Abtak Media Google News

રાજકોટ, મોરબી અને ભાવનગરમાં છ વેપારી સાથે રોકડ અને સોના-ચાંદીના ઘરેણાની છેતરપિંડી કર્યાની કબુલાત: રૂા.૫ લાખ રોકડા કબ્જે: સુત્રધારની શોધખોળ

શહેરના વેપારીઓને આંગડીયા પેઢીના કર્મચારી તરીકેની ઓળખ આપી રોકડ રકમ લેવા માટે આંગડીયાના કર્મચારીને મોકલશે અને ડીલીવરી કરાવી આપશે તેવી ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતી ગેંગના બે સાગરી૫તોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગોંડલ રોડ પરથી ઝડપી લીધા તેની પાસેથી રૂા.૫ લાખ રોકડા કબ્જે કર્યા છે.

મોરબીના ટંકારા નજીક આવેલા અમરાપર ગામના ઇસ્માઇલ દાઉદ રતનીયા અને અનવર ગફાર ખલીફા નામના શખ્સો આંગડીયા પેઢીના કર્મચારીની ઓખળ આપી છેતરપિંડી કરતા હોવાની અને ગોંડલ રોડ પર કારના શો રૂમમાં કાર ખરીદ કરવા આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, ભરતભાઇ વનાણી, જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ અને સંતોષભાઇ મોરી સહિતના સ્ટાફે બંને શખ્સોને રૂા.૫ લાખની રોકડ સાથે ઝડપી લીધા છે.

ઇસ્માઇલ દાઉદ અને અનવર ગફારની પૂછપરછ દરમિયાન થરાદના મુસ્તુફા ઉર્ફે મુન્ના હશન ઘાંચીએ આંગડીયા પેઢીના કર્મચારીની ઓળખ આપી છેતરપિંડી કરાવતો હોવાનું અને તે આંગડીયા પેઢીનું ડમી સીમ કાર્ડ કઢાવી છેતરપિંડી કર્યા બાદ સીમ કાર્ડ બંધ કરી દેતો હોવાની કબુલાત આપી છે.

મોરબી રોડ જકાત નાકા પાસે પટેલ રાખી નામની પેઢીના મનિષભાઇ પટેલ સાથે રૂા.૨ લાખ, ગોંડલ રોડ રીયો ગ્લાશના માલિક રાજેશભાઇ સાથે રૂા.૩ લાખ, રજપૂતપરામાં સુરભી કોમ્પલેક્ષમાં વિવેકભાઇ ચૌહાણ સાથે એક લાખ, ગોંડલ રોડ મેનીફેકચરીંગ કંપની વાળા અમિતભાઇ પટેલ સાથે રૂા.૫.૫૦ લાખ, ભાવનગર લોખંડના વેપારી સાથે રૂા.૬ લાખ અને મોરબી સોની બજારમાં આવેલા અમૃત જવેલર્સના માલિક હક્કાભાઇ સાથે ૧ કિલો ૯૦૦ ગ્રામ સોનું તેમજ ૧ કિલો ૯૦૦ ગ્રામ ચાંદીની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. સોની વેપારી હકાભાઇને ફોન કરી મોરબીના મહેન્દ્ર આંગડીયા પેઢી મહેન્દ્ર સોમામાંથી અશ્ર્વિનભાઇ બોલતા હોવાનું કહી દિકરીના લગ્ન માટે સોના અને ચાંદીના ઘરેણા જોવા માટે મોકલાવવાનું કહી સોના-ચાંદીના ઘરેણાની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સુત્રધાર મુસ્તુફા ઉર્ફે મુન્ના હશન ઘાચીની શોધખોળ હાથધરી છે. મુસ્તુફા ઉર્ફે મુન્નાની બે વર્ષ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી ત્યારે જુદા જુદા વેપારીઓ સાથે એકાદ કરોડની છેતરપિંડી કર્યાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.