Abtak Media Google News

ઘરબેઠા નિદાન-સારવારની સાથે દવાઓ પણ હાથવગી થતાં મેડિકલ સ્ટોર્સના અસ્તિત્વ ઉપર ખતરો ઉભો થઈ શકે: લાયસન્સ માટે સરકારે રસ્તો સરળ કરતા ઈ-ફાર્મસીનો માર્ગ મોકળો

દેશમાં આરોગ્ય વ્યવસ્થા પાછળ સરકાર મસમોટો ખર્ચ કરી રહી છે. દર વર્ષે બજેટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આવા સમયે દેશમાં ઈ-ફાર્મસીનો વિકાસ પર ખુબજ ઝડપથી થયો છે. આવા સમયે ઈ-ફાર્મસીના કારણે સ્થાનિક દવાની દુકાનો ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું ફલીત થાય છે. એક રીતે દવાની દુકાનોની તબીયત ઈ-કોમર્સ બગાડી નાખશે? તેવો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.

સરકારે તાજેતરમાં જ લાયસન્સ વ્યવસ્થા માટે માર્ગ મોકળો કર્યો હતો. જેના પરિણામે ઈ-ફાર્મસીનો વ્યાપ ઝડપથી વધશે. વર્ષ ૨૦૧૯માં ઈ-ફોર્મસી ઉદ્યોગ ૨૧૦૦ કરોડને આંબયો હતો. જે ૨૦૨૩ સુધીમાં જ બે ગણો એટલે કે, ૪૨૦૦ કરોડને આંબી જશે તેવી ધારણા છે. ઈ-ફાર્મસીના કારણે ગ્રાહકો માટે કેટલીક અનુકુળ સ્થિતિઓ પણ ઉભી થઈ છે. છેક ઘર આંગણે દવા મળી જતી હોય તો ગ્રાહકો કેમ ઓનલાઈન સ્ટોર સુધી લાંબા થાય. ઈ-ફાર્મસી ક્ષેત્રે એમેઝોન, રિલાયન્સ રિટેલ સહિતની મસમોટી કંપનીઓ પણ આગળ આવી રહી છે. જો આ કંપનીઓનો વ્યાપ વધશે તો મેડિકલ સ્ટોરને તાળા લાગી શકે છે.

દેશમાં વર્તમાન સમયે ૮.૫ લાખ કેમીસ્ટ છે. બીજી તરફ ઈ-ફાર્મસીનો સમાવેશ અત્યાર સુધી ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટમાં કરાયો નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક દવાઓ માટે ખાસ પ્રિસ્ક્રીપ્શન ફરજિયાત હોય છે ત્યારે ઓનલાઈન ફાર્મસી કેવી રીતે પ્રિસ્ક્રીપ્શનની ખરાઈ કરી શકે તેવા પ્રશ્ર્ન ઉઠયા છે. તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા વડાપ્રધાન કાર્યાલય, આરોગ્ય મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં એમેઝોનનો ઓનલાઈન મેડીસીન બજારમાં પ્રવેશ સામે વિરોધ નોંધાવાયો હતો. નોંધનીય છે કે, વર્તમાન સમયે ઈ-કોમર્સના કારણે સ્થાનિક બજારોને ગંભીર અસરો થઈ રહી છે. ઈલેકટ્રોનિકસ, કપડા, ખાદ્ય ચીજ-વસ્તુઓ સહિતના ઉદ્યોગમાં ઈ-કોમર્સ પ્રવેશી ચૂકયું છે. હવે દવાની દુકાનો ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે. ઈ-ફાર્મસીનો વ્યાપ વધુ છે. આ ઉપરાંત ગ્રાહકને સીધી કંપની પાસેથી દવા પહોંચતી હોવાથી ડિસ્કાઉન્ટ પણ મોટુ હોય છે. આવા સમયે સરકારે પ્રિસ્ક્રીપ્શન મામલે પણ લીધેલો નિર્ણય સ્થાનિક દુકાનો માટે ચિંતાજનક છે. થોડા સમય પહેલા ઓનલાઈન  પ્રિસ્ક્રીપ્શન માટે ઈ-ફાર્મસીનો માર્ગ તંત્રએ મોકળો કરી આપ્યો હતો. અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત સહિતના મોટા શહેરોની સાથો સાથ જામનગર, ભાવનગર, અમરેલી જેવા નાના નગરોમાં પણ ધીમી ગતિએ ઈ-ફાર્મસીનું ચલણ વધતું જાય છે. ઈ-ફાર્મસી ઝડપથી દવાઓ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડી દે છે. આ ઉપરાંત ગ્રાહકને કેટલોક ફાયદો ખરીદીમાં થતો હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દર વર્ષે અબજો રૂપિયાનું બજેટ સ્વાસ્થ્ય વ્યવસ્થાને સુુદ્રઢ કરવા ફાળવે છે. આયુષમાન ભારત, મા અમૃતમ કાર્ડના પ્રોજેકટથી નાગરિકોના આરોગ્યની જાળવણી થાય છે. બીજી તરફ જો ઓનલાઈન ફાર્મસીને પ્રાધાન્ય આપવામાં આવે તો પાણી પહેલા પાળ બાંધી શકાય તેવું નિષ્ણાંતોનું કહેવું છે. સુદ્રઢ આરોગ્યના કારણે સરકાર દ્વારા ખર્ચ પણ બચી શકે છે.

હેલ્થ સેકટર માટે સરકારનું ભારણ ઘટશે

હેલ્થ સેકટરમાં મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી મસમોટી ભંડોળ ફાળવી રહી છે. લોકોને ખાનગી દવાખાનામાં યોગ્ય સારવાર મળે તે માટે આયુષમાન ભારત સહિતની યોજના કેન્દ્ર સરકાર ચલાવી રહી છે. આ ઉપરાંત વીમા માટે પણ સરકારે મસમોટો ખર્ચ કર્યો છે. આવી સ્થિતિમાં લોકોને ઘેરબેઠા નિદાન-સારવાર મળી રહે તો હેલ્થ સેકટર પાછળ સરકારના ખર્ચનું ભારણ ઘટશે. ઈ-ફાર્મસીના કારણે લોકોને સારવાર-નિદાનમાં સરળતા રહેશે. અલબત વર્તમાન સ્થિતિને જોતા એવું પણ ફલીત થાય છે કે, ઈ-ફાર્મસીના કારણે સ્થાનિક મેડિકલની દુકાનોની તબીયત લથડશે.

ડ્રગ એન્ડ કેમીસ્ટ એક્ટમાં ઈ-ફાર્મસીને સમાવી લેવાશે?

ઈ-ફાર્મસી સામે સૌથી મોટી દલીલ એ થાય છે કે, ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટમાં ઈ-ફાર્મસીનો સમાવેશ કરાયો નથી. જેથી ઈ-ફાર્મસી ગેરકાયદે હોવાની દલીલ ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ કરી ર્હયું છે. કેટલીક દવા લેવા માટે પ્રિસ્ક્રીપ્શન ફરજિયાત હોય છે. આવી સ્થિતિમાં ઈ-ફાર્મસી કઈ રીતે દવાઓ આપી શકે તેવો પણ સવાલ ઉઠયો છે. અલબત થોડા સમય પહેલા સરકારે આખા દેશમાં ક્યાંય પણ દવા વેંચવા માટે એક જ લાયસન્સનો નિયમ ઘડી કાઢ્યો છે. આ ઉપરાંત પ્રિસ્ક્રીપ્શન પણ ઓનલાઈન સ્વીકારવાની શરતી મંજૂરી આપી હતી. જેથી હવે ધીમીગતિએ ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટમાં પણ ઈ-ફાર્મસીને સમાવી લેવાશે કે કેમ તે પ્રશ્ર્ન ઉઠી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.