Abtak Media Google News

દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિમાં ઘેરાયેલા એક સમયના મુખ્ય રાષ્ટ્રીય પક્ષ અને દેશના રાજકીય પ્રશાસનમાં સૌથી વધુ સત્તા સંભાળનાર કોંગ્રેસ હવે દિવસે દિવસે માહ્યલાઓના ભારથી જ ભાંગી રહી હોય તેમ મોવડીઓ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં. રાજસ્થાનમાં સચિન પાઈલોટ અને પંજાબમાં નવજોતસિંહ સિધુ જેવા પરિમાણોને કાબુમાં લઈ ડેમેજ કંટ્રોલ એક મોટો પડકાર ઉભો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં સચિન પાઈલોટ અને અન્ય નારાજ નેતાઓ સાથે શુક્રવારે મીટીંગ ગોઠવતા રાજકારણના વમણ ઉભા થયા છે અને મુખ્યમંત્રીની ચિંતા વધી છે.

સિધુ પાજીને લઈ કેપ્ટનનો દિલ્હી દરબારમાં સચિનનો ‘પાઈલોટ’ કોણ બનશે

રાજસ્થાન, પંજાબમાં કોંગ્રેસની સખળ-ડખળ પક્ષના મોવડીઓ માટે માથાનો દુ:ખાવો આંતરિક ખેંચતાણમાંથી નેતાઓ ક્યારે બહાર નીકળશે ?

રાજસ્થાનમાં શાસક પક્ષ માટે પાઈલોટની જોખમી ઉડાન ચિંતાનો વિષય બન્યો છે. બે દિવસ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા રાજસ્થાનના વરિષ્ઠ કોંગ્રેસી નેતા જીતીન પ્રસાદના કેસરીયાએ પણ કોંગ્રેસને ચિંતામાં મુકી દીધી છે. આ અંગે ધારાસભ્ય પી.આર.મીનાએ જણાવ્યું હતું કે, સચિન પાઈલોટ દ્વારા ઉભા કરવામાં આવેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત સામેના મોરચાને ટેકલ કરવા કેન્દ્રીય મોવડી મંડળે ધ્યાન દેવું જોઈએ. પાઈલોટની છાવણીમાં મુખ્યમંત્રીના અસંતુષ્ટ ધારાસભ્યોની સંખ્યા વધતી જાય છે. રાજસ્થાનમાં સરકાર સાચવી રાખવાની જરૂર છે ત્યારે ભાજપ આ પરિસ્થિતિ વોચ એન્ડ વેઈટની નીતિ અખત્યાર કરી ચૂકી છે. રીતા બહુમુણા જોષીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ સંભાળીને રહેવું જોઈએ.

બીજી તરફ પંજાબમાં નવજોતસિંહ સિધુએ મુખ્યમંત્રી કેપ્ટન સામે કુકરી ગાંડી કરી જેવી પરિસ્થિતિમાં દિલ્હી હાઈકમાન્ડ માટે પંજાબના નવજોતસિંહ સિધુને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. હવે સચિન પાઈલોટને કેવી રીતે મનાવશે તે જોવાનું રહ્યું. રાજસ્થાનની પરિસ્થિતિ કોંગ્રેસ માટે વધુ વિકટ બને તેવું દેખાઈ રહ્યું છે. પંજાબ અને રાજસ્થાનની પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે ડેમેજ કંટ્રોલ એક મોટો પડકાર બની સામે આવી રહ્યો છે ત્યારે આગામી વિધાનસભાઓની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ શાસીત રાજ્યોમાં ક્યાંય સંગઠનમાં આંચ કે ખાંચ ના આવે તે પક્ષ માટે જરૂરી છે તેવા સંજોગોમાં ઉત્તરપ્રદેશનો હવાલો સંભાળતા પ્રિયંકા ગાંધી માટે પક્ષના યુવા આગેવાનો સચિન પાઈલોટ, નવજોતસિંહ સિધુના અસંતોષ અને પક્ષના સંગઠન અને સંકલનને સુદ્રઢ કરવાનું એક નવું કામ આવી પડ્યું છે. પ્રિયંકા ગાંધી પાસે હાલક-ડોલક નાવ જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલી કોંગ્રેસના હિતેચ્છુઓ ઈન્દિરા ગાંધી જેવી મુસદ્દીગીરીની અપેક્ષા રાખી રહ્યાં છે ત્યારે પ્રિયંકા પક્ષના ડેમેજ કંટ્રોલમાં કેવી ભૂમિકા ભજવી શકે છે તેના પર મીટ મંડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.