Abtak Media Google News

ગાંધીનગર ખાતે આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઊપસ્થિતિમાં રાજ્યકક્ષાનો શિક્ષક દિન ઉજવાયો

બાળકો ભાષણથી નહીં પણ શિક્ષકના અનુકરણથી સંસ્કાર અને શિક્ષણ મેળવે છે. શિક્ષક પોતે શિક્ષણને પોતાના જીવનનું મિશન-લક્ષ્ય બનાવે અને તે દિશામાં કાર્ય કરે તો સફળતા ચોક્કસ મળશે તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી શિક્ષક દિવસ નિમિત્તે સંબોધન કરતાં ગાંધીનગરથી જણાવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો શિક્ષક દિન ઉજવાયો હતો. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના વિવિધ ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલએ શિક્ષક દિવસ નિમિત્તે એક શિક્ષક તરીકે પોતાના પરિવારને આવકારતાં જણાવ્યું હતું કે, આજે જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળ્યો છે તેમના જીવન માટે ખૂબ ગૌરવ અને આનંદનો દિવસ છે. રાજ્યપાલએ અમુલ ડેરીનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, એક જ દિશામાં સાથે કામ કરવાથી ખૂબ મોટી સફળતા મળે છે. સહકારી ક્ષેત્રમાં અમુલે આજે ગુજરાત સહિત વિશ્વભરમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. આપણે પણ શિક્ષણમાં સાથે મળીને વિદ્યાર્થીઓના હિતમાં એક જ દિશામાં કામ કરીએ તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે.

રાજ્યપાલએ આ પ્રસંગે શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા શિક્ષકોને આ સફળતા બદલ અભિનંદન આપીને ભાવી પેઢીને વધુ સારી રીતે તૈયાર કરવા શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, સમાજમાં શિક્ષણના આધારે દિક્ષા અને માનવીય મૂલ્યો પ્રસ્થાપિત કરવાની દિશામાં આગળ વધવું પડશે. માનવી તેના મૂલ્યોના આધારે પૂજાય છે. બદલાતી પરિસ્થિતિમાં આપણે જીવનના શ્રેષ્ઠ મૂલ્યોનું નિર્માણ કરવું પડશે જે બાળકોના યોગ્ય ઘડતરથી શક્ય બનશે. ગુરૂનું સ્થાન ઇશ્વર કરતાં પણ વધારે છે તે આપણે સૌએ જાણીએ છીએ. સક્ષમ પેઢીના નિર્માણ માટે તમામ પડકારો ઝીલીને તેનું નિર્માણ કરવાનું કામ શિક્ષકોનું છે.

મુખ્યમંત્રી કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્ન-અભિયાનને સફળ બનાવવા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ખૂબ જ અગત્યની સાબિત થશે. ગુજરાત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં દેશમાં અગ્રેસર  રોલ મોડલ બને તે માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાત રોડ મેપ બનાવી સૌપ્રથમ કે.જીથી પી.જી. સુધી નવી શિક્ષણ નીતિ અમલ કરનારૂ રાજ્ય બને તે દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીએ શિક્ષણવિદોને અનુરોધ કર્યો હતો.

તેમને કહ્યું હતું કે, ગુજરાતમાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશનો રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે જે આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાતમાં સરકારી શાળામાં ૧૫,૦૦૦થી વધુ સ્માર્ટ ક્લાસ- જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમથી બાળકોને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે. રાજ્યના છેવાડાના ગરીબ, ખેત મજૂરના બાળકોને રાજ્યની સરકારી શાળામાં શિક્ષણ આપીને તેમનું ઘડતર કરવામાં આવી રહ્યુ છે. રાજ્યના શિક્ષકો પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈને સ્માર્ટ ક્લાસ દ્વારા બાળકોને ભણાવી રહ્યા છે જે આપણા માટે આનંદની વાત છે.

મુખ્યમંત્રી સરકારી શાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રી સહિત અનેક નેતા-મહાનુભાવોએ સરકારી શાળામાં શિક્ષક મેળવીને દેશની સેવાઓ કરી છે.

મુખ્યમંત્રીએ શુભકામનાઓ આપતાં કહ્યું હતું કે, આપણે સાથે મળીને સમર્થ શિક્ષકો દ્વારા સમર્થ રાજ્ય અને એના આધારે સમર્થ રાષ્ટ્ર બને તે દિશામાં આગળ વધીશું તો જ સંસ્કાર-સાંસ્કૃતિક નિર્માણ ધરાવતાં સમાજનું નિર્માણ શક્ય બનશે.

સ્વાગત પ્રવચન કરતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, હવે સમાજમાં આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. સમાજ તમારી પાસે હવે ખાસ અપેક્ષા રાખશે તમને વિશિષ્ટ દ્રષ્ટિથી જોશે.

તેમને જણાવ્યું હતું કે, ૩૪ વર્ષ બાદ દેશભરમાંથી ૨.૫૦ લાખ મંતવ્યો મેળવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમજ શિક્ષણ મંત્રાલયના ગહન મંથન પછી આ દેશને એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મળી છે. ગુજરાતમાં તેની અક્ષરસહ અમલવારી કરવાની જવાબદારી આપણ સૌની છે. દેશભરમાં શિક્ષણનો એક મહાયજ્ઞ શરૂ થયો રહ્યો છે. બાળકને એક સારા મનુષ્ય બનાવવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે. આપણે તેના માટે યોગ્ય આયોજન દ્વારા તેનો અમલ કરવો પડશે. નવી શિક્ષણ નીતિનો આપણે તેનો ગહન અભ્યાસ કરવો પડશે તો જ તેનો અમલ યોગ્ય રીતે કરી શકીશું.

તેમને કહ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ૧૩ મહત્વના મુદ્દા સમજવા માટે સવારે ૧૦થી ૧૨ના સમયમાં બાયસેગના માધ્યમથી ચર્ચા કરવામાં આવશે તેમાં જોડાવા શિક્ષણમંત્રીએ સૌ શ્રેષ્ઠ શિક્ષકો અને શિક્ષણવિદોને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે IITE, ગાંધીનગર દ્વારા અંગ્રેજી અને હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું.

રાજ્યની કુલ ૩૯,૫૫૬ સરકારી પ્રાથમિક શાળામાં ૮૦ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી બાળકોને પ્રતિકરૂપે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રાજય પારિતોષિક એવોર્ડ સંદર્ભે આજે ૪૪ શિક્ષકોને રાજય પારિતોષિકથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં રાજય સરકારે નિયુકત કરેલ જિલ્લાની તથા રાજયકક્ષાની સમિતિ દ્રારા ૧૯-પ્રાથમિક શિક્ષકો, ૮-માઘ્યમિક શિક્ષકો, ૩-ઉચ્ચતર માઘ્યમિક શિક્ષકો, ૭-ઉચ્ચતર માઘ્યમિક શાળાનાં આચાર્ય, ૧-કેળવણી નિરીક્ષક, ૪-એચ.ટાટ, સી.આર.સી., બી.આર.સી.અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક અને ર-ખાસ શિક્ષકો જેવી વિવિઘ કેટેગરીમાં સન્માનીત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવે આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી  વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુબેન શર્મા, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષી સહિત શિક્ષણ જગતના શિક્ષણ વિદો, અધિકારીઓ અને શ્રેષ્ઠ શિક્ષકો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.