Abtak Media Google News

ન્યુ રાજકોટમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ પડયો: જુના રાજકોટમાં એક ઈંચ અને સામાકાંઠા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ: લાંબા વિરામ બાદ મેઘરાજાએ હેત વરસાવતાં રાજકોટવાસીઓમાં ભારે ખુશાલી

રાજકોટવાસીઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે મહામુલા મેઘરાજાએ ગઈકાલે સમીસાંજે શહેર પર અનરાધાર હેત વરસાવ્યું હતું. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ૨ કલાકમાં શહેરમાં દે ધનાધન બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જોકે આ વરસાદ કોઈ સિસ્ટમનાં કારણે નહીં પરંતુ લોકલ ફોર્મેશનનાં કારણે પડયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે શહેરમાં આજસુધીમાં મોસમનો કુલ સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતાં રાજકોટવાસીઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા. ગઈકાલે સાંજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.

Rijaya-Meghraj-On-Rajkot-De-Dhanadhan-Two-Inches
rijaya-meghraj-on-rajkot-de-dhanadhan-two-inches

છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. સૌરાષ્ટ્રમાં ગુરુવારે જુનાગઢ, બગસરા, ગોંડલ, ઉના સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાંજે રાજકોટમાં મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. થોડીવાર ધીમીધારે તો થોડીવાર ધીંગીધારે વરસાદ પડતા શહેરીજનોને મોજ પડી ગઈ હતી. નાના ભુલકાઓથી માંડી મોટેરાઓ વરસાદમાં નહાવા માટે ઉમટી પડયા હતા. શહેરીજનોને ગરમીમાંથી પણ રાહત મળી હતી. ફાયર બ્રિગેડનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર ગઈકાલે શહેરનાં સેન્ટ્રલ ઝોન એટલે કે જુના રાજકોટમાં ૨૧ મીમી વરસાદ પડયો હતો. મોસમનો કુલ ૧૪૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વેસ્ટ ઝોન અર્થાત ન્યુ રાજકોટમાં સૌથી વધુ ૪૮ મીમી વરસાદ પડયો હતો. આ સાથે ન્યુ રાજકોટમાં આજ સુધીમાં મોસમનો કુલ ૧૩૭ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. સામાકાંઠા વિસ્તારમાં સૌથી ઓછો ૧૩ મીમી વરસાદ પડયો હતો. અહીં મોસમનો કુલ ૧૨૪ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ૨ ઈંચ વરસાદનાં કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી.

Rijaya-Meghraj-On-Rajkot-De-Dhanadhan-Two-Inches
rijaya-meghraj-on-rajkot-de-dhanadhan-two-inches

૨ કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાયા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી હતી. જુના રાજકોટમાં અનેક વિસ્તારોમાં વરસાદનાં કારણે બે કલાકથી વધુ સમય માટે વિજળી પણ ગુલ થઈ જવા પામી હતી. લાંબા સમય બાદ શહેરમાં મેઘરાજાનું આગમન થતાં લોકો રાજીનાં રેડ થઈ ગયા હતા. આજે સવારથી શહેરમાં સુર્યનારાયણ પુરબહારમાં ખીલ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર હાલ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની કોઈ જ શકયતા નથી. લોકલ ફોર્મેશનનાં કારણે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.