Abtak Media Google News

કોરોનાના વધતા સંક્રમણ લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 40 બે્રડની સુવિધા વાળુ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓને કોરોનાની મહામારી વિરૂધ્ધના અભિયાનમાં સહયોગ આપવાના આહવાનમાંથી પ્રેરણા લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે કોરોના મહામારીથી જન-જનને બચાવવા માટે તાજેતરમાં 40 બેડની સુવિધા ધરાવતા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અને “હારશે કોરોના – જીતશે ગુજરાત” મંત્રને ચરિતાર્થ કરવામાં યોગદાન આપવાનું બીડું ઝડપ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ કેર સેન્ટરમાં હાલમાં 40 બેડની સુવિધા છે, તેમજ નજીકના ભવિષ્યમાં મહત્તમ લોકોને ઝડપથી સારવાર મળી રહે તેવા હેતુથી 110 બેડની નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. અહીં સારવાર આપવા માટે અનુભવી ડોક્ટરો, આસી. ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ સહિત હાઉસ કીપીંગ સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં આવતા દર્દીઓ ઘર પરિવારથી દુર હોય ત્યારે તેઓ એકલતા ન અનુભવે તે માટે મ્યુઝિક થેરાપી અને મંત્રોચ્ચાર વડે દર્દીની આસપાસ હકારાત્મક વાતાવરણ ઉભુ કરવામાં આવશે. તેમ, યુનિવર્સિટીના કુલપતિ  એન.એમ.પેથાણીએ જણાવ્યું હતું. કુલપતિ પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરુ કરાયેલા કોવિડ કેર સેન્ટર માટે 63551 92607 નંબરની હેલ્પલાઈન સેવા શરુ કરવામાં આવી છે. જેના થકી લોકોને સુવિધા મેળવવામાં આસાની રહેશે. તમામ દર્દીઓની સારવારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સધિયારો પણ પુરો પાડવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ પણ વિભાગના વડા કે પ્રોફેસરની ભલામણથી જરૂરિયાતમંદ દર્દીઓને સત્વરે સારવાર આપવામાં આવશે. આ પ્રસંગે યુ.જી.સી -એચ.આર.ડી.સી.ના હેડ ડો. કલાધર આર્યએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કોવિડ-19 સામે લડવા માટે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં રહેલા દર્દીઓને સવારે 08.00 વાગ્યાથી શરૂ કરીને રાત્રિના 08.00 વાગ્યા દરમિયાન ચા-નાસ્તો, ફળ-ફળાદિ, આયુર્વેદિક ઉકાળા, જરૂરિયાત મુજબ જ્યુસ તથા બપોર અને રાત્રિનું ડાયટિશિયન અને ન્યુટ્રિશિયનના જણાવ્યા મુજબનું આરોગ્યપ્રદ પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં અંદાજિત 20 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ઘડતર થકી સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં જરૂરિયાતના સમયે મદદ કરીને અનન્ય ફાળો આપી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.