Abtak Media Google News

ટેન્ડર પ્રસિઘ્ધ કરાયું: ટુંક સમયમાં હાઈડ્રોલીક પ્લેટફોર્મ વસાવવા માટેની તમામ પ્રક્રિયાએ શરૂ કરાશે

રાજકોટ શહેરનો વિકાસ કુદકે અને ભુસકે વધી રહ્યો છે. શહેરમાં આકાશને આંબતી ઈમારતો પણ ખડકાવવા લાગી છે. આવામાં મહાકાય ઈમારતોમાં આગ લાગે અને મોટી જાનહાની થાય તે પૂર્વે જ મહાપાલિકાએ પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કયુર્ં છે. શહેરમાં ૨૩ માળ સુધીની બિલ્ડીંગોમાં આગ લાગે તો તે સરળતાથી બુઝાવી શકાય તે માટે મહાપાલિકા દ્વારા ૮૧ મીટરનું અત્યાધુનિક હાઈડ્રોલીક પ્લેટફોર્મ વસાવવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતમાં ટયુશન કલાસીસમાં આગ લાગ્યાની ઘટના બાદ રાજયભરનાં શહેરો સતર્ક થઈ ગયા છે. રાજકોટમાં ૨૨ થી ૨૩ માળનાં બિલ્ડીંગો ખડકાવવા માંડયા છે ત્યારે આવા બિલ્ડીંગમાં આગ લાગે તો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે મહાપાલિકાએ વિદેશી કંપનીનું ૮૧ મીટર ઉંચુ હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કર્યું છે જોકે આ મશીનની કિંમત ડોલર કે યુરોમાં થતી હોય આ હાઈડ્રોલીક પ્લેટફોર્મનો ખર્ચ કેટલો થશે તે હાલ કહી શકાય તેમ નથી.

સુરતની ઘટના બાદ ફાયર એનઓસી માટે મહાપાલિકાઓમાં ઢગલાબંધ અરજીઓ આવી છે પરંતુ એનઓસી આપવામાં ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે. મોટા ઉપાડે અરજીઓ સ્વિકારી લેવાઈ છે પરંતુ હવે વાંધા વચકાઓ કાઢી એનઓસી આપવામાં આવતું નથી. ૨૦૭ ટયુશન કલાસીસનાં સંચાલકોએ એનઓસી માટે અરજી કરી છે જે પૈકી આજ સુધીમાં માત્ર ૮૧ને જ એનઓસી આપવામાં આવી છે. જયારે ૨૬૬ સ્કુલોએ એનઓસી માટેની અરજી કરી છે જેની સામે માત્ર ૪ને જ એનઓસી આપવામાં આવ્યા છે. જયારે ૪૪ હોસ્પિટલોએ ફાયર બ્રિગેડ શાખા સમક્ષ ફાયર સેફટીનાં એનઓસી માટેની અરજી કરી છે જે પૈકી આજ સુધીમાં એક પણ હોસ્પિટલને ફાયરની એનઓસી આપવામાં આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતની ઘટના બાદ શાળા સંચાલકો, ટયુશન કલાસીસનાં સંચાલકો અને હોસ્પિટલનાં સંચાલકો સાથે બોલાવવામાં આવેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે એવી તાકીદ કરી હતી કે, ફાયરનાં એનઓસી વગર શાળા કે ટયુશન કલાસીસ શરૂ કરવા દેવામાં આવશે નહીં પરંતુ આ અલ્ટીમેટમનું જાણે બાષ્પીભવન થઈ ગયું હોય તેમ શાળા અને ટયુશન કલાસીસ ફાયરનાં એનઓસી વિના જ ધમધમવા લાગ્યા છે. જે શાળા, કલાસીસ કે હોસ્પિટલ ફાયર સેફટીનાં એનઓસી માટે અરજી કરે તેને એનઓસી આપવામાં આવતું નથી અને ખોટા વાંધા વચકા કાઢવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જે લોકો છડેચોક નિયમનો ભંગ કરે છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.