Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની પરિસ્થિતિ વચ્ચે ઈંધણના ભાવને કાબુમાં રાખવા માટે સરકારની નટચાલ પરિણામદાયી બની રહે તેવા સંકેતો વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને નાથવા ઈથેનોલના મિશ્રણની સાથે સાથે રેટકટ સહિતના મામલે રસ્તો કાઢવા માટે સરકારની થીંક ટેન્ક કામે લાગી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભડકે બળતા ક્રુડ ઓઈલના ભાવ અને સ્થાનિક અર્થતંત્રને ધબકતું રાખવા માટે ઈંધણ પરના કર માળખાને યોગ્ય રીતે ઢાળવા માટેની લાંબાગાળાની રણનીતિ પર સરકાર આગળ વધી રહી છે.

ઈંધણને લઈ સરકારની ‘નટ ચાલ’

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અને સ્થાનિક ટેક્સના સંતુલન સાથે ઈંધણના ભાવ કાબુમાં રાખવા લાંબાગાળાની રણનીતિ ફળીભુત!

અર્થતંત્ર અને દેશના સંચાલન માટે જરૂરી મુદ્રાકોસ માટે પેટ્રોલ-ડીઝલની આવક એકમાત્ર વિકલ્પ હોય વિકાસ માટે જરૂરી પેટ્રોલ-ડીઝલની કર આવકને માફકસર રાખી ભાવ વધારાને ડામવાની સાથે સાથે ઈંધણની જરૂરીયાતો પૂરી કરવા માટે સરકારે નટચાલ જેવી રણનીતિ અપનાવીને ઘર આંગણે ઈથેનોલના ઉત્પાદનનો વધારો અને પેટ્રોલ-ડીઝલમાં ઈથેનોલનું પ્રમાણ 30 ટકા સુધી લઈ જવાની વ્યવસ્થા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. બ્રિક્સ દ્વારા આયોજીત વર્ચ્યુઅલ નેટવર્કને સંબોધતા

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, બ્રાઝીલ, કેનેડા અને અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના વપરાશના બદલે અવેજ ઈંધણ વાપરવા 100 ટકા છુટ અને બાયો ઈથેનોલના વપરાશની દિશામાં ભારતને આગળ લઈ જવાશે. અવેજી અને વૈકલ્પીક ઈંધણ તરીકે ઈથેનોલનો વપરાશ વધારવો હવે જરૂરી બન્યો છે. ભારતમાં ઘર આંગણે ઈથેનોલનું ઉત્પાદન વધારીને વધતા જતાં પેટ્રોલના ભાવ ઘટાડી શકાય. દેશના કેટલાંક વિસ્તારોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી વધી ગયો છે. કેન્દ્ર શાસીત પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને લદ્દાખમાં પેટ્રોલની સેન્ચ્યુરી નોંધાઈ ગઈ છે.

પેટ્રોલનો ભાવ વધારો અને આયાતી ભારણ ઘટાડવા માટે ઈથેનોલનું પુરણ આવશ્યક બન્યું છે. 2014થી પેટ્રોલમાં ઈથેનોલના મેળવણની મંજૂરી આપવામાં આવી છે. શરૂઆતમાં 8.5 ટકા મેળવણની મંજૂરીને 30 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 60 થી 62 રૂપિયા પ્રતિ લીટરનું પડતર ઈથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ રૂા.20 પ્રતિ લીટર નીચે લાવી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે જ ઈથેનોલનું પ્રમાણ 20 ટકા સુધી લઈ જવાની પંચવર્ષીય યોજનાની પ્રદુષણ ઘટાડાની સાથે સાથે ઈંધણની આયાતી શુલ્ક  ઘટાડવાની માટેની રણનીતિને અમલમાં મુકવાના નિર્દેશ આપ્યા છે.

2030 સુધીમાં ઈથેનોલના 20 ટકાના મિશ્રણથી અર્થતંત્રને મોટો ફાયદો થશે અને સાથે સાથે ઈથેનોલના કાચા માલ એવા શેરડી, અનાજ, ધાનની માંગ વધતાં 5 વર્ષમાં ખેડૂતોની આવકની સાથે સાથે 2 લાખ કરોડ રૂપિયાની બચત થશે. ઈથેનોલ શેરડી ઉપરાંત બરછટ ઘઉં, ચોખાની કણકી, કૃષિ પરાળ જેવી વસ્તુઓમાંથી બને છે. સરકાર દ્વારા પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાના નિર્ણય અને આંતરરાષ્ટ્રીય બજાર સામે ઘરેલું ધોરણે પેટ્રોલ-ડીઝલના રેટકટના સંતુલનની નટચાલ થકી ભાર ઘટાડવાની રણનીતિને લઈને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને નાથવા કવાયત હાથ ધરી છે. જે આગામી દિવસોમાં ફાયદારૂપ બનશે.

બીજી તરફ જેત્રોફામાંથી બનતા બાયો ડીઝલના વપરાશ અને તેના વેંચાણ આડે ઉભેલા અવરોધને દૂર કરીને ડીઝલની વૈકલ્પીક વ્યવસ્થા માટે પણ સરકારે વિચારણા હાથ ધરી છે. પેટ્રોલમાં ઈથેનોલ અને ડીઝલના બદલે બાયો ડીઝલના વપરાશ થકી પેટ્રોલ-ડીઝલના ભાવોને કાબુમાં રાખવા માટે તંત્રએ કમરકસી છે.

ઈથેનોલનું પ્રમાણ વધારવા સાથે ઉત્પાદન વધારવા કવાયત

પેટ્રોલમાં આગ ઝરતા ભાવ અને પુરવઠાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાના નિર્ણયથી બેવડા લાભ પ્રાપ્ત થશે. ઈથેનોલ રૂા.60 લીટરના ભાવે ઉપલબ્ધ થાય છે. તેના મેળવણથી પેટ્રોલમાં 20 થી 30 ટકા રેટકટ થાય. વળી સ્થાનિક ધોરણે ઉત્પન્ન થતાં ઈથેનોલથી પેટ્રોલીયમ પેદાશની આયાતનું ભારણ પણ ઘટે. જો ઈથેનોલના વપરાશનું પ્રમાણ 20 ટકા સુધી લઈ જવાય તો અર્થતંત્રને 5 વર્ષમાં રૂા.2 લાખ કરોડનો ટેકો થાય.

28મીએ માલ પરિવહનની ‘લાઈફ- લાઈન’ અટકી જશે!

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ભારે ચિંતાનું વાતાવરણ ઉભુ થયું છે ત્યારે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ કુલતરણસિંઘે ડીઝલના ભાવ વધારા સામે રાષ્ટ્ર વ્યાપી ચક્કાજામની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે જે આગામી 28મી જુને દેશમાં પરિવહનની લાઈફલાઈન અટકાવવાનું કારણ બની શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને છેલ્લા કેટલાંક સમયથી વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પરના ભારણને લઈને 28મીએ રાષ્ટ્ર વ્યાપી ચક્કાજામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર શાસીત પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ રૂા.100ને આંબી ગયો છે.

શેરડી સહિત ઈથેનોલ ઉત્પાદક ખેતજણસોની ખેતીને પ્રોત્સાહન અને ભાવવધારાથી ખેડુતો વધુ પગભર બનશે

ઈથેનોલનું ઘરેલું ઉત્પાદન શેરડી, ઘઉં અને ચોખાની કણકી, પરાળ, બરછટ ધાનમાંથી કરવામાં આવે છે. 20 ટકાનું પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ કરવામાં આવે તો ઘરઆંગણે ઈથેનોલની માંગ વધે. ખેડૂતોને ખેત જણસના પોષણક્ષમ ભાવો ઉપરાંત પ્રદુષણમાંથી મુક્તિની સાથે સાથે 5 વ ર્ષમાં અર્થતંત્રને 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય. ઈથેનોલના વપરાશ વધારવાથી હાઈડ્રો કાર્બનનું પ્રદુષણ કાબુમાં આવે, પેટ્રોલના ભાવમાં 20 થી 35 ટકાનો ઘટાડો અને ખેડૂતોની આવકમાં વધારો થવાથી ખેડૂતો પગભર થાય અને દેશમાં પેટ્રોલીયમ પેદાશોની આયાતનું ભારણ ઘટે.

બાયોડીઝલના વેચાણની કાયદેસરતા માટે કંઈક કરવું જોઈએ?

પેટ્રોલમાં ઈથેનોલ અને ડીઝલમાં જેત્રોફા અને અન્ય વન્સપતિમાંથી બનાવવામાં આવતું બાયોડીઝલના વપરાશને મંજૂરી આપવામાં આવે તો ઘરેલું ધોરણે ઈંધણમાં સ્વાવલંબનતા આવે. અત્યારે બાયોડીઝલનો ઉપયોગ માત્ર ઔદ્યોગીક હેતુ માટે કરવામાં આવે છે. જો બાયોડીઝલને કોમર્શીયલ વાહનોના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે તો ડીઝલનો હાલનો વપરાશ ઘટી જાય અને ઘરેલું ધોરણે ઉત્પાદન થતું બાયોડીઝલ વાહનોમાં વાપરવામાં આવે તો ડીઝલના વૈકલ્પીક ઈંધણ તરીકે સસ્તા ભાવે ડીઝલ મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.