Abtak Media Google News

રાત્રી દરમિયાન પાંચ ઈંચ વરસાદ વરસ્યા બાદ સવારે ૨ કલાકમાં સાંબેલાધારે સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ: શહેરોનાં નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા: પોપટપરા નાલુ, લક્ષ્મીનગર નાલુ, મહિલા કોલેજ અંડરબ્રીજ બંધ કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છ પર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા ગઈકાલ સાંજથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રી દરમિયાન શહેરમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ વહેલી સવારે ૨ કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડી જતા શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. આજીડેમ ઓવરફલો થવાની તૈયારી પર છે, ન્યારી ડેમ પણ માત્ર ૦.૩૦ ફુટ ભરાવવામાં બાકી રહ્યો છે. શહેરમાં સવારથી વરસાદ ચાલુ હોય નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે જેનાં પગલે સલામતીનાં ભાગરૂપે એનડીઆરએફની એક ટીમને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સવારથી ફિલ્ડમાં છે. આજીડેમ હેઠવાસનાં વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સલામત સ્થળે ઘસી જવા તાકીદ કરવામાં આવી છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રવિવારે સાંજથી શહેરમાં મેઘરાજાએ હળવું હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. મધરાતે મેઘો ફરી મંડાયો હતો. વિજળીનાં કડાકા-ભડાકા સાથે ભારે ડરામણા દ્રશ્યો સર્જાયા હતા. રાત્રી દરમિયાન શહેરમાં સાંબેલાધારે વરસાદ પડયો હતો. ખાસ કરીને શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ આસપાસ સહિતનાં વિસ્તારોમાં અનરાધાર ૮ ઈંચથી પણ વધુ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદનાં કારણે શહેરનાં ન્યુ જાગનાથ, મોચીનગર, ઘનશ્યામનગર, દિવાનપરા અને લલુડી વોંકળી સહિતનાં વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાયાની ફરિયાદ કોર્પોરેશનનાં કોલ સેન્ટરમાં નોંધાઈ હતી. વહેલી સવારે પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા મહિલા કોલેજ અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયું હતું. સલામતીનાં ભાગરૂપે બ્રિજ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાબેતા મુજબ લક્ષ્મીનગરનું નાલુ અને પોપટપરાનું નાલામાં પણ વરસાદનાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો જોકે વીજ પુરવઠો ફરી શરૂ થતાં પમ્પીંગ શરૂ કરી મહિલા કોલેજ અંડરબ્રીજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. લલુડી વોંકળી સહિતનાં વિસ્તારોમાં ૪-૪ ફુટ પાણી ભરાય ગયા હતા અને વરસાદનાં પાણી લોકોનાં ઘરમાં ઘુસી ગયા હતા.

Rainfall-In-Rajkot-6-Inches-Rain-Ndrf-Team-Alerts
rainfall-in-rajkot-6-inches-rain-ndrf-team-alerts

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનાં જણાવ્યા અનુસાર શહેરમાં ૮ ઈંચ જેટલો વરસાદ વરસી જતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આજી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હોય એનડીઆરએફની એક ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૭૧ મીમી (મોસમનો કુલ ૧૧૫૦ મીમી) વેસ્ટ ઝોન વિસ્તારમાં ૧૭૮ મીમી (મોસમનો કુલ ૧૨૦૦ મીમી) અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૧૦૧ મીમી (મોસમનો કુલ ૯૩૯ મીમી) વરસાદ પડયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા અનુસાર ગઈકાલ સવારથી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં રાજકોટમાં ૧૨૩ મીમી એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. દરમિયાન વહેલી સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૨ કલાકનાં સમયગાળામાં શહેરમાં વધુ ૮૧ મીમી એટલે કે સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરમાં ૮ ઈંચથી વધુ વરસાદ પડયો છે. આ સાથે આજ સુધીમાં શહેરમાં મોસમનો કુલ ૧૨૦૯ મીમી એટલે કે ૪૮॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજકોટમાં વરસાદનાં ૪ મેગા રાઉન્ડ આવ્યા છે જેમાં ચારેય રાઉન્ડમાં રાત્રી દરમિયાન જ મેઘરાજાએ હેત વરસાવ્યું છે.

Rainfall-In-Rajkot-6-Inches-Rain-Ndrf-Team-Alerts
rainfall-in-rajkot-6-inches-rain-ndrf-team-alerts

ગઈકાલ સવારથી શહેરમાં આકાશમાં સુર્યનારાયણ પુરબહારમાં ખીલયા હતા. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજનાં સમયે ઝરમર વરસાદ પડવાનું શરૂ થયું હતું. મધરાતે ફરી મેઘો મન મુકીને વરસી પડયો હતો અને સવાર સુધીમાં શહેરમાં સુપડાધારે ૮ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. ભારે વરસાદનાં કારણે શહેરમાં ફરી એક વખત જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને પોપટપરા નાલુ, લક્ષ્મીનગર નાલુ, મહિલા કોલેજ અંડરબ્રીજ વાહનચાલકો માટે બંધ કરવાની ફરજ પડી હતી. આ લખાય રહ્યું છે ત્યારે પણ શહેરમાં વરસાદ ચાલુ છે અને આજે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.