છે.

વજ્રઘાતમાં ને દુ:ખમાં સહભાગી બની તાર, પત્રો પાઠવનાર સૌનો ગોંડલ સંપ્રદાય એવમ શ્રી સદર સંઘ આભાર માને છે સાધુ સાઘ્વી વૈયાવચ્ચ ફંડ જીવદયા ફંડ સારું થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.