Abtak Media Google News

ડિસેમ્બર-૨૦૧૯થી ફેબ્રુઆરી-૨૦૨૦ માટેનું વળતર રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ચુકવાયું

જીએસટીને લઈ ઘણી ખરી અટકળોનો ઉધોગો તથા સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહ્યો છે ત્યારે જીએસટી અમલી બનતાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી પાંચ વર્ષ માટે વળતર ચુકવવાનું વચન આપ્યું હતું જેને લઈ ગત ૩ માસ એટલે કે ડિસેમ્બર-૨૦૧૯, જાન્યુઆરી-૨૦૨૦ અને ફેબ્રુઆરી-૨૦૨૦ માટે સરકારે ૩૬,૪૦૦ કરોડ રૂપિયા રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને વળતર પેટે ચુકવાયા છે. એપ્રિલથી નવેમ્બર-૨૦૧૯નાં સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ૧,૧૫,૦૯૬ કરોડ રૂપિયા રાજય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યા હતા જેનું કારણ રેવન્યુ લોશ થયો હોવાનું પણ સામે આવ્યું છે. જીએસટી અમલી થતાની સાથે જ રાજય સરકારને આર્થિક રીતે ઘણી ખરી તકલીફનો સામનો પણ કરવો પડયો હતો જેને પહોંચી વળવા અને ઉભી થયેલી ખાદ્યને પુરવા માટે સરકાર દ્વારા આ વળતર ચુકવવામાં આવી રહ્યું છે.

હાલનાં સાંપ્રત સમયમાં જે મહામારીથી સમગ્ર વિશ્ર્વ પીડાય રહ્યું છે તેમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી ત્યારે આરોગ્ય ક્ષેત્રે થયેલા ખર્ચની સામે જે આવક થવી જોઈએ જીએસટીનાં માધ્યમથી તે ન થતા કેન્દ્ર સરકાર દ્વારા આ વળતર ચુકવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯નાં સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ૬૯,૨૭૫ કરોડ રૂપિયા, ૨૦૧૭-૧૮માં ૪૧,૧૪૬ કરોડ રૂપિયા જીએસટીનાં વળતરરૂપે આપવામાં આવ્યા છે. એવી જ રીતે જીએસટીમાં જે સેસ કલેકશન કરવામાં આવ્યું છે તેમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૯૫ હજાર કરોડ, વર્ષ ૨૦૧૮-૧૯માં ૯૫,૦૮૧ કરોડ રૂપિયા તથા વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૨,૬૧૧ કરોડ રૂપિયાનું કલેકશન થયું હોવાનું પણ સામે આવ્યું છે.

જીએસટી કાયદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજય સરકારને રેવન્યુ લોશ થાય તો પ્રથમ પાંચ વર્ષ જીએસટીના અમલીકરણ દરમિયાન તેઓને વળતર ચુકવવામાં આવશે. રાજયમાં જીએસટી કલેકશનમાં ૧૪ ટકાનો વાર્ષિક ઘટાડો નોંધાયો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે નાણાકિય સહાય આપવામાં આવી રહી છે તે રાજય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે બુસ્ટર ડોઝ સમાન પણ સાબિત થયું છે. જીએસટી સ્ટ્રકચરમાં ટેકસનો દર ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાનો રાખવામાં આવ્યો છે. જયારે ૨૮ ટકાનાં જ ટેકસ સ્લેબ ઉપર સેસ વસુલવામાં આવે છે. સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અનેકવિધ રીતે ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.