Abtak Media Google News

     વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ દરમ્યાન તેઓના પરમ ભકત પૂજય ગુરુદેવ રાકેશભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંધિત કરીએ, જયોર્તિમય કરીએ, પ્રસ્તુત છે શ્રીમદ્ રાજંચદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાથા.

શ્રીમદ્ને સ્ત્રી પ્રત્યે ઉત્સુકતા ન હતી તથા વિષયસુખની અત્યંત અનિચ્છા હતી, તેથી તેઓ અનાસકત ભાવે કોઈપણ જાતના આત્મિક બંધન વિના ઉદયકર્મ વેદતા હતા. તેઓ માનતા હતા કે કુટુંબ‚પી કાજળની કોટડી કષાયનું પ્રબળ નિમિત તથા મોહને રહેવાનો અનાદિ કાળનો પર્વત હોવાથી તેમાં રહેવાથી સંસાર વધે છે અને એકાંતથી જેટલો સંસારક્ષય થાય છે તેનો સોમો ભાગ પણ જે કાજળગૃહમાં રહેવાથી થતો નથી. પરંતુ નિરુપાયતા હોવાથી તેઓ સહનશીલતાને સુખદાયક માની, જળકમળવત્ રહી ગૃહવાસને વેદતા હતા. બાહ્ય ભાવે ગૃહસ્થશ્રેણી છતાં અંતરમાં નિર્ગ્રંથશ્રેણીની અભિલાષા સેવતા હતા.

શ્રીમદે એક પત્રમાં પોતાના ગૃહસ્થાશ્રમનું મુલ્યાંકન કરતા જણાવ્યું છે કે તે અસંતોષપાત્ર ન હતો, તેમ ઉચિત સંતોષપાત્ર પણ ન હતો, પરંતુ તેમની ઉદાસીનતાના કારણે મધ્યમ પ્રકારનો હતો. પ્રારબ્ધપ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના થતી ન હતી. આમ, બ્રાહ્ય દ્રષ્ટિએ શ્રીમદ્નું જીવન એક ગૃહસ્થનું હતું, પરંતુ આંતરિક દષ્ટિએ એક ત્યાગી, વૈરાગી, આત્મલક્ષી મહાત્માનું જીવન હતું એમ તેમના લખાણોને મધ્યસ્થ ભાવથી અવલોકનારને સહેજે પ્રતીત થાય છે. એક વાર શ્રીમદ્ને એક ભાઈએ પૂછયું હતું કે તેઓ સંન્યાસી જેવી દશા ભોગવતા છતાં ઘર, વેપાર, વ્યવહાર કઈ રીતે ચલાવી શકે છે ? ત્યારે શ્રીમદે ઉતર આપ્યો હતો કે જાજ‚માં ઝાડે જવાની જેમ જાજ‚માં ઝાડે જતાં તેમાં પ્રેમ-સ્નેહ રાખી કોઈ બેસી નથી રહેતું કે બેસી રહેવા નથી ઈચ્છતું, એ પ્રમાણે શ્રીમદ્ વ્યવહાર સંભાળતા હતા.

આ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ સ્ત્રી તથા સંસારના સુખો તેમને કિંચિત્માત્ર આકર્ષી શકયાં ન હતા. સંસારસંગમાં પણ તેમની અસંગતા અદ્ભુત હતી. લૌકિક વ્યવહારમાં પણ તેમના અંતરમાં આત્મચિંતન શ્ર્વાસની જેમ ચાલતું રહેતું હતું. ગૃહસ્થાશ્રમની ઉપાધિમાં પણ તેઓ પોતાના લક્ષ્ય તરફ આગળને આગળ વધતા જતા હતા. પૂર્વકર્મના કારણે બાહ્ય ત્યાગ થઈ ન શકવા છતાં શ્રીમદ્નું અંત:કરણ તો સાચા અંતરંગ ભાવથી સર્વસંગપરિત્યાગને જ ઝંખતું હતું અને હૃદયમાં તે ભાવના સદોદિત જાગૃત રહી ઉત્તરોતર બળવાન બનતી ગઈ હતી. સંસાર વ્યવહારની વચમાં, અનેક ઈન્દ્રિયવિષયોના નિમિતોની વચમાં ઉભા રહી, સંપૂર્ણપણે પોતાની ત્યાગ-વૈરાગ્યવૃતિનું સંરક્ષણ કરવું એ શ્રીમદ્ની દિવ્ય મહતા દર્શાવે છે. તેમની આંતરિક સ્થિતિ એટલી ઉચ્ચ થઈ ગઈ હતી કે પ્રારબ્ધને શાંત ભાવે, સમતાપૂર્વક, સ્વસ્થતાથી વેદવાનું સામર્થ્ય તેમનામાં ઉદિત થયું હતું.

આમ, આત્માર્થને સાધવા માટે ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમદ્નું જીવન એક સ્પષ્ટ પડકાર‚પ છે. મોક્ષનો ધોરીમાર્ગ જો કે બ્રાહ્માભ્યંતર નિગ્રર્ંથતા છે, પણ તથા‚પ પ્રવર્તન ન થઈ શકે તો પ્રબુદ્ધ અને સાવધાન ગૃહસ્થ સાધક સતત પ્રામાણિક પુરુષાર્થ દ્વારા ધર્મમાર્ગની આરાધના કરીને નિ:શંકપણે આત્મકલ્યાણ સાધી શકે છે. સંસારમાં રહીને પણ સાધુજીવનનો આદર્શ યથાશકય પાળી શકાય છે એવો પ્રયોગાત્મક બોધ શ્રીમદ્ના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે. લૌકિક વ્યવહારમાં પણ તેમણે અસામાન્ય સમતા અને દઢ વૈરાગ્ય બતાવીને એક અપૂર્વ આદર્શ ઉભો કર્યો છે. તેમણે પોતાના જીવતા જાગતા જવલંત દષ્ટાંત દ્વારા અન્ય ગૃહસ્થોને પ્રેરણા‚પ બની રહે એવો સદ્બોધ આપ્યો છે.

શ્રીમદ્ને આંતરિક અનિચ્છા હોવા છતાં લગભગ દસ વર્ષ સુધી ગૃહસ્થાવાસ ભોગવવો પડયો હતો. તેઓ વર્ષનો મોટોભાગ મુંબઈમાં રહેતા અને એકાદ વખત વવાણિયા તેમના પત્ની પાસે જતા, ત્યાં થોડો વખત રહી ગુજરાતના ગ્રામ્ય પ્રદેશમાં નિવૃતિ અર્થે રહેતા. તેમને બે પુત્ર અને બે પુત્રી એમ કુલ ચાર સંતાન થયા હતા. પ્રથમ પુત્ર છગનભાઈનો જન્મ વિ.સં.૧૯૪૬માં થયો હતો. શ્રીમદ્ તેમને ઘણી વખત છગન શાસ્ત્રી કહીને બોલાવતા. ઓગણીસમા વર્ષે ક્ષયનો જીવલેણ હુમલો થતા એ જ વર્ષે, એટલે કે વિ.સં.૧૯૬૫માં તેમનો દેહાંત થયો હતો. છગનભાઈને પોતાના પિતા શ્રીમદ્ પ્રત્યે અત્યંત આદર હતો. છગનભાઈના જન્મ પછી શ્રીમદ્ના પ્રથમ પુત્રી જવલબહેનનો જન્મ વિ.સં.૧૯૪૮માં થયો હતો અને તેના બે વર્ષ પછી વિ.સં.૧૯૫૦માં શ્રીમદ્નાં બીજા પુત્રી કાશીબહેનનો જન્મ થયો હતો. કાશીબહેનનું બત્રીસ વર્ષની નાની વયે અવસાન થયું હતું. વિ.સં.૧૯૫૨માં શ્રીમદ્ના બીજા પુત્ર રતિલાલભાઈનો જન્મ થયો હતો. એમનું મરણ પણ નાની ઉંમરમાં થયું હતું. શ્રીમદ્ના પત્નીનું મૃત્યુ વિ.સં.૧૯૬૯માં થયું હતું. જવલબહેનનો દેહવિલય વિ.સં.૨૦૩૪માં થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.