Abtak Media Google News

રાષ્ટ્રીય કામધેનું આયોગે કેન્દ્ર સરકારને કરી રજુઆત

વર્ષોથી ગાયની મહત્વતા લોકોનાં મુખે સાંભળવામાં આવે છે અને તેનો અમલ પણ પ્રજાજનો કરતાં હોય છે. કહેવાય છે કે, ગાય માતામાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. તમામ ધાર્મિક કાર્યોમાં ગાયનું મહત્વ અનેરું રહ્યું છે. મૃત્યુ સમયે પણ ગૌમુત્ર અને ગાયનાં છાણનું લીપણનું એક અલગ જ મહત્વ રહેલું છે. ગાય તમામ રીતે લોકઉપયોગી અને લોકોને આર્થિક સ્થિરતા આપવાનું એક મુખ્ય પરીબળ પણ બની છે. પહેલા સમયમાં એ લોકો સાવકાર કહેવામાં આવતા કે જેમની પાસે ગાયો હતી ત્યારે ફરીથી દેશને ગોકુળીયું બનાવવા રાજયમાં ગાય અભિયારણ્ય ઉભું કરવાની હિમાયત કરવામાં આવી છે. નવનિર્મિત રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા કેન્દ્ર સરકારને રજુઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ગાય અભિયારણ્ય ઉભું કરવું જોઈએ ત્યારે ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ૧૦૦ એકરમાં ગાય અભિયારણ્ય ઉભું કરવાનું હાલ સામે આવ્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા લક્ષ્ય નકકી કરતાં જણાવવામાં આવ્યું છે કે, માત્ર ૧૮ માસની અંદર આયોગ દ્વારા દોઢ કરોડથી બે કરોડ રૂપિયા સીડ માટે ભેગા કરવામાં આવશે જેમાં રાજય સરકાર આ પ્રોજેકટ માટે જમીન ફાળવણી માટે પ્રયત્નશીલ રહેશે. રાષ્ટ્રીય કામધેનું આયોગનાં ચેરમેન વલ્લભભાઈ કથીરિયાએ જણાવતાં કહ્યું હતું કે, તેમનાં દ્વારા ૨૦૦૦ બોવીનસ ઉભા કરવામાં આવશે. ગાય અભિયારણ્ય પોતે જ નિર્મિત થયાનાં ૨ વર્ષ બાદ છાણા તથા ગૌમુત્રથી પોતાની આજીવિકા શરૂ કરશે ત્યારે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા સૌપ્રથમ ચરણમાં ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં તમામ અભિયારણ્યોમાં ગાયો માટે છત, અભિયારણ્યમાં સહાયરૂપ અને ફરજ બજાવતા મેનેજર તથા અન્ય સ્ટાફ લોકો માટે કવાર્ટર, પુરતા પ્રમાણમાં ગ્રીનરી રાખવામાં આવશે. અંતમાં આયોગનાં ચેરમેન વલ્લભભાઈ કથીરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાય અભિયારણ્ય બનતાની સાથે જ તેઓ પ્રજાને ગાય ખરીદવાની અને ગૌમાતાની સારસંભાળ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.