Abtak Media Google News

૧૯૧૬ની સાલમાં ભેરાઇ ગામે આ મંદિરની સ્થાપના થઇ હતી: ભગવાનને અહીં ભોગમાં ગળ્યા ભાત ધરાવવાની પૌરાણિક પરંપરા

રાજુલા તાલુકાનું ભેરાઇ ગામે રાજાશાહી સમયમાં ભેરાઇ બંદર ખુબ જાહોજલાલી વાળુ, ભેરાઇ ગામે મોટા પ્રમાણમાં બંદરો ઉપર વહાણોની આવન-જાવન થઇ રહેલ હતું. તેમ જ ભેરાઇના તે સમયના વણીકો તેમજ વેપારીઓને પોતાના વહાણ હતા અને ભેરાઇ ગામે તે સમયે એટલે કે આઝાદી પૂર્વે દેશ-વિદેશમાં ભેરાઇ ગામના વણીકો અને વેપારીઓ વહાણ મારફતે વેપાર કરતા.

એ સમયમાં ભેરાઇ ગામે કપોળ વણીક એવા ભેરાઇ ગામના દાનેશ્ર્વરી અને શેઠ શગાળશાના વંશ જ એવા સ્વ. શેઠ શ્રી ભગવાનદાસ ગોકળદાસ વોરા દ્વારા ભેરાઇ ગામે પણા બધા ધાર્મિક સ્થાનો અને મંદિરો, ગૌશાળાઓ બનાવી તેમાં તા. ૮/૫/૧૯૧૬ ના રોજ ભેરાઇ ગામે જગન્નાથજીનું મંદિર બનાવ્યું. ભેરાઇ ગામે બિરાજતા જગન્નાથજીનો ઇતિહાસ એવો છે કે રાજેસ્થાન ના મોકાલા તા. મેડતા (જે  મીરાબાઇનું પીયર છે) ત્યાંના રાજેસ્થાની બ્રાહ્મણ પરિવારના ગંગાધરજી પંડયા લગભગ ૧૮૯૦ની સાલ આસપાસ ભેરાઇ ગામે આવેલા તે સમયે જગન્નાથીજીની મૂર્તિ પોતાની સાથે લાવેલા અને તેઓ તેની પૂજા કરતા હતા.આવા સમયે ભેરાઇ મહાજન દ્વારા તેઓને જમીન આપી અને સાદુ છાપરા વાળુ મંદિર બનાવ્યું ત્યારબાદ ૧૯૧૬માં આ મંદિર સ્વ. ભગવાનદાસ ગોકળદાસ વોરાએ બનાવ્યું.

આ જગન્નાથજી મંદિરની વિશેષતા એ હતી કે ત્યાં ભગવાનને ભોગમાં ગળ્યા ભાત ધરાવવામાં આવતા આ ભાત રાંધીને માટીની મટકીમાં રાખવામાં આવતા અને જગન્નાથજીની આરતી કર્યા બાદ આ મટકીને ભગવાન સમક્ષ રાખવામાં આવતી તો તેના એક સરખા ચાર ભાગ થઇ જતા આ સમગ્ર વિધિએ જગન્નાથજીને હાંડી ચડાવી તેવું કહેવામાં આવતું, આ અંગે આજરોજ આ મારવાડી પરિવારના માંગીલાલ શાત્નીલાલ પંડયા કે જે હાલમાં જોધપુર રાજેસ્થાન રહે છે તેમને પૂછતા તેઓએ જણાવેલ છે કે, મંગાધરજી પંડયા, ગબડી રામ, મથુરાદાસ, નારણદાસ, શાન્તીલાલ અને માંગીલાલ પંડયા  સુધીનો પરિવાર ભેરાઇમાં જગન્નાથજીની સેવા પુજા કરેલ છે. જગન્નાથજીના મંદિરોમાં ભાવનગર, દિવ, ભેરાઇ એમ ત્રણેય જગ્યાઓ ઉપર રાજેસ્થાનના મારવાડી બ્રાહ્મણો જ પુજા અર્ચના કરે છે. પરંતુ અમો ધંધો રોજગારને હિસાબે હાલમાં જોધપુરમાં રહીએ છીએ. અમારો પરિવાર ભેરાઇ ગામે આશરે ૧૫૦ વર્ષ ઉપરાંત રહેલ પરંતુ અમોએ બેટી વહેવાર તો રાજેસ્થાનમાં જ કરેલ હતો અમોએ અમારા પરિવારની બેટીઓને રાજેસ્થાનમાં જ પરણાવેલ છે અને વહુઓ પણ રાજેસ્થાનની જ લાવેલા છીએ. આમ અમારા વડવાઓ દ્વારા લાવવામાં આવેલા જગન્નાથજી હાલમાં ભેરાઇમાં બિરાજે છે. તેમજ ભેરાઇ ગામે પણ દર અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે હાલમાં આ મંદિરની પુજા અર્ચના બળવંતરાય હરીભાઇ રાજયગુરુ પરિવાર દ્વારા કરવામાં આવે છે. આમ ભેરાઇ ગામે બિરાજતા જગન્નાથજી ખુબ પૌરાણીક અને ઐતિહાસિક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.