Abtak Media Google News

રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજિસ્ટ્રેશન ફરજીયાત, દર્દી અને ચૂંટણી સ્ટાફે પીપીઇ કીટ પહેરવાની રહેશે : ચૂંટણી પંચે જાહેર કરી ખાસ ગાઈડલાઇન

મહાપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મતદાન કરી શકશે કે કેમ તે અંગે સર્જાયેલી અવઢવભરી સ્થિતિ દૂર થઈ છે. કારણકે આ મામલે ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સાંજે ૫થી ૬ નો સમય ફાળવવાની વ્યવસ્થા કરવાનું જણાવાયું છે.

મહાનગરપાલિકાની આગામી તા.૨૧ના રોજ અને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે તા.૨૮ના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. વર્તમાન સ્થિતિમાં પણ કોરોનાના કેસ હોય કોરોનાગ્રસ્ત થયેલા મતદારો માટે ચૂંટણી પંચે ખાસ ગાઇડલાઈન જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે કોરોનાનો ભોગ બનેલા નાગરિકો પણ મતાધિકારથી વંચિત ન રહે.

આ માટે ચૂંટણી પંચે સાંજે ૫થી ૬ દરમિયાન કોરોનાગ્રસ્ત મતદારો માટે મતદાનની વ્યવસ્થા ગોઠવવાનો તમામ જિલ્લા કલેકટરને આદેશ કર્યો છે. મતદાન વખતે કોરોનાગ્રસ્ત મતદાર અને મતદાન મથક ખાતે હાજર રહેલા સ્ટાફે ફરજિયાતપણે પીપીઇ કીટ પહેરવી પડશે.

આ ઉપરાંત કોરોનાગ્રસ્ત મતદાર વતી તેના પ્રતિનિધિએ અગાઉ મતદાનના આગલા દિવસ સુધીમાં રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત મતદારે એમબીબીએસ કક્ષાના તબીબ પાસેથી પોતે મતદાન મથક સુધી એમ્બ્યુલન્સમાં પહોંચવા માટે સક્ષમ છે તેવું સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.બાદમાં આ સર્ટિફિકેટ રિટર્નિંગ ઓફિસર સમક્ષ જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાગ્રસ્ત મતદારોને મતદાન મથક સુધી એમ્બ્યુલન્સમાં આવવાનું રહેશે.

કોરોનાગ્રસ્ત મતદારોના સમયમાં સામાન્ય મતદારોને બોલાવવાના કે કેમ ? તંત્ર અવઢવમાં

કોરોનાગ્રસ્ત મતદારો માટે ચૂંટણી તંત્રએ સાંજે ૫થી ૬નો સમય નક્કી કર્યો છે. જો કે આ સમયગાળા દરમિયાન સામાન્ય દર્દીઓને બોલાવવા જોખમી નીવડી શકે તેમ છે. બીજી તરફ સામાન્ય મતદારો માટે છેલ્લી એક કલાક માટે નો એન્ટ્રી ફરમાવવી પણ અયોગ્ય છે. એટલે હવે કરવું શું તે અંગે ચૂંટણી તંત્રમાં અવઢવ જોવા મળી રહી છે. હાલ અધિકારીઓ આ પ્રશ્નનો આયોજનબદ્ધ રીતે હલ લાવવા કમરકસી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.