Abtak Media Google News

પશુ-પક્ષી સાથે નાતો ગાઢ બનાવતા જીવદયાપ્રેમી

વઢવાણના પૂર્વ ધારાસભ્ય કૈલા કરી રહ્યાં છે જીવદયા પ્રવૃત્તિ

સમાજમાં કેટલાંક લોકો એવા હોય છે જે લોકોની, સમાજની સેવા કરતા કરતા જીવદયાપ્રેમી બની પશુ-પક્ષીની સેવા કરતા હોય છે. ધારાસભ્ય બની લોકોની સેવા કર્યા બાદ પાંચ વર્ષની સત્તા બાદ પશુ-પ્રાણીઓ પક્ષીઓને સેવા કરી પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલાએ બીજાને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.

વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલા જીવદયાપ્રેમી કામગીરી કરી રહ્યાં છે. દરરોજ કાગડાને ગાંઠીયા ગાયોને ખડ અને બિલાડીને દૂધ તેમજ કીડીયારુ પૂરે છે. પોતાને ત્યાં ૨૫ ગાયોની દરરોજ સવારના છ વાગ્યે ઊઠી સેવા ચાકરી કરી રહ્યા છે.

વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગાયોનો શોખ ધરાવે છે. ગાય માતાની સેવા કરવી તે હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાય છે ત્યારે ધનરાજભાઇ કૈલાના નિવાસ્થાને અંદાજીત ૨૫ થી વધુ ગાયોની સેવા કરવામાં આવી રહી છે.  વિશાળ જગ્યા ઉપર આખો દિવસ ગાયોને ઘાસચારો અને પાણીની પૂરતી સગવડો આપવામાં આવી રહી છે. ધનરાજભાઇ કૈલાએ જણાવ્યું હતું કે આજના યુગમાં દિન-પ્રતિદિન ધર્મ ભુલાઈ ગયો છે. ભાગદોડની જિંદગી બની ગઈ છે ત્યારે લોકોને પ્રાણી પ્રત્યેની ભાવના દિન-પ્રતિદિન ઓછી થઈ રહી છે. તેઓ શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસું હોય બારે બાર માસ સવારના છ વાગ્યામાં ઉઠી અને ગાયોની સેવા ચાકરીમાં લાગી જાય છે. સવારના પહોરમાં ઉઠી ગાયોને ગોળ ખવડાવી તેને નીરણ પુરી કરવા છાણ, વાસીધા દરરોજ જાતે કરે છે.  નવાઈની વાત તો એ છે કે, દરરોજ તેમના નિવાસસ્થાને સવાર અને સાંજ એક બિલાડી પણ આવે છે જેને કટોરો ભરી અને સવાર-સાંજ અને રાત્રીના દૂધ પીવડાવ્યા બાદ જ તે શાંત પડે છે જ્યાં સુધી દૂધ આપવામાં ન આવે ત્યાં સુધી બુમાબુમ કરી ભારે દેકારો મચાવી દે છે. તેમના નિવાસસ્થાનના ધાબા ઉપર દરરોજ અસંખ્ય કાગડા ગાંઠિયા ખાવા માટે આવે છે. આ કાગડાઓ ધનરાજભાઇ કૈલાના હાથમાં બેસી ગાંઠિયા આરોગે છે. ધનરાજભાઇ કૈલાનો પશુ-પક્ષી પ્રત્યેનો નાતો દિન-પ્રતિદિન ગાઢ બનતો જાય છે વળી તેમના નિવાસસ્થાને રાખેલી ગાયોમાં ગાયોની પ્રસૂતિ પણ સફળતાપૂર્વક પોતે હાજર રહી અને જાત મહેનતથી કરાવી અને ગાયને તકલીફ ન થાય તેવી રીતે કરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગાયને પ્રસુતિનો સમય પહેલા ત્રણથી ચાર કિલો જેટલું ઘી પણ ખવડાવવામાં આવે છે અને આ ઘી ખવડાવવાના કારણે સહેલાઇથી ગાયને પ્રસૂતિ થઈ જાય છે આ રીતે દરેક નાના-મોટા  જીવનું ધ્યાન રાખી અને જીવદયાનું કાર્ય ધનરાજભાઇ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.