Abtak Media Google News

ખોટા સર્ટીફીકેટ અને બૂક બનાવી કૌભાંડ આચરી ભૂગર્ભમાં ઉતરી ગયેલા બંનેને એલ.સી.બી.એ થરાદથી દબોચી લીધા

જૂનાગઢ શહેર વિસ્તારમાં નકલી પોસ્ટ એજન્ટ બની લોકોની મરણ મૂડી ખોટા ફિક્સ ડિપોઝીટ સર્ટિફિકેટ અને પોસ્ટની નકલી બુકો બનાવી, ૬૦૦ થી વધુ લોકોનું કરોડોનું ફુલેકું ફેરવી, ભૂગર્ભમાં ઉતરી ગયેલા પિતા-પુત્રને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ તાલુકામાંથી દબોચી લીધા છે

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટી એ પત્રકાર પરિષદને આપેલી વિગતો અનુસાર તાજેતરમાં જૂનાગઢ ખાતે રહેતા ભરત પરમાર અને તેના દીકરા તુષાર પરમાર સામે પોસ્ટ વિભાગની ખોટી બુકો તથા પહોંચો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી પૂર્વ આયોજિત કાવતરું રચી કુલ રૂ ૩૫,૮૭,૯૫૦ જેટલી રકમની ઠગાઇ કરી, વિશ્વાસઘાત કર્યા હોવાની એક ફરિયાદ નોંધાવા પામી હતી.        આ ફરિયાદ બાદ લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભરત પરમાર અને તેના દીકરો તુષાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આ શખ્સોને પકડી પાડવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી.

દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ના ઈન્ચાર્જ પીઆઈ એચ. આઈ ભાટી તથા પી.એસ.આઇ. ડી.જી. બડવા તથા સ્ટાફના માણસો દ્વારા છેતરપિંડી આચરનારા પિતા – પુત્રને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન જૂનાગઢ એલસીબીને બાતમી મળી હતી કે, લાખો રૂપિયાની છેતરપિંડી આચરી ભૂગર્ભમાં ઉતરી જનાર આરોપી ભરત પરમાર તથા તેમનો દીકરો તુષાર પરમાંર બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામે રોકાયા છે. ત્યારે

જૂનાગઢ એલસીબીને આ બાતમી મળતા જ જૂનાગઢ એલ.સી. બી. ની ટીમ બનાસકાંઠા વિસ્તારમાં પહોંચી હતી અને ભરત પરમારને પાકિસ્તાન સરહદથી ૧૫ થી ૨૯ કિલોમીટર નજીક આવેલા વાવ તાલુકાના છારા ગામે વાડી વિસ્તારમાં સંતાયેલો હતો ત્યાંથી પકડી પાડયો હતો તથા તેના દીકરા તુષારને થરાદ-સાંચોર હાઇવે ઉપર આવેલ સોમનાથ સોસાયટી ખાતેથી પકડી પાડી બંને બાપ-દીકરાને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ તપાસ અર્થે જૂનાગઢ લાવી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિતા-પુત્રે જણાવ્યું હતું કે, સને ૨૦૦૭ થી ૨૦૨૦ દરમ્યાન પોતે શેરબજારમાં ઇન્ટ્રા ડે લે-વેચ તથા કોમેડીટી સોદાઓમાં ખાનગી ફાયનાન્સર પાસેથી ઊંચા વ્યાજેથી પૈસા લઈ તેમજ પર્સનલ લોન, મકાન લોન તેમજ ઓફિસ લોન જેવી લોન નાણાં મેળવી, શેરબજારમાં શેરની લે વેચ કરતા હતા. તે દરમિયાન આશરે ત્રણ કરોડ જેટલું નુકસાન થયેલ.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાની છેતરપિંડીમાં પકડાયેલા ભરત નારણભાઈ પરમાર અને તુષાર ભરતભાઈ પરમાર છેલ્લા કેટલાક વર્ષોથી આ રીતે મોડસ ઓપરેન્ડી વાપરી અને ગ્રાહકોને છેતરપિંડીનો ભોગ બનાવેલ છે અને આશરે ૬૦૦થી વધારે ગ્રાહકો બનાવી ત્રણેક કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનુ જાણમાં આવેલ છે  ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા આરોપી પિતા પુત્રની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે અને સઘન રીતે પૂછપરછ અને તપાસ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.