Abtak Media Google News

આયાતી નેતાઓ ચૂંટાયા પહેલા જ હાઈકમાન્ડથી ઉપરી બની ગયા!!

ભાજપના ધારી બેઠકના સંભવિત ઉમેદવાર જે.વી.કાકડીયા અને અબડાસાના પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતાના નામની હાઇકમાન્ડ પહેલા કરી દીધી જાહેરાત

વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા હજુ સતાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. તેવામાં આજે ધારી અને અબડાસાના આયાતી પૂર્વ ધારાસભ્ય દ્વારા તેઓનું નામ જાહેર થઈ ગયું હોવાની જાહેરાત કરતા રાજકારણમાં અચરજ ફેલાઈ છે. આ ઘટના પરથી લાગી રહ્યું છે કે આયાતી નેતાઓ ચૂંટાયા પહેલા જ હાઈ કમાન્ડથી ઉપરી થઈ ગયા છે.

રાજયની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. જેમાં ગઈકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં કોઈ પક્ષમાં દાવેદારી નોંધવતા હોય તેવા લોકોએ ફોર્મનો ઉપાડ પણ કર્યો નથી.

બીજી તરફ હાઈકમાન્ડ દ્વારા હજુ સુધી કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ધારીના આયાતી પૂર્વ ધારાસભ્ય જયંતિ કાકડીયા અને અબડાસાના પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતાનું નામ જાહેર થઈ ગયું હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.

તેઓએ પોતાના નામની જાતે જ જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો પણ વ્યાપી ગયો છે. આ ઘટના પરથી જુના નેતાઓમાં એવો પણ ગણગણાટ શરૂ થયો છે કે આયાતી નેતાઓ હજુ ચૂંટાયા નથી ત્યાં તો તેઓએ હાઈકમાન્ડથી ઉપર જવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ તો પ્રદેશ ભાજપ ઉમેદવારોનું લિસ્ટ લઈને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ પહોચ્યું છે. જ્યાંથી મંજૂરીની મ્હોર લાગી નથી. ત્યાં આયાતી નેતાઓ પોતે જ પોતાના નામની જાહેરાતો કરવા લાગતા કોંગ્રેસ આ ઘટનાની મજા લૂંટી રહ્યું છે.

સી.આર.પાટીલ ઉમેદવારોના નામની યાદી લઈને દિલ્હી પહોંચ્યા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવારોના નામની યાદી લઈને દિલ્હી ખાતે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ પહોંચ્યા છે. જયાથી આ ઉમેદવારોના નામની યાદીને મંજૂરી આપ્યા બાદ પ્રદેશ ભાજપ દ્વારા સતાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.