Abtak Media Google News

આમતો આખું જગત ભગવાનનું છે એ એણેય કબૂલ કર્યું .. પરંતુ આપણા દેશમાં અનિષ્ટો પ્રવર્તે છે. તે તેણે નિહાળ્યું પાપ ઘર કરી બેઠું છે. ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, ભેળસેળ ફૂલ્યો ફાલ્યો છે. જયાં ત્યાં ઝગડા-તકરાર છે. બજારમાં છેતરપીંડી છે. રસ્તામાં અશ્ર્લિલ દ્રશ્યો છે. ચોકમાં કૂથલી ચાલે છે. છાનાં છૂપા જુગારના અડ્ડા ચાલે છે. ભગવાનનું ત્યાં અસ્તિત્વ છે, પણ દબાયેલ છે. ભકતો એને ગોત્યા કરે છે. દર્શન છે પણ ઝાંખા છે. હવામાં ઝેર છે, ને બેસુમાર ઈર્ષા અદેખાઈ છે. જયાં જયાં માણસનો હાથ પહોચ્યો છે. ત્યાં ઘણે ભાગે પાપ પહોચી જ ગયું હોય એવો ખ્યાલ ઉપસે છે. માટે એમાં સરળતાથી ને સ્વસ્થતાથીને શાંતિથીને આરામથી શ્રાવણિયો ભગવાન, શંકર કે શ્રીકૃષ્ણ, રામ કે રહેમાન હોંશે હોંશે દ્રશ્યમાન થયા નથી.

શ્રવણ કુમારના અંધૃમાતાપિતાને તિર્થસ્થાનોમા કયાંકેય તેમની દર્શનની તરસ છીપાય એમ દેખાયા હશે કે કેમ એ તો કોણ જાણે !…

આપણા દેશની આવી બેહુદી હાલત કોણે કરી, કે કોના પાપે બરબાદી સર્જાઈ, એની સમૂળગી તપાસ વિલંબ વિના કરવી જ પડશે અને આપણા દેશમાં ગરીબી મીટાવી દેવાની ડંફાશ હાંકતા રહેલા ભાષણખોરોનો સવા અબજની વસ્તી ધરાવતા દેશે જવાબ માગવો જ પડશે.

આપણા દેશને તા.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના કસુંબલ દિને આઝાદી મળી, અને તે પછી તે પ્રજાસત્તાક બની ગયો તે તવારીખી ઘટનાને ૭૩ વર્ષ વિતી ગયા હોવા છતાં આ દેશના હમણા સુધીનાં સુકાનીઓ આપણા દેશમાં વિશ્ર્વની મોટામાં મોટીલોકશાહી પ્રવર્તતી હોવાનું ગૌરવ લેતા ફરે છે, પરંતુ આ દેશની ૬૫ કરોડ ગરીબ પ્રજાને આઝાદીના ફળની એક ચીર સુધ્ધા સાંપડી નથી એનાં કરતા વધુ નિર્લજજ બાબત અન્ય કઈ હોઈ શકે?

આપણા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ આઝાદ ભારતને સર્વપ્રથમ સંબોધન કર્યું હતુ અને પહેલી જ વખત લાલ કિલ્લાનાં કાંગરેથી ત્રિરંગી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તે વખતે તેમના ઐતિહાસીક પ્રવચનમાં એમ ક્હ્યું હતુ કે, આપણા દેશમાં અત્યારે જેટલા લોકો છે, એટલી સમસ્યાઓ છે અને સહું કોઈના સાથ સહકાર વડે ઝડપભેર એનો ઉકેલ લાવવા રાષ્ટ્રના નવનિર્માણની દિશામાં ‘આરામ હરામ હૈ’ના મંત્ર સાથે આપણે દોટ મૂકવાની છે તથા ઔદ્યોગિક રીતે વિશ્ર્વના વિકસીત રાષ્ટ્રોની હરોળમાં ઉભા રહી શકવા પૂરેપૂરા ખંતથી આપણે સૌએ કામે લાગી જવાનું છે. આઝાદીની સાથે જવાબદારીઓ આવે જ છે. એ આપણે સૌએ ભૂલવાનું નથી…

ગત ૧૫મી ઓગષ્ટે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રનાં નવનિર્માણ અર્થે, સર્વાંગી વિકાસ અર્થે અને રાષ્ટ્રની અખંડિતતાની રક્ષા અર્થે બધું જ કરી છૂટવાનો દ્દઢ નિર્ધાર ઘોષિત કર્યો હતો.

આ બધું કરી શકવા માટે આપણા દેશને ભગવાનની કૃપા, ભગવાનમાં દ્દઢ શ્રદ્ધા અને આસ્થા જોઈશે જ.

અત્યારે આપણા દેશની સામે અને વિશ્ર્વની સામે અનંક ગંભીર પડકારો છે. સદનશીબે આ દે મતિભ્રષ્ટ બન્યો હોવા છતાં અને આખું જગત પાપગ્રસ્ત બન્યું હોવા છતાં માનવીએ ભગવાનને માટે થોડી જગ્યા રાખી છે.

ગરીબ અને અકિંચન માનવી પણ તેમના ઝુંપડાઓમાં એકાદ ખૂણે ભગવાનને બેસાડવાની જગ્યા રાખે છે.

નાનકડું દહેરૂ, કે ભવ્ય મંદિર, પૂજાની ઓરડી કે સોનાનું ગર્ભગૃહ-થોડી-ઝાઝા જગ્યા એને માટે અલગ રાખે છે. પેલા પાપ, ને નિંદા, ને હિંસાથી અલિપ્ત રાખવાની ભાવના રાખે છે. જેથી એ ત્યાં ધણી તરીકો ત્યાં વસે, રાજા તરીકે સિંહાસન પર બેસે, દેવ તરીકે દર્શન આપે, આશીર્વાદ આપે, વરદાન આપે…

જોકે, આપણા રાજકીય ક્ષેત્રે ભગવાનની અવગણનાકરવા સધી આપણા રાજપુરૂષો અને રાજકારણીઓ દુષ્ટાચાર આચરતા થયા છે. અને રાજગાદી લક્ષી દુષ્કૃત્યો આચરી રહ્યા છે. જૂઠૂં બોલવું જુઠા આચાર-વ્યવહારો કરવા, બેહુદા પ્રપંચો કરતા રહેવા અને નિજી સ્વાર્થને જ સર્વસ્વ ગણવા, એ બધું જાણે કે હવે રોજીંદુ બની ગયું છે. નીતિ-નિયમોને અને વેદ-મંત્રોને તેમણે નેવે મૂકયા છે.

સ્વામિ વિવેકાનંદનો હિન્દુ ધર્મીઓ માટે એવો સંદેશ છે કે, ભારતની જીવશકિત ધર્મમાં રહેલી છે. અને જયાં સુધી હિન્દુ પ્રજા પોતાના પૂર્વજોનો મહાન વારસો ભૂલશે નહિ ત્યાં સુધી પૃથ્વીના પટ પર એવી કોઈ પણ તાકાત નથી કે જે તેનો નાશ કરી શકે.

સ્વામિ વિવેકાનંદના ઉપદેશમાં શ્રાવણ મહિનાના કથા શ્રવણનો સારાંશ પણ સમાવિષ્ટ થયો છે. તેમણે ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા વચ્ચે ચાલી આવેલી લડાયક સ્પર્ધાનો પણ ખ્યાલ આપ્યો છે. અને આધ્યાત્મિક ઉપર ભૌતિકવાદનો હાથ ઉપર ન રહે તેવો સમાજ નિર્માણ કરવાનો મત આપ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, ભગવાનથી કોઈ મોટું કે મહાન નથી અને ભગવાનત્વથી કશું જ વધુ મોંઘેરૂ અને મૂલ્યવાન નથી ધન પરમેશ્ર્વર નથી માનવસેવા જ મનુષ્યની મોટામાં મોટી અને મોંઘામાં મોંઘી મૂડી છે. શ્રાવણ પાસેથી આપણે આટલું શિખ્યા હોઈએ તો પણ ઘણું !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.