Abtak Media Google News

વિશ્ર્વના કોઇપણ દેશે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પ્રશ્ર્ન નથી ઉઠાવ્યો

અમેરિકામાં ઉદ્યોગપતિઓ સાથે વડાપ્રધાન મોદીની મીટિંગ

વડાપ્રધાન મોદીએ દેશની ધુરા સંભાળ્યા બાદ અમેરિકાની પાંચમી મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને ગુગલના સુંદર પીચાઇ, એપલના ટીમ ક્રૂક અને એમેઝોનના ઝેફ બેઝોસ સહિતના નામાંકિત ૨૧ કંપનીઓના વડાઓ સાથે ભારતમાં મૂડીરોકાણ મુદ્દે અગત્યની વાતચીત કરી છે. સમગ્ર વિશ્ર્વ ભારત તરફ મીટ માંડી બેઠુ હોવાની વાત વડાપ્રધાન મોદીએ વૈશ્ર્વિક કોર્પોરેટ વડાઓ સમક્ષ ઉચ્ચારી છે.

ભારતમાં વેપાર-ઉદ્યોગ સરળ કરવા માટે સરકારે થોડાક જ સમયમાં ૭૦૦૦ થી વધુ સુધારા કર્યા હોવાનું વડાપ્રધાને બેઠક દરમ્યાન કહ્યું છે. ભારતમાં મૂડી રોકાણથી વિદેશી કંપનીઓને વિન-વિન તક મળી છે. જીએસટીની અમલવારી અમેરિકાની બિઝનેસ સ્કૂલોનો વિષય બની શકે તેવો દાવો પણ વડાપ્રધાન મોદીએ આ બેઠક દરમ્યાન કર્યો હતો.

વડાપ્રધાને ભારતીય સૈન્ય દ્વારા પીઓકેમાં આતંકવાદી અડ્ડાનો સફાયો કરવા થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને વૈશ્ર્વિક ક્ષેત્રે મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વિશ્ર્વના કોઇ દેશે ભારતની આતંકવાદ ઉપરની સર્જિકલ સ્ટ્રાઇક ઉપર સવાલ નથી ઉઠાવ્યો. વડાપ્રધાને પાકિસ્તાનમાં ધરાર લગ્ન માટે મજબુર કરવામાં આવેલી યુવતીના બચાવમાં વિદેશ મંત્રાલયે કરેલી કામગીરી પણ વિશ્ર્વ સમક્ષ વખાણી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશ મંત્રાલયે ૮૦,૦૦૦ થી વધુ ભારતીયોનો વિવિધ દેશોમાં મુશ્કેલીઓમાંથી બચાવ કર્યો હોવાનો દાવો વડાપ્રધાને કર્યો હતો.

અગાઉ વડાપ્રધાન મોદી અને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ઉષ્માભર્યા વ્યક્તિગત સંબંધો હતા. અલબત હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તરંગી મીજાજને જોતા મોદીને ટ્રમ્પ સાથે સંબંધોમાં સંતુલન રાખવાનું મુશ્કેલ પડશે તેવુ જણાઇ આવે છે. જો વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સાતત્યપૂર્ણ સંબંધો જાળવી શકશે તો તેમની આ અમેરિકાની પાંચમી મુલાકાત સફળ ગણી શકાશે.

તમારે ભારતને કંઇક પરત આપવું છે? તો આ જ સાચો સમય છે: NRIઓને મોદીની અપીલ

વડાપ્રધાન મોદીએ વોશિંગ્ટનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધન વખતે એનઆરઆઇને ભારત પરત ફરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તમારે દેશને કંઇ પરત આપવું હોય તો આ જ ખરો સમય છે. તમા‚ હૃદય હંમેશા સવાલ કરતું હોય છે કે, આપણો દેશ અમેરિકા જેવો ક્યારે બનશે? હું તમને ખાતરી આપુ છુ કે, તમારા જીવનમાં આ શક્ય બની જશે. વડાપ્રધાને અમેરિકામાં વસતા ભારતીયોએ માત્ર ભારતની જ નહીં પરંતુ અમેરિકાના વિકાસમાં પણ મદદ કરી હોવાનું કહ્યું હતું. વડાપ્રધાને ભારતમાં પણ અમેરિકાની જેવુ વાતાવરણ ઉભુ કરવાનો મત વ્યક્ત કર્યો હતો. ડાયસ્પોરાને સંબોધનમાં કહ્યું હતું કે તમારી જેમ સવા સો કરોડ ભારતીયો પણ ટેલેન્ટેડ છે. તેમને પણ હવે ભારતમાં વિકાસલક્ષી વાતાવરણ મળી રહ્યું છે. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી તમામ ભારતીયો દેશ માટે કંઇક કરવા મથામણ કરી રહ્યા છે. પરિણામે દેશમાં ક્યારેય ન જોયો હોય તેવો વિકાસ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.