Abtak Media Google News

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બપોર બાદ સીબી ફોર્મેશનના કારણે ગાજવીજ સાથે વરસાદની વકી: ગરમીમાં થોડી રાહત મળશે

નૈઋત્યનું ચોમાસુ દરવાજો ટકોરા મારી રહ્યું છે. કેરળમાં ૧લી જૂન આસપાસ ચોમાસુ બેસી જાય તેવા સુખદ સંજોગો રચાયા છે. ત્યારે પ્રિ-મોનસુન એકિટવીટીના ભાગ રૂપે આજ અને આવતી કાલે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ પાસે એક હવાનું હળવું દબાણ સર્જાયું છે.જે આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનામં પરિવર્તતીત થશે. અને આગામી ૧લી જૂન આસપાસ સાયકલોનમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. જેની અસર સૌરાષ્ટ્રમાં પણ વર્તાશે સૌરાષ્ટ્રમાં આવતા સપ્તાહે વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા હાલ વર્તાય રહી છે. અરબી સમુદ્રમં હાલ સક્રિય થયેલી સિસ્ટમ ભારતમાં ચોમાસા માટે ખૂબજ ફેવરેબલ છે. દેશમાં નૈઋત્યનું ચોમાસુ ખૂબજ નજીક છે. ૧લી જૂન આસપાસ કેરળમાં ચોમાસુ દસ્તક દે તેવું લાગી રહ્યું છે આગામી પ કે ૬ જૂન આસપાસ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ ડે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજ વધતા બપોર બાદ સી.બી. ફોર્મેશન સર્જાશે અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. જેને પ્રિ.મોનસુન એકિટવીટી પણ કહી શકાય. અરબી સમુદ્રમં સર્જાયેલું લો પ્રેશર સાયકલોનમાં પરિવર્તીત થશે અને આવતા સપ્તાહે વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્રપર ઝળુંબી રહ્યો છે.

સંભવિત વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શકયતા

હાલ અરબી સમુદ્રમાં ઉઠેલા લો પ્રેસરથી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. આ વાવાઝોડાની દિશા સતત બદલતી જોવા મળી રહી છે. પ્રથમ આ વાવાઝોડું ગુજરાતમાં વેરાવળથી લઈને વલસાડ સુધીના દરિયાકાંઠાને ધમરોળવાનું હતું. પરંતુ તેની દિશા ફરી જતા હવે આ વાવાઝોડું તા. ૩ના રોજ ગુજરાત પાસેના દરિયાકાંઠેથી ઓમાન તરફ ફંટાઈ તેવી શકયતા સેવાઇ રહી છે. જો કે વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર ગુજરાત ઉપર પડી શકે તેમ છે. હાલ તો આ વાવાઝોડાની દિશા સતત બદલતી રહેતી હોય આગામી દિવસોમાં વાવાઝોડાથી કેટલો ખતરો છે તેનું તારણ કાઢી શકાશે. ઉલ્લેખનીય છે કે સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર અત્યારથી જ એલર્ટ થઈ ગયું છે અને તકેદારી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.