Abtak Media Google News

સંતો, મહંતો પોતાના આશ્રમ અને અન્ય ક્ષેત્રો કોરોના ગ્રસ્ત દર્દી અને તેમના પરિવારજનો માટે ખુલ્લા મૂકી દે તેવી ભાવિકોની પ્રાથના  જિલ્લામાં અધિકારીઓની લોક ખેવના સાથે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતાં સોરઠવાસીઓને મળી ઘણી રાહત

જૂનાગઢમાં કોરોનાના કપરા  કાળમાં જેમ ઉંદર દરમાં સમજાઈ જાય તેમ નેતાઓ હવે જાણે કોરોનાના કારણે હોમ કોરોંટાઈન થયા હોય તેમ ઘરમાં છુપાઈને બેસી ગયા છે. તો બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના વહીવટી અને આરોગ્ય તંત્રના અધિકારીઓ આવા કપરા કાળમાં ફરજ સાથે સેવા ભાવના સાથે લોકોના જીવ બચાવવા અને આરોગ્યની ખેવના કરી રાત દિવસ જીવના જોખમે દોડતા રહ્યાં છે. ત્યારે જૂનાગઢની પ્રજા એ પ્રશ્ન કરી રહી છે કે મતની ભીખ માંગવા ટોળેટોળા આવતા નેતાઓ તેમના વિસ્તારના લોકો ઓકસીજન, દવા, સારવાર, ભોજન અને આર્થિક પરિસ્થિતિના કારણે મોતને ભેટી રહ્યા છે અને શારીરિક, માનસિક રીતે તકલીફો ભોગવી રહ્યા છે ત્યારે તેમની કોઈ જવાબદારી કે ફરજ છે કે નહીં ? શું માત્ર પગાર મેળવે છે એટલે અધિકારીઓએ જ પોતાના જીવના જોખમે લોકોની સેવા અને સંભાળ રાખવાની છે ?

Advertisement

એક વાત મુજબ જૂનાગઢ શહેરમાં મનપાના 60 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને રાજ્ય સરકાર અને કેન્દ્રમાં ભાજપ સરકાર બેઠી છે ત્યારે આ ભાજપના અનેક નેતાઓ જૂનાગઢમાં મોટેરૂ સ્થાનને લઈને બેઠા છે. પરંતુ જૂનાગઢના ભાજપના નેતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારના લોકો કોરોના મહામારીના કારણે આર્થિક, માનસિક અને શારીરિક રીતે દુ:ખી અને પરેશાન થઈ રહ્યા છે ત્યારે તેની સંભાળ લેવા માટે આ નેતાઓ આગળ નથી આવ્યા તેનું જૂનાગઢવાસીઓને ભારોભાર દુ:ખ છે, અને કપરા સમયમાં પ્રજાના પ્રતિનિધિ બની ઘરમાં પુરાઈ જતા આવા નેતાઓ સામે લોકોમાં ભારોભાર રોષ પ્રગટ્યો છે. તો જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણી દિનેશભાઈ ખટારિયાં, જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાં, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા દ્વારા અંગત રસ લઈ દર્દીઓ અને એમના પરિવારજનો માટે અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે, તેની લોકો દ્વારા પ્રશંસા પણ થઈ રહી છે.

જો કે ગત વર્ષે કોરોના કાળ દરમિયાન સેવાભાવી સામાજિક સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં સેવા માટે કાર્યરત થઈ હતી. અને આવી અનેક સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિ નોંધનીય બની હતી, જો કે, તેમાં જુનાગઢની તાસીર પ્રમાણે અમુક રાજકીય નેતાઓ અને પાગિયાઓ કોરોનામાં બહાર નીકળવા માટે ખોટા પાસ લઈ અને દેખાવ પૂરતી સેવા કરી સોશિયલ મીડિયામાં ભારે ચમક્યા હતા. પરંતુ ગામ હોય ત્યાં ઉકરડો હોય અને લોકો આવી ગંદકીને ગત વર્ષે અને આ વર્ષે પણ સમજી ગયા છે. પરંતુ જૂનાગઢની પ્રજા અફસોસ સાથે કહી રહી છે કે, આ વર્ષે જૂનાગઢ શહેર અને જિલ્લાની પ્રજા કોરોના રાક્ષસ સામે હારી ગઈ છે, ડરી ગઈ છે, ત્યારે જૂનાગઢની નામાંકિત સંસ્થાઓ હજુ ટિફિન સેવા સિવાય લોકોની વહારે આવી નથી. હા, અમુક સંસ્થા ગેસ સિલિન્ડરની સેવા વ્યવસ્થા સુપેરે નિભાવી રહી છે પરંતુ આવી આર્થિક ભીંસમાં આજે લોકોને કોરોના સામે લડવા જરૂરી મોંઘી ડાટ દવા, ઇમ્યુનીટી પાવર વધારે તેવા ફળ અને જે સાંત્વના, સહાયની જરૂર છે. તે માટે કોઈ સંસ્થા એ હજી સુધી વિચાર્યું નથી ત્યારે જૂનાગઢની સેવાભાવી સંસ્થા અને દાતાઓ પણ જરૂરીયાતમંદ મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે ઈમ્યુનિટી પાવર વધારતા ફળ અને ખાદ્ય સામગ્રીની સેવા ત્વરિત શરૂ કરે તે જરૂરી જ નહીં પણ આવશ્યક બન્યું છે, અને આવી સેવાના કારણે અનેક લોકોના જીવ જતા બચી જશે તેવું ખુદ તબીબો માની રહ્યા છે.

આની સાથોસાથ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતના લોકો એક બાબતે ખૂબ જ નારાજ છે કે, ભવનાથ ક્ષેત્રમાં મોટા મોટા અનશ્રેત્રો અને ઉતારાઓ 365 દિવસ ધમધમતા રહે છે, જે હાલમાં બંધ છે, ત્યારે આવા કપરા સમયમાં સદાય આશીર્વાદ આપતા સંતો, મહંતો પોતાના આશ્રમ અને અન્ય ક્ષેત્રો કોરોના ગ્રસ્ત દર્દી અને તેમના પરિવારજનો માટે ખુલ્લા મૂકી દે તેની પણ અત્યારના કપરાં સમયમાં ખૂબ જ આવશ્યકતા છે, ત્યારે સંતો, મહંતો પણ લોકોને કોરોનાથી બચવાની અપીલ કરવાની સાથે કોરોના ગ્રસ્ત લોકો અને પરિવારજનો લાંબુ જીવો, સ્વસ્થ જીવો તેવા આશીર્વાદ આપવા આગળ આવે તેવી સોરઠ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાવિક, ભક્તજનો સંતો મહંતો પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.