Abtak Media Google News

સમુદ્ર કાંઠાના શિપિંગ દ્વારા આયાત-નિકાસ વેપારને પણ મોટો વેગ મળશે

કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) વિવિધ બંદરો (મુખ્ય અને ગૌણ બંને પ્રકારના બંદરો સહિત) પર ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો/વખારો, બંદર ક્ષેત્રની નજીકમાં અને રાષ્ટ્રીય જળમાર્ગોની આસપાસમાં આવેલા મલ્ટિ મોડલ હેરફેર પાર્કોનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પાછળનો મૂળ ઉદ્દેશ સંગ્રહમાં થતી નુકસાની ઘટાડવાનો, પરિવહન ખર્ચ ઓછો કરવાનો અને અંતરિયાળ વિસ્તારોમાં માલના વિતરણની સુવિધાઓ પૂરી પાડવાનો છે.

MoPSW સીમેન્ટની વખારો, પ્રવાહી ટાંકીઓ, રસાયણની ટાંકીઓ, કોલ્ડ/રેફ્રિજરેટેડ સ્ટોરેજ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સંગ્રહો, ફાર્માસ્યુટિકલ સંગ્રહો, ઓટો સ્પેરપાર્ટ્સ અને ભાગોના સંગ્રહો અથવા અન્ય કોઇપણ સૂચિત ઉત્પાદનોના સંગ્રહો સહિત વિવિધ ઉત્પાદનો માટે બંદરો ખાતે ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો/વખારો વિકસાવવાનું લક્ષ્ય રાખે છે.

બજારના મોટા ખેલાડીઓ પાસે તેમના પોતાના જ ગોદામો અને સંગ્રહની જગ્યાઓ હોય છે જ્યારે નાના ખેલાડીઓને તેમના ચોક્કસ ઉત્પાદનોના સંગ્રહ માટે વિવિધ સ્થળે વખારો મેળવવામાં મુશ્કેલી પડે છે. આવા વિશ્વ કક્ષાના ગોદામોની જગ્યાનો વિકાસ કરવાથી નાના પરિવહન ખેલાડીઓને બહેતર આયોજન અને ઇન્વેન્ટરી વ્યવસ્થાપન સાથે તેમના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ખૂબ જ મોટો વેગ મળશે. નાના ખેલાડીઓને નજીવી કિંમત ચુકવીને આ વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થશે. આ વિકલ્પથી તેમને અત્યંત ફાયદો થશે કારણ કે હાલમાં માલથી ભરેલી ટ્રકોને બંદરો નજીક યોગ્ય સંગ્રહ માટેની જગ્યા શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આનાથી, પરંપરાગત ગોદામોની સરખામણીએ નુકસાનમાં ઘટાડો થશે અને મજબૂત તેમજ ઓછી ખર્ચાળ પૂરવઠા શ્રૃંખલા પૂરી પાડી શકાશે.

બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)  મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે પે એન્ડ યુઝ મોડલના આધારે ચોક્કસ ઉત્પાદનો માટે એવા વિશ્વ કક્ષાના એકત્રીકરણ કેન્દ્રનું નિર્માણ કરવાના આયોજનમાં છીએ જેનાથી નાના વેપારીઓ અને પરિવહન ખેલાડીઓને ખૂબ જ મોટો લાભ થશે. તેનાથી તેમના માલસામાનની હેરફેર પરિવહનના સૌથી સસ્તા માધ્યમ એટલે સમુદ્ર અને જળમાર્ગો દ્વારા થઇ શકશે. આથી, આ એકત્રીકરણ કેન્દ્રોના કારણે દેશમાં એકંદરે પરિવહન ખર્ચમાં ધરખમ ઘટાડો આવશે અને તેનાથી સમુદ્ર કાંઠાના શિપિંગ દ્વારા આયાત-નિકાસના વેપારને પણ મોટો વેગ મળશે. તેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.

મંત્રાલય, ૨૦૧૬માં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મહત્વાકાંક્ષી સાગરમાલા કાર્યક્રમના ભાગરૂપે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હસ્તક્ષેપોની મદદથી હેરફેર ખર્ચમાં ઘટાડો કરવાનું લક્ષ્ય રાખે છે. દેશમાં બંદર આધારિત વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં મંત્રાલયનો આ એક મુખ્ય કાર્યક્રમ છે જેનાથી દેશના ૭,૫૦૦ કિમી લાંબા દરિયાકાંઠાનો પૂર્ણ સંભાવનાઓ સાથે ઉપયોગ થઇ શકશે અને અંદાજે ૨૧૦૦૦ કિમી જળમાર્ગોનો ઉપયોગ થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.