Abtak Media Google News

ટેકનોલોજી મારફત ઇજિપ્તના શાસકની યુદ્ધના મેદાનમાં ઘાતક હથિયાર વડે હત્યા કરાઈ હોવાનું આવ્યું સામે

ઇજિપ્તમાં હજારો વર્ષો બાદ પણ મમી જીવંત છે. ઇતિહાસ અને ભૂતકાળ બની ગયેલા મમીને ટેકનોલોજીએ ફરીવાર જીવંત કરી દીધી છે. ઇજિપ્તના એક સમયના રાજાની ૩૬૦૦ વર્ષ પૂર્વે કરાયેલી હત્યાના પુરાવાઓ ટેકનોલોજીએ શોધી કાઢ્યા છે. ઇજિપ્તના પ્રાચીન મંત્રાલયે બુધવારે રાજાની હત્યાના પુરાવાઓ શોધી કાઢ્યા છે. ઉપરાંત રાજાની જે હથિયાર વડે હત્યા કરવામાં આવી છે તે હથિયાર પણ શોધી કાઢવામાં આવ્યું છે.

હાલ જે રીતે માહિતી મળી છે તે મુજબ સેકનેનર તાઓ – ૨ નામના ઇજિપ્તના શાસકનો મૃતદેહ એટલે કે મમીના અવશેષો મળી આવ્યા છે. પશ્ચિમ એશિયન શાસક દ્વારા ઇજિપ્ત પર કરાયેલા હુમલા સમયે ઇજિપ્તના શાસકની હત્યા કરાઈ હતી તે સમયથી જમીનમાં દટાયેલા મમીને શોધી કાઢવામાં આવ્યું છે. મૃતદેહનું એક્સ-રે મારફત અવલોકન કરવામાં આવ્યું હતું  જે મુજબ મમીના માથાના ભાગે ઘા મારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. આ હુમલો યુદ્ધના સમયે કરાયો હોય તેવું પ્રાથમિક તબક્કે શક્યતાઓ સેવાઈ રહી હતી.

ત્યારબાદ મમીનું સીટી-સ્કેન અને નામાંકિત સંસ્થાઓના નિષ્ણાંતો દ્વારા લેવાયેલી થ્રી-ડી ઇમેજ પરથી હુમલો એક્ઝિક્યુશન સેરેમનીમાં કરાયો હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

મમીના દેહ પર નોંધાયેલી ઇજાઓ અને હથિયારો અંગે સમીક્ષા કરતા સામે આવ્યું છે કે, ઇજિપ્તના મ્યુઝિયમમાં સંગ્રહ કરાયેલા પ્રાચીન હથિયારો જેવા કે, કુહાડી, પાનું સહિતના હથિયારોથી હુમલો કરાયો હશે. ઉપરાંત એવું પણ નોંધવામાં આવ્યું છે કે, મમીને બંદી બનાવ્યા બાદ તેના હાથ બાંધી દેવામાં આવ્યા હશે અને ત્યારબાદ હથિયારો વડે તેના માથાના ભાગે ઘા મારવામાં આવ્યા હશે.

આ તમામ અભ્યાસ ફ્રન્ટીયર્સ ઓફ મેડિસિન નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે,જ્યારે શાસકની હત્યા કરવામાં આવી ત્યારે તેની ઉંમર આશરે ૪૦ વર્ષની હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.