Abtak Media Google News

તો મારી જાણકારી મુજબ હું આપની સમક્ષ તરણેતર ના મેળા ની થોડીક વાત રજૂ કરું છું. યોગ્ય લાગે તો મિત્રો સાથે શેર કરજો.

તરણેતરનો મેળો સૌરાષ્ટ્ર ની આદિવાસી પ્રજા નો સૌથી મોટો મેળો છે. ભાદરવા સુદ ની ચોથ, પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ યોજાતો મેળો અંગ્રેજી કેલેન્ડર મુજબ સામાન્ય રીતે ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામા આવે છે . તરણેતર ના મેળાનું આયોજન તરણેતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. તરણેતર ના મેળાનો શુભ આરંભ ત્રીનેશ્વર મહાદેવના મંદિર ના ગુંબજ પર ધજારોહણ કરી ને કરવામાં આવે છે.

દર વર્ષે પાળીયાદ ના મહંતના હસ્તે ધજાજી ની શાસ્ત્રોક્ત વિધિ કરીને ધજારોહણ થાય છે. સૌરાષ્ટ્રભર માંથી રબારી, કોળી, ભરવાડ, ખાંટ, કણબી, કાઠી, હરીજન, વગેરે જ્ઞાતિ માંથી હજારો ની સંખ્યામાં લોકો મેળા માં ઉમટી પડે છે. વિવિધ પ્રકાર ના ભરતકામ વાળા રંગીન પોષાક અને ચળકતા ઘરેણાં પહેરીને આદિવાસી લોકો ઢબુકતા ઢોલ ના સથવારે રાસ રમવા ઉમટી પડે છે. ગ્રામ્ય રમતો ને પ્રોત્સાહન આપવા “ધ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ” “ગ્રામ્ય ઓલિમ્પિક” નું આયોજન કરે છે. મેળા દરમ્યાન ઘોડાદોડ,ઉંટ દોડ,બળદ ગાડા ની હરિફાઈઓ તેમજ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્રજા માટે તરણેતર નો મેળો ફક્ત ઉત્સવ નથી. પણ સાથો સાથ લગ્ન માટે જીવનસાથી પસંદ કરવા માટેની જગ્યા પણ છે.!! આજના મોર્ડન સમય માં પણ શરૂ રહેલો એક પ્રકાર નો ઇન્ફોરમલ સ્વયંવર માત્ર છે. લગ્ન માટે ઉત્સુક મુરતીયાઓ રંગીન ધોતી અને એકદમ સુશોભીત બંડી પહેરે છે. અને પાઘડી ના વળ ત્રાંસા રાખે છે. તરણેતરના મેળામાં કે ફોટામાં આકર્ષક છત્રીઓ ખાસ જોવા મળે છે. આ છત્રીઓ પાછળ નો એક ખાસ અર્થ છુપાયેલો છે. આવી છત્રી લઇ ને ફરતા યુવાનો અપરણિત છે. અને એટલે કન્યાઓ એ એમને ધ્યાન માં રાખવા!!

એમ કહેવાય છે કે પરણવા ઇચ્છુક યુવાનો એમના હાથે એકાદ વર્ષ મહેનત કરીને અરીસા ..મોતી તેમજ જટિલ ભરતકામ દ્વારા સજાવે છે, જેથી એ છત્રી ની કળા-કારીગરી વડે એ પોતાની સંભવિત પત્ની ને આકર્ષી શકે. રબારી સ્ત્રીઓનું મેરિટીએલ સ્ટેટસ પણ તેમના પહેરવેશ પરથી સ્પષ્ટ થઈ જાય છે. જે સ્ત્રીઓ કાળી જિમી (ચણીઓ) પહેરીયો હોઈ તે પરણિત છે. અને જો જિમી લાલ હોઈ તો એનો મતલબ એ કે તેને હજુ સુધી કોઈ સાથે છેડા બાંધ્યા નથી. પણ બાંધવા તૈયાર છે.!! પારંપરિક રીતે એવું મનાય છે કે જો કોઈ છોકરી કોઈ પુરુષ સાથે વાત કરવા અટકે તો સમજવું કે એને પોતાની પસંદગી નો ભરથાર મળી ગ્યો છે. શહેરી લોકો જેને પછાત ગણે છે એવી આ પ્રજા માં પસંદગી નો હક સ્ત્રીઓ ને છે. જે એક ક્રાંતિકારી પગલું છે.

તરણેતરના મેળા પાછળ એક ઐતિહાસિક કથા હોવાની પ્રચલિત માન્યતા છે. કહેવાય છે કે અર્જુને મત્સ્યવેધ કરી દ્રૌપદી નો હાથ જીત્યો એ સ્વયંવર અહીં ત્રીનેશ્વર મહાદેવ ના મંદિર ના સ્થાને રચાયો હતો. મૂળ આ મંદિર પહેલી સદીમાં બન્યું હતું. પણ એ પછી ઓગણીસમી સદીમાં વડોદરા ના ગાયકવાડ દ્વારા તેનો જીર્ણોધ્ધાર કરવા માં આવ્યો. મંદિરની બાજુ માં આવેલા કુંડ પણ અત્યંત પવિત્ર ગણાય છે.

દંતકથા તો એવી છે કે મહાભારત યુદ્ધ થી આ મંદિર પાસે આવેલા વિશાળ મેદાન માં આ ઉત્સવ યોજાતો રહયો છે. પણ ઐતિહાસિક દ્રષ્ટિએ 200 થી 250 વર્ષથી આ સ્વયંવરની પરંપરા ચાલી રહી છે. ઉત્સવના દિવસોમાં આજુબાજુના ગામોમાંથી નીકળેલા અસંખ્ય લોકોના …એ… હાલો…એ.. હાલો મેળામાં….! ના અવાજ થી ગગન ગાજી ઉઠે છે. મેળામાં હવે ફોક ડાન્સ..ફોક મ્યુઝિક…ફોક કલચરનો મહિમા થયો છે. હજારો લોકો અહીં નાચતા હોય છે. ઝાલાવાડ ની આસપાસ ની રબારી સ્ત્રીઓ અહીં જે “રાહડો” કહેવાતું નૃત્ય ગોળાકારે કરે છે તે અત્યંત વિશિષ્ટ ગણાય છે. તો ‘રાહડો’ , ‘હુડો’ તેમજ ‘રાસગરબા’ નૃત્યો પણ દર્શનીય છે. દરેક મેળા ની જેમ અહીં પણ વિવિધ પ્રકારની રાઈડ્સ,ખાણીપીણી ના સ્ટોલ તેમજ ખરીદી ના સ્ટોલ ની ભરમાર હોઈ છે.

સમગ્રપણે જોઈએ તો તરણેતરનો મેળો સૌરાષ્ટ્રના લોકજીવન ની કોલીડોસ્કોપિક ઝલક સમો છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ થી આઠેક કિલોમીટર દૂર યોજાય છે. અને તે અનેક પરદેશી મુસાફરો ને પણ ખેંચી લાવે છે. આખા ઉત્સવ દરમિયાન વાતાવરણ એકઘડી પણ મંદ પડયા વિના સતત ધબકતું રહે છે. એ અહીંની ખાસિયત છે. ઉત્સવ ઉજવણી ની સાથો સાથ લગ્ન માટે જીવનસાથી શોધવાની જે પરંપરા આ આદિવાસી કહેવાતી પ્રજા માટે વડવાઓ એ ગોઠવી છે એ એક અત્યંત ડહાપણભર્યો મોર્ડન કન્સેપ્ટ છે. અને તે અચૂક દાદ માંગી લે એવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.