Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેશન માટે ૨૪ કલાક કાર્યરત અલગ ગ્રીન ઝોન

રાજકોટ સિવિલ ખાતે હોસ્પિટલ પ્લાઝ્મા ડોનેશન માટે ખાસ અલાયદો ગ્રીન ઝોન છે, માટે પ્લાઝ્મા ડોનેશન બિલકુલ સુરક્ષિત છે. સિવિલ હોસ્પિટલ ખાતે ૨૪ કલાક પ્લાઝ્મા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનુ રાજકોટ સિવિલના પેથોલોજી ડિપાર્ટમેન્ટના ડો. રિદ્ધિ મણિયાર જણાવે છે.

પ્લાઝ્મા ડોનેશન વિભાગના હેડ ડો. કૃપાલ પુજારા જણાવે છે કે, હજુ પણ પ્લાઝ્મા ડોનેશન અંગે લોકોના મનમાં અનેક પ્રશ્નો છે. કેટલીક ગેરસમજણના કારણે લોકો પ્લાઝ્મા ડોનેશન કરતાં હિચકિચાટ અનુભવે છે. પ્લાઝ્મા ડોનેશન લોહી આપવા જેટલું જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે. આ સંબંધી કેટલાક ખુલાસા અને સમજણ ડો. કૃપાલ દ્વારા કરવામાં આવી છે.

પ્લાઝ્મા કોણ આપી શકે ?

જે લોકોને કોરોના બાદ સ્વસ્થ થયાને ૨૮ દિવસ થઈ ગયા હોય તે તમામ લોકો પ્લાઝ્મા આપી શકે.

શું પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરમાં કોઈ નુકસાન થઈ શકે ?

પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરમાં નવા એન્ટિબોડીઝ તૈયાર થતા રહે છે. પ્લાઝમા ડોનેટ કરવાથી ફરીથી કોરોના થશે તે વાત બિલકુલ ખોટી છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.

પ્લાઝ્મા ડોનેશન કરવાથી કોઈ ઇન્ફેક્શનનો ભય રહે છે ?

પ્લાઝ્મા ડોનેશન પ્રોસેસ કમ્પ્લીટલી ડિસ્પોઝેબલ કીટ દ્વારા કરવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ભય રહેતો નથી.

બીપી ડાયાબિટીસના દર્દી પ્લાઝ્મા આપી શકે ?

ડો. ક્રૃપાલ અને ડો. રિદ્ધિ મણિયાર લોકોને ખાસ અપીલ કરતા જણાવ્યુ હતું કે  શરીરમાં એન્ટિબોડીઝ બને તેને અન્ય કોઈને આપવાથી આપણા શરીરમાં કોઈ નુકશાન થતું નથી તેમજ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે રહેતા હોવાથી કોઈ પણ વ્યક્તિ એકથી વધુ વખત પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝમા નિ:શુલ્ક પૂરું પાડવામાં આવે છે. પ્લાઝ્મા ડોનરના સંબંધિતોને જરૂર પડ્યે પ્લાઝ્માની વ્યવસ્થા સિવિલ દ્વારા નિ:શુલ્ક કરી આપવામાં આવે છે.

હાલ સિવિલ હોસ્પિટલ ખાતે રોજના ૪ થી ૫ લોકો પ્લાઝ્મા ડોનેટ કરવા આવતા હોવાનું ડો. રિદ્ધિ મણિયાર જણાવે છે. તેમજ પ્લાઝ્મા ડિપાર્ટમેન્ટ ડોનેશન માટે ૨૪ કલાક ખુલ્લો રહેતો હોઈ લોકો તેમના સમયની અનુકૂળતાએ આપવા આવી શકે છે.

રાજકોટ સિવિલ ખાતે પ્લાઝમા આપી રહેલા પરેશભાઈ પરમાર લોકોને અપીલ કરે છે કે ડોક્ટર દ્વારા ઉચ્ચારવામાં આવેલી વાત તદ્દન સત્ય છે, મને પણ પ્લાઝ્મા આપ્યા પછી કોઈ શારીરિક કે અન્ય કોઈ તકલીફ થઈ નથી. પ્લાઝ્મા  ડોનેટ કરતા તમામ લોકોનો અનુભવ એક સમાન રહ્યો છે. જે રીતે આપણે લોહીનું દાન કરીએ છીએ તે જ રીતે પ્લાઝ્મા આપી માત્ર ૩૦ થી ૪૫ મિનિટની પ્લાઝ્મા ડોનેશન પ્રોસેસ થકી ઈશ્વરે આપેલ કુદરતી સંજીવની અન્ય બે લોકોને સાજા થવામા મદદરૂપ બની શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.