Abtak Media Google News

વોર્ડ નં.૪ની અનેક સોસાયટીઓમાં પુરતા ફોર્સથી અને નિયમિત પાણી ન આવતું હોવાની વ્યાપક ફરિયાદો

મેઘરાજાએ મહેર કરતા શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફલો થઈ ગયા છે છતાં રાજકોટવાસીઓનાં નસીબમાં પાણીનું સુખ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં અનેક સોસાયટીઓમાં પુરતુ અને નિયમિત પાણી મળતું ન હોવાની ફરિયાદો સાથે આજે કોર્પોરેશન કચેરીએ ધસી આવેલી મહિલાઓએ માટલા ફોડી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

વોર્ડ નં.૪નાં કોંગી કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઈ ગજેરાની આગેવાનીમાં આવેલી મહિલાઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, મોરબી રોડ પર ઈન્દ્રપ્રસ્થ-૧, ધારા એવન્યુ, રાજલ પાર્ક, સતનામ, ઉત્સવ, શિવમ જેવી અનેક સોસાયટીઓમાં પુરતા ફોર્સથી લોકોને પાણી મળતું નથી અને પાણીનો સમય પણ ખુબ જ અનિયમિત છે. આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. ભગવતીપરા, એકતા પાર્ક તથા સતનામ સોસાયટીમાં ખુબ જ દુષિત પાણી આવે છે. ઘટતું કરવાની માંગ કરતા મહિલાઓએ કોર્પોરેશન કચેરીમાં માટલા ફોડયા હતા.

Dsc 5900

વોર્ડ નં.૧૨માં વાલ્વ તુટયો  ૩૮ સોસાયટીમાં ૧૦ કલાક મોડુ પાણી વિતરણ

શહેરનાં વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા વોર્ડ નં.૧૨માં પુનિતનગર પાણીનાં ટાંકાની મેઈન લાઈનમાં વાલ્વ આજે વહેલી સવારે તુટતા વોર્ડની ૩૮ સોસાયટીઓમાં નિર્ધારીત સમય કરતા ૧૦ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. પુનિતનગર પાણીનાં ટાંકેથી ૩૦૦ ડાયા મીટરની મેઈન પાઈપલાઈનનો વાલ્વ આજે સવારે કોઈ કારણોસર તુટયો હતો. ૭ વાગ્યે રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉમિયા ચોકથી ડાબી તરફ આવેલી ૩૮ જેટલી સોસાયટીઓમાં સવારે ૪:૩૦ કલાકે પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ વાલ્વ તુટયો હોવાનાં કારણે આ સોસાયટીઓમાં બપોરે અઢી વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. એક તરફ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ મહાપાલિકાની અણઆવડતનાં કારણે એક યા બીજા કારણોસર લોકોને નિયમિત પાણી મળતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.