Abtak Media Google News

Table of Contents

૧૯૯૫માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ ૫૯ બેઠક જીત્યું હતું જેનો રેકોર્ડ ૨૬ વર્ષે તૂટ્યો વોર્ડ નં.૧૫માં વશરામ સાગઠીયાની પેનલે કોંગ્રેસની નાક બચાવ્યું

રાજકોટવાસીઓએ ફરી એક વખત ભાજપની વિકાસની રાજનીતિને પ્રચંડ જનાદેશ આપ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં બેઠકની દ્રષ્ટિએ ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. વર્ષ ૧૯૯૫માં યોજાયેલી મહાપાલિકાની ચોથી સામાન્ય ચૂંટણીમાં ભાજપ ૬૦ માંથી ૫૯ બેઠકો પર વિજેતા બન્યું હતું. રાજકોટવાસીઓએ ૨૬ વર્ષના લાંબા અંતરાલ બાદ આ રેકોર્ડ તોડ્યો છે. માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યની તમામ છ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય થયો છે. શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી ભાજપ ૬૮ બેઠકો પર વિજેતા બન્યું જ્યારે કોંગ્રેસને સમખાવા પુરતી વોર્ડ નં.૧૫માં ચાર બેઠકો પ્રાપ્ત થઈ છે. ૨૦૧૫માં કોંગ્રેસ માત્ર ચાર બેઠકો માટે સત્તાથી વિમુક્ત રહ્યું હતું. આ વખતે રાજકોટવાસીઓએ કોંગ્રેસને માત્ર ચાર બેઠકો જ આપી છે. અઢી દાયકા બાદ ફરી કોંગ્રેસ જાણે લાધા યુગમાં ગરકાવ થયું હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે. હારની નૈતિક જવાબદારી સ્વીકારતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે રાજીનામુ આપ્યું છે તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી શક્તિશાળી સેનાપતિ સાબીત થયા છે.

200 1

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપની શાનદાર જીતથી રાજ્યભરમાં હર્ષોલ્લાસ: ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વિજયનો જશ્ર્ન મનાવ્યો

શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ગત રવિવારે યોજાયેલા મતદાનમાં ૫૦.૭૨ ટકા જેટલું મતદાન થયું હતું. દરમિયાન આજે સવારથી અલગ અલગ છ સ્થળોએ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મોઢે ફીણ લાવી દીધા હતા અને ૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડની મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બન્ને ૩૪-૩૪ બેઠકો જીતી એક સાથે ચાલી રહ્યાં હતા. વોર્ડ નં.૬માં ભાજપે બાઉન્ડ્રી ફટકારતા આ ચોગ્ગો વિજયી ચોગ્ગો સાબીત થયો હતો અને ચાર બેઠકોની પાતળી બહુમતિ સાથે ભાજપે જીતની હેટ્રીક લગાવી હતી.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી શક્તિશાળી સેનાપતિ સાબિત થયા: નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી અને ઉદય કાનગડની ચૂંટણી વ્યૂહરચનાને જાજરમાન સફળતા

પાતળી બહુમતી છતાં ભાજપે વટભેર શાસન કર્યું હતું. રાજકોટવાસીઓએ પણ વિકાસલક્ષી રાજનીતિ પર પ્રચંડ મહોર લગાવી હોય તેમ આજે રાજકોટમાં રીતસર ભાજપનું બુલડોઝર ફર્યું હતું. આજે સવારથી શહેરમાં અલગ અલગ છ સ્થળોએ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ ભાજપે પકડ બનાવી લીધી હતી જે છેક સુધી જાળવી રાખી હતી. ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે ભાજપને બરાબરની ફાઈટ આપનાર કોંગ્રેસ આ વખતે કમજોર સાબીત થઈ હતી. શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૬ વોર્ડની મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી. એક તબકકે એવું લાગી રહ્યું હતું કે, રાજકોટમાં કોંગ્રેસને ક્લીનસ્વીપ થશે જો કે વોર્ડ નં.૧૫ કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે તેમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠીયા પેનલ સાથે વિજેતા બનતા છેક બપોરે કોંગ્રેસનું ખાતુ ખુલ્યું હતું. વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા હતા જ્યારે વોર્ડ નં.૧, ૨, ૩, ૪,૫,૬,૭,૮,૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૬,૧૭ અને ૧૮માં ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપે ૧૮ વોર્ડની ૭૨ બેઠકોમાંથી ૬૮ બેઠકો પર વિજય મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. જો વોર્ડ નં.૧૫માં વશરામ સાગઠીયા પેનલ જીતવામાં સફળ ન રહ્યાં હોત તો રાજકોટ કોંગ્રેસ મુક્ત બની જાત.

૧૬ વોર્ડની ૬૪ બેઠકોની મત ગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી ન હતી: અનેક વોર્ડમાં કોંગ્રેસ કરતા આપના ઉમેદવારો વધુ મત લઈ ગયા

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ કુલ ૮ વખત સામાન્ય ચૂંટણી યોજાય છે. જેમાં ૭ વખત રાજકોટવાસીઓએ સ્પષ્ટ બહુમતિ સાથે ભાજપને સત્તાની કમાન સોંપી છે જ્યારે વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધી કોંગ્રેસને શાસનની ધુરા સુપ્રત કરી હતી. મહાપાલિકાની ૯મી સામાન્ય ચૂંટણી જીતવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને સ્ટે.કમીટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડની ચૂંટણીલક્ષી વ્યૂહ રચનાને જાજરમાન સફળતા મળી છે. ગત વર્ષે માત્ર ૩૮ બેઠકો જીતનાર ભાજપ આ વખતે ૬૮ બેઠકો જીતી શાસન ધુરા સંભાળવા જઈ રહ્યું છે. રાજકોટ મહાપાલિકાના ઈતિહાસમાં ભાજપનો આ સૌથી મોટો અને જાજરમાન વિજય છે. અગાઉ ૧૯૯૫માં ભાજપ ૬૦ માંથી ૫૯ બેઠકો જીત્યું હતું. બેઠકની દ્રષ્ઠિએ ભાજપનો આ સૌથી મોટો વિજય છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો વિજય માનવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં ભાજપને મળેલા ઐતિહાસિાક વિજયથી રાજ્યભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આજે ભવ્ય વિજય સરઘસ કાઢી વિજયના વધામણા કરવામાં આવ્યા હતા.

રાજકોટ-જામનગર સહિત રાજ્યની તમામ ૬ મહાપાલિકાઓમાં ભાજપનો ઐતિહાસિક વિજય

મુખ્યમંત્રીએ મતદારો અને કાર્યકરોનો માન્યો આભાર

Dsc 9421

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થવા અંગેની પ્રતિક્રિયા આપતું ટ્વીટ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ભવ્ય જીત મેળવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. તે ફરી વખત સાબિત થઈ ગયું છે. આ વિજય જનતાનો વિજય છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ન પડતો હોય તેવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.  અંતમાં તેઓએ જણાવ્યું હતું કે છ મહાનગરના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપના તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ પાઠવું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે તેમને ભાજપના ઉમેદવારો ઉપર વિશ્વાસ મુક્યો છે તેને એળે જવા દેશે નહિ. મહાનગરપાલિકાના વિકાસ માટે સરકાર કોઈ કચાશ રાખશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.