Abtak Media Google News

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના પશ્ર્ચિમી રાજ્યોમાં ચોમાસુ ટનાટન રહેશે : જુન-જુલાઇમાં સાધારણ, પરંતુ ‘પાછોતરી’ જમાવટ કરશે!

સૌરાષ્ટ્રમાં ચોમાસુ મોડુ બેસશે, પરંતુ ગત વર્ષની જેમ પ્રથમ બે માસમાં સાધારણ જયારે છેલ્લા બે માસમાં કૃપા વરસાવીને ભારે વરસાદ વરસાવશે : સતત બીજા વર્ષે ચોમાસુ સારું રહેવાની આગાહીથી ધરતીપુત્રોમાં હરખની હેલી

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસુ ટનાટન રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે થોડા સમય પહેલા વ્યસ્ત કરી હતી. આ આગાહીના મહિના પ્રમાણે પડનારા વરસાદના આંકડાઓ તાજેતરમાં બહાર આવવા પામ્યા છે. આ આંકડાઓ મુજબ આ વર્ષનાં ચોમાસામાં ગત વર્ષની જેમ જ પ્રથમ બે મહિનામાં ઓછો વરસાદ જયારે પાછોતરા બે માસમાં વધારે વરસાદ વરસશે ઉપરાંત દેશનાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના પશ્ર્ચિમી રાજયોમાં ચોમાસુ ૧૬ આની રહેવા પામશે. સતત બીજા વર્ષે ચોમાસુ ટનાટન રહેવાની આગાહી ધરતીપુત્રોમાં હરખની હેલી ફેલાય જવા પામી છે.

દેશમાં વિધિવત ચોમાસુ બેસવાને હજુ એક માસ જેવો સમય બાકી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ એપ્રિલ માસમાં ચોમાસાની પ્રથમ આગાહી કરી હતી. આ આગાહીના આંકડાઓ જે બહાર આવ્યા પામ્યા છે. તેમાં ઓરિસ્સા, પશ્ર્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો અને મિઝોરમમાં આ વર્ષે ચોમાસુ નબળુ રહેવાની જયારે તામિલનાડુ, કેરળ સહિતના દક્ષિણ ભાગોમાં મેઘરાજા ભારે કૃપા વરસાવશે તેવી આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં દેશના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ ટનાટન રહેવાની સંભાવના ૪૦થી ૫૦ ટકા વચ્ચે વ્યકત કરાય છે.

જયારે, ગુજરાત રાજસ્થાન, પશ્ર્ચિમી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પશ્ર્ચિમી રાજયોમાં આ વર્ષે ચોમાસુ ટનાટન રહેવાની સંભાવના ૫૦ થી ૬૦ ટકા વચ્ચે વ્યકત કરાય છે. આ આગાહીમાં મહિના પ્રમાણે આંકડાઓ દર્શાવાયા છે. તેમાં દેશના આ પશ્ર્ચિમી રાજયોમાં ચોમાસું મોડુ આવશે જુન અને જુલાઈ માસમાં સાધારણ વરસાદ વરસશે પરંતુ ગત વર્ષની જેમ ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં પાછોતરી જમાવટ કરીને મેઘરાજા પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવશે, ભારતીય હવામાન વિભાગે ૧૫ એપ્રિલે લોંગ પિરીયડ એવરેજના આંકડાઓ મુજબ દેશમાં ૧૦૦ ટકા જેટલો વરસાદ પડવાની આગાહી વ્યકત કરી હતી. આ આગાહીમાં પટકાતી વધઘટ થવાની સંભાવના દર્શાવી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહીમાં જૂન અને જુલાઈ માસમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલગાંણા, મરાઠાવાડા, વિર્દભ જેવા વરસાદ આધારિત પાકો લેતા વિસ્તારોમાં પણ વરસાદ ઓછો વરસશે તેમ જણાવ્યું છે. જોકે, સૌરાષ્ટ્રમાં આ વર્ષ જૂન માસનાં અંતમાં મેઘરાજાની પધરામણી થશે જુન જુલાઈ માસમાં મેઘરાજા સામાન્ય વરસશે જયારે ઓગષ્ટ, સપ્ટેમ્બરમાં વધારે કૃપા વરસાવીને અગાઉના બે માસમાં રહેલી કમીને પૂરી કરી નાખશે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે.

  • ચોમાસાની આગાહી કરતી પરંપરાગત પધ્ધતિઓમાં પણ ટનાટન વરસાદની સંભાવના

સૌરાષ્ટ્ર અન ગુજરાતમાં ચોમાસાની આગાહી ભડલી વાકયો ઉપરાંત હોળીના પવનના મુર્હુતો સહિતની અનેક પરંપરાગત પધ્ધતિઓ છે ભડલી વાકય નામની પરંપરાગત પધ્ધતિમાં અલગ અલગ સમયે વાદળ, વીજળી, વાયુ તાપ, મેઘ ગર્જના, મેઘધનુષ વગેરે ચિન્હો જોઈને ચોમાસાના ચારથી છ માસ અગાઉ કયાં કેટલો અને કેવી રીતે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવે છે. આ પરંપરાગત રીતે થતી આગાહીઓ એટલી સચોટ હોય છે કે તેમાં કઈ તિથિએ કેટલો વરસાદ પડશષ તેનું પર પુર્વાનુમાન થઈ શકે છે. આ આગાહીઓ મોટાભાગે સત્ય પૂરવાર થતી હોય ખેડુતોને હવામાન વિભાગની આગાહી કરતા આ પરંપરાગત આગાહીઓ પર વધારે વિશ્ર્વાસ હોય છે. ધરતીપુત્રો ભડલીવાકયો જેવી પરંપરાગત આગાહીઓને ધ્યાને રાખીને જ વાવેતર કરતા હોય છે. ભડલી વાકયો સહિતના પરંપરાગત વરતારાઓમાં આ વર્ષે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ૧૬ આની વરસાદ એટલે કે ટનાટન વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. સતત બીજા વર્ષે સારા વરસાદની આગાહીથી મોટાભાગે ગ્રામીણ અર્થતંત્ર ધરાવતા ભારતીય અર્થતંત્રને નવજીવન મળશે ઉલ્લેખનીય છે કે પહેલેથી જ મંદ પડેલા ભારતીય અર્થતંત્ર કોરોના વાયરસના કારણે આવી પડેલા લોકડાઉનથી માંદગીના બિછાને પહોચી જવા પામ્યું છે. કુદરતે સર્જેલી આફતમાંથી હવે કુદરત જ સારો વરસાદ વરસાવીને ઉગારે તેવી આશા આ આગાહીઓએ વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.