Abtak Media Google News

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. શિક્ષકો એ દેશના ભાવિ યુવાનોનું નિર્માણ કરે છે. સમાજમાં શિક્ષકોનું યોગદાન ખૂબ મહત્વનું રહયું છે ત્યારે શિક્ષકોએ પણ તેમની વિશ્વસનીયતા કાયમી રાખવી જોઇએ તેવું રાજયના અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ આજે રાજકોટ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહ પ્રસંગે જણાવ્યું હતું.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષકો માટે તાલુકા- જિલ્લા કક્ષાએ પારિતોષિક વિતરણ માટે સમગ્ર જિલ્લામાંથી પારિતોષિક માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસને પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન ચૌધરી હાઇસ્કુલ હોલ ખાતે થયું હતું.

સન્માનિત સર્વે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવી મંત્રીએ જણાવ્યુ હતું કે, બાળકોના શ્રેષ્ઠ ઘડતર માટે રાજય સરકાર શિક્ષણ માટે ખૂબ મોટી રકમ બજેટમાં ફાળવે છે. વાચે ગુજરાત, ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ યોજે છે. જેના કારણે આજે મોટાભાગની સરકારી શાળાઓમાં બાળકોનું ધો.૧માં સો ટકા નામાંકન થઇ રહયુ છે. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થયો છે. ત્યારે શિક્ષકોએ પણ બાળકોને ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિક બનાવવા શિક્ષકોએ માતા-પિતા અને ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ. શિક્ષણની ગુણવત્તા વધવી જોઇએ. ટેકનોલોજી, ઇનોવેશન અને રિસર્ચને મહત્વ આપવું જોઇએ. શિક્ષક દિને મંત્રીએ તેમના ગુરૂજનો અને શિક્ષકોને પણ સ્મરાંજલિ અર્પણ કરી હતી.

35

આ સમારોહમાં જિલ્લાકક્ષાએ પ્રાથમિક શિક્ષકો સંજયભાઇ વેકરિયા(મોટા ગુંદાળા પ્રામિક શાળા,તા. જેતપુર), નિલમબેન આદેશરા(મનહરપુર-૧ પ્રામિક શાળા) અને  ભાવિશાબેન બાવળિયાનું(અમરાપુર સીમ-૧ પ્રાથમિક શાળા) તથા તાલુકા કક્ષાએ હિરેનકુમાર પિત્રોડા (પરાપીપળિયા પ્રામિક શાળા),  સુભાષભાઇ સિરોયા (ખાટલી પ્રામિક શાળા) પસંદગી થતાં તેમનું સન્માન મંત્રી દ્વારા શાલ ઓઢાડી પ્રમાણપત્ર, ચેક(જિલ્લકક્ષાએ ૧૫ હજાર અને તાલુકાકક્ષાએ ૫ હજાર), પુસ્તક એનાયત કરી કરાયું હતું.

આ પ્રસંગે મંત્રીએ નશામુકત ભારત અભિયાનનો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે સન્માન પામેલ શ્રેષ્ઠ શિક્ષક સંજયભાઇ વેકરિયા અને હિરેનકુમાર પિત્રોડાએ પોતાના મંતવ્ય વ્યકત કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી  ભરત કૈલાએ શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.એસ. સરડવાએ કરી હતી. આ સમારોહમાં આગેવાન વી.ડી.વઘાસિયા, ખાચર, કાચા સહિત મર્યાદિત સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.