Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પંચમહાલના ખાનપુરથી રાજ્ય વ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો: પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન, 16 લાભાર્થીઓને રૂા.8.45 લાખ ચેકોનું વિતરણ

121 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્ય ગાથા રજૂ કરતા પુસ્તકનું વિમોચન: ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધુનિક અને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓ અપનાવવા મુખ્યમંત્રીનો અનુરોધ

મુંખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધૂનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ પાક ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બનવા જણાવ્યું છે.

મુંખ્યમંત્રીએ ઉમેર્યું કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ગુજરાત હંમેશા અગ્રેસર રહી વડાપ્રધાનના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબધ્ધ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-2019 નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી

હતી. મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિની પ્રતિક એવી ગૌ-માતાનું પૂજન કર્યું હતું.

મુખ્યમંત્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું સરદાર પટેલ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવા સહિત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના સહિત કુલ 16 લાભાર્થીઓને રૂા.8.45 લાખના ચેકોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ 121 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાાથા રજૂ કરતા પુસ્તકનું વિમોચન કર્યું હતું. મુંખ્યમંત્રીએ રાજયમાં ગીર અને કાંકરેજ નસલની ગાયોના જતન અને સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ખેડૂતોને કૃષિ અને પશુપાલનનો વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થવાનો અનુરોધ કરી ખેડૂતો અને યુવાનોને આધૂનિક ટેક્નોલોજી અને નવીન ખેત પધ્ધતિઓ દ્ધારા કૃષિ વ્યવસાયમાં જોતરાવવા જણાવ્યું હતું. ખેડૂત અને ખેતી સમૃધ્ધ હશે તો જ ગામડાઓ સમૃધ્ધ બનશે. છેવાડા ખેડૂતોની પણ ખેતી સમૃધ્ધ બને દિશામાં સરકાર આગળ વધી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

ખેડૂત જગતનો તાત કહેવાય છે, પરંતુ આઝાદીના પાંચ દાયકાઓ દરમિયાન ભૂતકાળના શાસકોએ ખેડૂત અને ખેતીની ઉપેક્ષા કરી હતી, જેથી ખેડૂત બાપડો બિચારો અને દેવાદાર બન્યો હતો તેમ જણાવતા મુંખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્ધષ્ટિવંત નેતૃત્વમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેને પરિણામે ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.

મુંખ્યમંત્રીએ જણાવ્યું કે, કૃષિ મહોત્સવની સાથે પશુ આરોગ્ય મેળાના આયોજનથી પશુઓના જટીલ ગંભીર રોગોની સ્થળ પર તપાસ નિદાન સારવાર સાથે પશુઆરોગ્ય મેળા યોજવામાં આવી રહયા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું વિવિધ સંસ્થા, સંગઠનો દ્ધારા પરંપરાગત આદિવાસી કોટી, તલવાર, સાફો, ચાંદીનું કડુ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

કૃષિ રાજયમંત્રી જયદ્ધથસિંહ પરમારે જણાવ્યું કે, રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના કાંતિકારી પરિણામો મળ્યા છે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે રૂા.6000/- હજારની સહાય આપવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર નામના મેળવી છે. તેમાં ગુજરાતનો સિંહ ફાળો છે.

ગુજરાતે સર્વગ્રાહી કૃષિ વિકાસનું મોડલ સમગ્ર દેશમાં પ્રસ્તૃત કર્યું છે, એમ જણાવતા રાજય મંત્રી જયદ્ધથસિંહ પરમારે ઉમેર્યું કે, ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકારે ટેકાના ભાવે  રૂા.2711.68 કરોડની મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડાની ખરીદી કરી છે. કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ થવા સાથે તેમના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ આધૂનિક ખેત પધ્ધતિઓ અપનાવી કરેલ પ્રયોગો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ અવસરે રાજય મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ યાદવ, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો જેઠાભાઇ આહિર, સી.કે.રાઉલજી, સુમનબેન ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મનિષાબેન પંચાલ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ એન.સી.પટેલ, પક્ષ અગ્રણી વિક્રમસિંહ ડીંડોર, પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી, એ.જે.શાહ, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ અને ખેડૂત સમુદાય હાજર રહયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.