Abtak Media Google News

સાક્ષીઓના નિવેદન રેકોર્ડ કરવા સહિતની કામગીરી આગામી બે મહિનામાં પુરી કરવા સૂચન

જુવેનાઇલ બોર્ડ અને ‘સીટ’ને કામગીરી ઝડપી કરવા ઉપરાંત તપાસના અહેવાલો સમયાંતરે રજૂ કરવા આદેશો અપાયા

૨૦૦૨ના કોમી રમખાણના કેસ હજુ પણ ચાલી રહ્યાં છે. જેમાં નરોડા ગામ પાટીયાથી લઈને અલગ અલગ સ્થળોએ બનેલા હત્યાકાંડોનો સમાવેશ થાય છે. ૧૫ વર્ષથી વધુનો સમયગાળો થવા છતાં પણ રમખાણના કેસ પુરા થતા ન હોવાથી સુપ્રીમ કોર્ટે આ બાબતે સંજ્ઞાન લીધુ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહરના વડપણની ખંડપીઠે ગુજરાતની નીચલી અદાલતોને આ બાબતે આદેશો આપ્યા છે. સુપ્રીમે કહ્યું છે કે, આગામી ચાર મહિનાની અંદર ગુજરાત રમખાણના તમામ કેસો આટોપી લેવામાં આવે.

વધુમાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને કહ્યું છે કે, આગામી ૨ મહિનાની અંદર સાક્ષીઓના નિવેદનોનું રેકોર્ડીંગ તેમજ અન્ય સાક્ષીઓને લગતી કોર્ટની કાર્યવાહી પુરી કરી દેવી. ન્યાયાધીશ એ.એમ.ખાનવીલકર અને ડીડી.વાય.ચંદ્રચુડે કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાત રમખાણના કેસ આગામી ચાર મહિનામાં આટોપી લેવા જોઈએ અને એવી આશા છે કે, ગુજરાતની નીચલી અદાલતો આ બાબતે ઝડપથી કાર્યવાહી પૂરી કરશે.વધુમાં સીટ હેઠળના ૨ કેસ પણ સુપ્રીમ કોર્ટે સંજ્ઞાનમાં લીધા હતા. છેલ્લા લાંબા સમયથી ઘણા કેસ પેન્ડિંગ પડયા છે. જેમાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ રહેલા ગુલબર્ગ સોસાયટી કેસનો પણ સમાવેશ થાય છે. ૧૫ વર્ષ પહેલા થયેલા રમખાણ બાબતે ચાલતી કાર્યવાહીનો અભ્યાસ કરતા સુપ્રીમે જુવેનાઈલ બોર્ડને પણ ઝડપથી સાક્ષીઓના નિવેદનો લેવા સુચન કર્યું છે અને બને તેટલી ઝડપી કેસનો નિકાલ કરવા માર્ગદર્શન આપ્યું છે. આ સાથે ૨૦૦૨ કોમી રમખાણ કેસમાં કોઈ પણ સરકારી વિભાગ કે તપાસ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી ન હોય કે પછી જાણી જોઈને કેસને ખોરંભે ચડાવવાના પ્રયાસો થતા હોય તો તેની સામે કડક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે. આ સાથે સીટના અધ્યક્ષને તપાસમાં થતી કામગીરીનો અહેવાલ લઈ તેને રજૂ સમયાંતરે રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.