Abtak Media Google News

વેબીનારનાં સર્ટીફીકેટનો ઉપયોગ એકેડેમિક લાભ માટે કરી શકાય નહીં: યુજીસી

વેબીનારથી ૧૦૦ ટકા શિક્ષણ મેળવવું શકય નથી પરંતુ થોડાઘણા અંશે ઉપયોગી જયારે સેમિનાર દ્વારા સચોટ શિક્ષણ મેળવી શકાય અને ચર્ચા પણ સ્પષ્ટ રીતે થઈ શકે

સમગ્ર વિશ્વમાં હાલ જયારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દેશભરમાં શાળા-કોલેજો બંધ છે અને હજુ આગામી શાળા-કોલેજો કયારે શરૂ થશે તેના પણ કોઈ એંધાણ છે નહીં. જયારે વિદ્યાર્થી અને અઘ્યાપકોને વિશેષ માર્ગદર્શન અને તાલીમ મળી શકે તે હેતુથી સમગ્ર દેશમાં ઓનલાઈન સેમીનાર વર્કશોપ સહિતનાં આયોજનો થઈ રહ્યા છે. સેમીનારની જેમ ઓનલાઈન વેબીનારનું આયોજન થાય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં સેમીનાર યોજવા અશકય છે એટલે કે કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં ઓનલાઈન વેબીનાર થકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાય છે જોકે બીજીબાજુ વાત કરીએ તો સેમીનાર ઓફલાઈન છે જયારે વેબીનાર એ ઓનલાઈન પ્રક્રિયા છે. વેબીનારમાં આંતરક્રિયા બરાબર થઈ શકતી નથી  જયારે સેમીનારમાં પ્રત્યેક્ષ રીતે પ્રતિક્રિયા આપી શકાય છે. વેબીનાર સ્પષ્ટપણે સમજી શકાય નહીં જયારે સેમીનારમાં સંપૂર્ણપણે સ્પષ્ટતાથી સમજી શકાય છે જોકે વેબીનારનો હાલ રાફડો ફાટયો છે તેમ વિદ્યાર્થી વર્ગ વેબીનારમાં જોડાઈને સર્ટીફીકેટ મેળવે છે જોકે આ સર્ટીફીકેટનું મહદઅંશે કોઈ લાભ મળતો નથી પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ વાત કરીએ તો વેબીનાર સિવાય કોઈ વિકલ્પ જ નથી.

ઉલ્લેખનીય છે કે, હાલ જયારે શારીરિક દુરીનું પાલન અને વધુ લોકો એકઠા થવા પર સરકારની પાબંધી છે ત્યારે વેબીનારનું આયોજન થાય છે. સેમીનારની જેમ ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે જોકે આ મામલે યુજીસીએ અગાઉ એવું ફરમાન કર્યું હતું કે, વેબીનારનાં સર્ટીફીકેટનો ઉપયોગ એકેડેમીક લાભ માટે કરી નહીં શકાય ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે આ વેબીનાર થકી ખરેખર વિદ્યાર્થીઓને કોઈ લાભ થશે કે કેમ ? કેમ કે વેબીનારમાં વિદ્યાર્થીઓ પોતાની વાત સામે રાખી શકતા નથી અથવા તો સામે રાખે તો તેટલો સમય પણ જતો રહ્યો હોય છે. મોટાભાગનાં લોકો વેબીનારથી પરિચિત નથી. વેબીનારથી શૈક્ષણિક ફાયદો પણ થાય તેવું લાગતું નથી. વેબીનારથી સમયનો બગાડ તો થાય જ છે સાથો સાથ વેબીનારમાં પ્રશ્ર્નોનાં ઉતર પણ સંતોષકારક રીતે મળતા નથી. વેબીનાર અને સેમીનારમાં હાથી-ઘોડાનો તફાવત છે. સેમીનારમાં જેટલા લોકો એકત્ર કરવા હોય તેટલા થઈ શકે છે ત્યારે વેબીનારમાં મર્યાદિત લોકોનો સમાવેશ કરી શકાય છે.

લોકોનાં પણ મંતવ્ય મુજબ વેબીનારથી ૧૦૦ ટકા શિક્ષણ મેળવવું શકય નથી પરંતુ થોડાઘણા અંશે ઉપયોગી થઈ શકે છે. સેમીનાર દ્વારા શિક્ષણ સચોટ અને યોગ્ય રીતે મેળવી શકાય છે અને ચર્ચા પણ સ્પષ્ટ રીતે થઈ શકે છે અને તેમાં સંતોષ પણ પ્રાપ્ત થાય છે કારણકે આંતરક્રિયા પ્રત્યેક્ષ હોય છે જયારે વેબીનારમાં આંતરક્રિયા પરોક્ષ હોય છે. મોટાભાગનાં લોકો વેબીનાર કરતા સેમીનારને વધુ પ્રાધાન્ય આપે છે. વેબીનાર ટાઈમપાસ છે તેવું ઘણા લોકોની પ્રતિક્રિયામાં સામે આવ્યું છે.

ભૌતિક સાધનોથી મળતા શિક્ષણમાં રસ જળવાતો નથી: ડો.યોગેશ જોગસન

Img 20200721 Wa0006 1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવૈજ્ઞાનિક ભવનનાં વડા ડો.યોગેશ જોગસને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોબાઈલ, ટેબલેટ, લેપટોપ અને જે ભૌતિક સાધનોથી શિક્ષણ પ્રાપ્ત થાય છે તેમાં સંવેદના હોતી નથી. ભૌતિક સાધનોથી મળતા શિક્ષણમાં કોઈ રુચિ કે રસ જળવાય રહેતો નથી. વધારે સમય ભૌતિક સાધનો સામે બેસીને શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે અંકળામણ થાય છે. જયારે માનવ દ્વારા અપાતા શિક્ષણનાં સંદર્ભમાં મળેલ શિક્ષણ સંવેદનશીલ હોય છે તેથી શિક્ષણ યોગ્ય રીતે પ્રાપ્ત થઈ શકે અને રસ, રુચિઓ પણ જળવાય રહે. માનવ દ્વારા આપવામાં આવતા શિક્ષણથી ઘણો ફેર પડે છે. પ્રત્યક્ષ તેમના ચહેરાના હાવ-ભાવ જોઈ શકીએ છીએ અને તે મુજબ આપણે પ્રતિક્રિયા આપી શકીએ છીએ. જુદા-જુદા પ્રકારની એપ્લીકેશનનાં ઉપયોગનાં કારણે પોતાની પ્રાઈવેસી પણ જોખમાય તેવું લોકો અનુભવે છે એટલે વેબીનાર કરતા સેમીનાર જ શ્રેષ્ઠ છે.

હાલનાં સમયમાં વેબીનાર એક જ વિકલ્પ: ડો.સંજય વાધર

Img 20200717 Wa0018 1

વેબીનાર અને સેમીનારનાં તફાવતને લઈ એચ.એન.શુકલ કોલેજનાં ટ્રસ્ટી એવા ડો.સંજય વાધરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની સાંપ્રત પરિસ્થિતિને જોતા વેબીનાર જ એક વિકલ્પ છે જોકે એક વાત એ પણ સાચી છે કે, સેમીનાર જેટલું સચોટ શિક્ષણ વેબીનારમાં મળતું નથી પરંતુ અમારી કોલેજ દ્વારા ૧૦ થી વધુ વેબીનારનું સફળ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં બાળકો પણ પુરા સહભાગી થયા છે. હજુ આગામી કોલેજો અને યુનિવર્સિટી કયારે શરૂ થશે તેની કોઈ માહિતી નથી જેથી વેબીનાર જ એક વિકલ્પ છે.

વેબીનારમાં પ્રશ્નોનાં ઉત્તર સંતોષકારક રીતે મળતા નથી: ડો.ધારા દોશી

Img 20200721 Wa0005

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનનાં પ્રોફેસર ડો.ધારા દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેબીનારથી અનેક સમસ્યાઓ સર્જાય છે. વેબીનારમાં પ્રશ્ર્નોનાં ઉતર સંતોષકારક રીતે મળી શકતા નથી. યોગ્ય રીતે જે શૈલીમાં આપણા પ્રશ્નોની રજુઆત કરવી હોય તે રજુઆત પણ થતી નથી. ઘણીવાર સંતોષકારક જવાબ ન પણ મળે જયારે સેમીનારમાં સંતોષકારક રીતે જવાબ મળે છે અને વેબીનારથી મેળવેલા સર્ટીફીકેટ પણ ચોકકસ રીતે કહી શકાય કે નકામા છે. કારણકે યુજીસીએ ફરમાન કર્યું છે કે, વેબીનારથી મેળવેલા સર્ટીફીકેટનો એકેડેમિક લાભ મેળવી નહીં શકાય આ વાતથી લોકો અજાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.