Abtak Media Google News

સંઘ ભાવના અને સંકલનના અભાવે સરકારો વચ્ચે રસીની રામાયણ

સૂક્ષ્મ એવા કોરોના વાયરસએ વિશ્વ આખાને બાનમાં લઈ સ્થિતી કફોડી બનાવી દીધી છે. હાલ વાઇરસ સામે બચવા રસી જ એક માત્ર ઉપાય છે તેમ વિશ્વભરના નિષ્ણાંતો-ડોક્ટરો જણાવી રહ્યા છે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ ન હોવાં છતાં રસીકરણ ઝુંબેશ વધુને વધુ વેગવંતી બનાવી આવશ્યક બની છે. પરંતુ રસી અસ્તિત્વમાં આવી ત્યારથી જ રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા, તેની અસરકારકતા તેમજ આડઅસરોને લઈને રસ્સાખેંચ ઊભી થઈ હતી. ઉત્પાદક કંપનીઓની સાથે

સાથે હવે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પણ રસીની રસ્સાખેંચ જામી છે. બિનભાજપી રાજ્યો કેન્દ્ર પાસેથી રસીના ડોઝ લેવાની જગ્યાએ વિદેશમાંથી આયાત કરવા તરફ આગેકૂચ કરી રહ્યા છે.

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્રમોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના પરિસ્થિતિ અંગે સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબના મુખ્યમંત્રીઓએ માંગ કરી હતી કે રાજ્યોને રસીનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે. તેમજ રસી ઉત્પાદક કંપનીઓ પાસેથી જે ડોઝ આપવામાં આવે છે તેની કિંમત પણ ઘટાડવામાં આવે. કંપનીઓ કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં ડોઝ આપે છે તે જ કિંમતએ રાજ્યોને પણ 150ની કિંમતે આપવામાં આવે. અને હાલ 400 રૂપિયાનો ભાવ છે તેમાં ઘટાડો કરવામાં આવે. આ મુખ્યમંત્રીઓએ એ પણ આક્ષેપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી રસીની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. અને આ માટે રાજ્ય સરકારો સાથે યોગ્ય સંકલન સાધવામાં આવતું નથી.

આ અંગે નિષ્ણાંતોનું પણ જણાવવું છે કે કેન્દ્ર સરકારે ગત સપ્તાહે રસી ઉત્પાદક કંપનીઓ સાથે બેઠક યોજી હતી. ડોઝના ભાવ નિર્ધારિત કર્યા હતા પરંતુ રસીને લઈને જે અહમ બેઠકો મળવી જોઈએ તે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે મળતી નથી. અહીં સંઘ ભાવના અને સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે. આથી જ ભારતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે  મતમતાંતરો જોવા મળી રહ્યા છે. આ સમય રસીને લઈને હરીફાઈ કરવાનો નહીં પરંતુ યોગ્ય સંકલન સાથી રસી ઉત્પાદક કંપની તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે બેસી સ્પષ્ટ આયોજન કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.