Abtak Media Google News

આઠ દિવસીય ઓનલાઇન ધ્યાન શિબિરમાં સદગુરૂ શિવકૃપાનંદ સ્વામીની અમૃતવાણીનો લાભ લેતા ભાવિકો

‘અબતક’ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સવારે ૬થી૮ દરમિયાન લાઈવ પ્રસારણ

સમર્પણ ધ્યાન યોગ દ્વારા આયોજીત ઓનલાઇન મહા શિબિરનો આજે બીજો દિવસ હતો. ગુરુતત્વની મહાશિબિરના બીજા દિવસે શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા “બ્રહ્માંડીય ચેતનાની ઊર્જા- ચિત્ત શક્તિ” વિશે જ્ઞાન અપાયું હતું. આ શિબિર સવારે ૬થી ૮ સુધી યોજાઈ રહી છે. તારીખ ૩૦ સુધી યોજાશે જેનું લાઈવ પ્રસારણ યૂટ્યૂબની ગુરુ તત્વ ચેનલ પર થઈ રહ્યું છે. અબતક ચેનલ તથા અબતક ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યૂટ્યૂબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર પણ શિબિરનું લાઇવ પ્રસારણનો લાભ અનેક લોકો લઇ રહ્યા છે.

પ્રવર્તમાન સમય કોરોના અને તણાવનો છે, આ વિષયમાં પૂજ્ય સ્વામીજીએ સમજાવતાં કહ્યું કે કોરોનાએ બે બાબત મનુષ્યસમાજને સમજાવી છે. એક – ભગવાન મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં જ નહિ પણ આપણી અંદર પણ વસે છે. બીજી વાત – અત્યાર સુધી વિશ્વમાં જ્યારે પણ કોઈ વિપત્તિ આવતી તો કોઈ એક ચોક્કસ સ્થાન પર કે વિસ્તારમાં આવતી હતી, જેમ કે ધરતીકંપ અથવા અન્ય કોઈ વિપત્તિ, પરંતુ આ કોરોના બીમારી તો આખા વિશ્વમાં એકસાથે ફેલાઈ, એટલે કે કોઈ દેશ, ધર્મ, જાતિ, રંગ, લિંગ વિગેરેનો ભેદભાવ નથી. મનુષ્ય માત્ર એકસમાન છે. સાથે સાથે સ્વામીજી જણાવ્યું હતું કે આવનારા વર્ષમાં લોકોને ધ્યાનની અધિક આવશ્યકતા રહેશે, એટલે જ આ શિબિર વર્ષ ૨૦૨૦ના અંતમાં રાખવામાં આવી છે. લોકોએ દરરોજ ૩૦ મિનિટ ધ્યાન કરવું જોઈએ.  ૩૦ મિનિટનું નિયમિત ધ્યાન આપણને સંતુલિત જીવન જીવતાં શિખવાડે છે.

ધ્યાન મહશિબિરને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.   જ્યારે આયુષ મંત્રી શ્રીપાદ નાયક, રાષ્ટ્રિય સંત મોરારી બાપુ, કથાકાર ગિરિબાપુ, જીગ્નેશદાદા, સાંસદ શ્રી સી.આર.પાટિલ, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જુગલજી ઠાકોર, મનોજભાઈ કોટક, નારણભાઈ કાછડિયા, કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઈ કથરિયા ધારાસભ્ય શ્રી પિયુષ દેસાઈ, જે.વી. કાકડિયા,  છત્તીસગઢના કેબિનેટ મંત્રી અમરજીત ભગત, સચિવ વિકાસ ઉપાધ્યાય, લોકસાહિત્યકાર માયાભાઇ આહિર, હેમંત ચોહાણ, કીર્તીદાન ગઢવી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ, મહિલા કલ્યાણ નીતિ આયોગના સભ્ય ડો. દીપ્તિબેન શાહ, પ્રખ્યાત લેખકો, સમાજ પ્રમુખ, ડોક્ટર્સ, ચેમ્બરના પ્રમુખ વરિષ્ઠ પત્રકારશ્રીઓએ વીડીયો સંદેશના માધ્યમથી શુભેચ્છા આપી હતી અને લોકોને ધ્યાન સાથે જોડાવા અપીલ કરી હતી.

આઠ દિવસ સુધી ચાલનાર આ ઓનલાઈન ધ્યાન મહાશિબિરનું ૪૦ જેટલી ટીવી ચેનલ પર પ્રસારણ કરવામાં આવી રહ્યું,  જેનો દેશવિદેશના લાખો લોકો લાભ લઈ રહ્યા છે.  આવનારા દિવસમાં ચિત્તશક્તિ – પરમાત્માની શક્તિ, ઓરાનું સુરક્ષા કવચ, ગુરુતત્ત્વ, સમર્પણ મિશન, સફળ જીવન, ભૂતકાળનું વિષ, સ્વયંના ગુરુ બનો વિગેરે ગૂઢ વિષયો અંગે સ્વામીજી દ્વારા માર્ગદર્શન આપી ધ્યાન શિખવાડવામાં આવશે તો વધારે ને વધારે લોકોને આ શિબિરનો લાભ લેવા આયોજક ’ગુરુતત્ત્વ વૈશ્વિક મંચ દ્વારા જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.