Abtak Media Google News

લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય દ્વારા કણકોટ ગામે ૭ દિવસીય વાર્ષિક શિબિર યોજાઇ

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત લાલબહાદુર શાસ્ત્રી ક્ન્યા વિદ્યાલયમાં ચાલતા એન.એસ.એસ.  યુનિટ દ્વારા રાજકોટના કણકોટ ગામ ખાતે કણકોટ પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરનું ઉદઘાટન મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદીના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ શિબીરમાં એન.એસ.એસ. યુનિટની ૭૫ વિદ્યાર્થીનીઓ જોડાયેલ હતી. તેમના રાત્રી-નિવાસની વ્યવસ્થા લાભુભાઇ ત્રિવેદી એન્જી. કોલેજમાં કરવામાં આવી હતી.

આ વાર્ષિક ખાસ શિબિરમાં વિઘાર્થીનીઓ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમ કે કણકોટ પ્રા.શાળાની સફાઇ, ગ્રામ પંચાયત, આંગણવાડી, ગામના રામમંદીરની સફાઇ કરીને વિદ્યાર્થીનીઓએ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

શિબિરમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દશેહ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરિયાણી તેમજ તેમની ટીમ ઉ૫સ્થિત રહી હતી. આ કિશોરી મેળા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગપૂરણી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિશોરમેળા અંતર્ગત ગામમાં છેલ્લા અઠવાડીયામાં જન્મેલા બાળકીના માતાઓને કિટ આપીને વહાલી દીકરીના આગમનના વધામણા કરવામાં આવ્યા હતા. ગામમાં આવેલ આંગણવાડીનાબેન નીતાબેન ચાવડા તેમજ તેમના મદદનીશો બેનને કિટ  આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કિરણબેન મોરયાણી દ્વારા ગ્રામજનો ને સરકારની મહિલાઓને લગતી યોજનાઓની માહીતી આપવામાં આવી હતી.

શિબિર અંતર્ગત ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની ટીમ દ્વારા મહિલા સુરક્ષા માટેની સરકારની યોજનાઓની વિસ્તૃત માહીતી આપીને ૧૮૧ વેનનો ડેમો આપવામાં આવ્યો હતો.

એન.એસ.એસ. ની વિઘાર્થીઓએ કણકોટ પ્રા.શાળાના વિઘાર્થીઓને વર્ગોમાં જુદા જુદા વિષયો ભણાવીને પોતાની અંદર રહેલ શિક્ષક તરીકેના ગુણો ખુલવ્યા હતા.

આ વાર્ષિક ખાસ શિબિર અંતર્ગત હાસ્ય કલાકાર ડો. મધુરિકાબેન જાડેજા ઉ૫સ્થિત રહીને વિદ્યાર્થીઓને મનોરંજન સાથે સ્વની ઓળખનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેમની સાથે કૈલાશબેન દોશી ઉ૫સ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમોનું આયોજન શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિઘાલયના આચાર્ય ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફીસર જશવંતીબેન ખાનવાણી એ કર્યુ હતું. તેમજ આ કાર્યક્રમની સફળતા માટે અમે કણકોટ પ્રા.શાળા તેમજ શ્રી લાભુભાઇ ત્રિવેદી એન્જી. કોલેજના આભારી છીએ. આ કાર્યક્રમમાં શ્રીલાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના તમામ સ્ટાફ મિત્રોએ પોતાના નોંધનીય ફાળો આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.