Abtak Media Google News

ગુજરાતી માધ્યમની ૫,૨૯,૬૬૫ અને અંગ્રેજી માધ્યમની ૫૫,૩૫૬ સહિત કુલ ૫ લાખથી વધુ ઉત્તરવહી ચકાસવાની કામગીરી સંપન્ન

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનનાં સમયમાં પણ રાજયનાં શિક્ષકો કોરોના વોરીયર્સ બનીને કામ કરી રહ્યા છે ત્યારે રાજયભરમાં મોડી શરૂ થયેલી ઉતરવહી ચકાસણીની કામગીરી રાજકોટ જિલ્લાનાં ૧૯૦૦થી વધુ શિક્ષકોએ બોર્ડની કુલ ૫.૮૫ લાખ ઉતરવહી ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દીધી છે જેમાં ગુજરાતી માધ્યમનાં ૫,૨૯,૬૬૫ અને અંગ્રેજી માધ્યમની ૫૫,૩૫૬ સહિત કુલ ૫ લાખથી વધુ ઉત્તરવહી ચકાસણી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાનાં અને શહેરનાં કુલ ૩૬ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર પર પેપર ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૯૦૦થી વધુ શિક્ષકો આ યજ્ઞકાર્યમાં જોડાયા હતા. તેઓનાં પ્રયત્નોથી તમામ ઉતરવહીની ચકાસણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમજ ચકાસણી થયેલ તમામ ઉતરવહી શિક્ષણ બોર્ડને પણ પહોંચતી કરી દીધી છે. આ સમગ્ર કામગીરીમાં તમામ પરીક્ષકો પરીક્ષા કેન્દ્રનાં નિયામક, વહિવટી સ્ટાફ તથા જિલ્લાનાં શાળા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, સરકારી તથા બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને વહિવટી સંઘ અને બિનઅનુદાનીક શાળા સંચાલક મંડળનો સહયોગ મળ્યો છે. તમામ કામગીરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. રાજયભરમાં રાજકોટ જિલ્લા દ્વારા સૌપ્રથમ બોર્ડનાં પેપરોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેમાં રાજકોટનાં ૧૯૦૦ શિક્ષકો દ્વારા ૩૬ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રમાં ગુજરાતી માધ્યમની કુલ ૫,૨૯,૬૬૫ અને અંગ્રેજી માધ્યમની ૫૫,૩૫૬ સહિત કુલ ૫,૮૫,૦૨૧ ઉત્તરવહીઓ ચેક કરવામાં આવી છે. પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઈઝીંગ સાથે આ સમગ્ર કામગીરી સફળ રીતે સંપન્ન કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.