Abtak Media Google News

આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી પણ સંક્રમીત: આશ્રમની તમામ પ્રવૃતિઓ સ્થગીત

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ સહિત દસ સંન્યાસી અને પાંચ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે જેથી  આશ્રમ પરિસરનીબધી જ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવાય છે. બધાને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા વિનામૂલ્યે ટેસ્ટ કરાવી લેવા અપીલ કરાઈ છે.

કુદરતી આફત કે કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયમાં પણ સતત રાષ્ટ્રનિર્માણ અને સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સહિત દસ સંન્યાસી અને પાંચ કર્મચારી કોરોનાથી સંક્રમિત હોવાથી તાત્કાલિક ધોરણે આશ્રમ પરિસરમાં થતી બધી જ પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

આ અંગે વધુ વિગત આપતા અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આશ્રમના 83 વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં તેમને ખૂબ જ નબળાઈ અનુભવતા ડોક્ટરની સલાહ અનુસાર કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે ત્યારે નેગેટિવ આવ્યો હતો. ફરીથી ડોક્ટરની સલાહ પ્રમાણે ગઈકાલે તેમને જાણીતી હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે લઈ જવાયા હતા. ત્યારે સીટીસ્કેન દરમિયાન તેમને કોરોના પોઝિટિવ અને ન્યૂમોનિયા જણાયા હતા. તેમની હાલત ગંભીર છે અને અમે તેમને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી રહ્યા છીએ. સાથોસાથ તેઓ ખૂબ ઝડપથી પૂન: સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, અમને આ વાતની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી આશ્રમના બધા જ સંન્યાસીઓ અને કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. જેમાં મારા સહિત નવ સંન્યાસીઓ અને પાંચ કર્મચારીઓ પણ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. અમે બધા જ ક્વોરેન્ટાઇન થઈ ગયા છીએ અને જરૂરી દવાઓ લેવાની શરૂ કરી દીધી છે.  તકેદારીના પગલારૂપે આશ્રમ નો મુખ્ય દરવાજો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે અને આશ્રમ પરિસરની બધી જ પ્રવૃત્તિઓ અટકાવી દેવામાં આવી છે. અનુયાયીઓને વિનંતી છે કે આશ્રમ દ્વારા સમય અંતરે હેલ્થ અપડેટ આપવામાં આવશે. પરંતુ ટેલીફોનીક સંપર્ક દ્વારા સારવારમાં ખલેલ ન પહોંચાડવા વિનંતી.સાથોસાથ અમારા બધા જ અનુયાયીઓ અને નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ સામાજિક અંતર જાળવે, માસ્ક પહેરે અને જો કોરોનાના સહેજ પણ લક્ષણો દેખાય તો મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય થતો કોરોના ટેસ્ટ કરાવી લે. કારણકે હજુ કોરોના સાથેની આપણી લડાઇ પૂરી નથી થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.