Abtak Media Google News

અબતક, રાજકોટ: કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનું મિત્ર કે શત્રુ નથી હોતો બધાને પોતાના હીત જ હોય છે, વળી એ પણ કહેવત છે કે સમય સ્થિતિ અને કાળ ક્યારે યથાવત રહેતા નથી, રાષ્ટ્રીય રાજકારણમાં કાયમી ધોરણે ઉત્તર પ્રદેશનું સવિશેષ મહત્ત્વ રહ્યું છે કહેવાય છે કે ઉત્તર પ્રદેશ જેની પાસે હોય તેને કેન્દ્રની સત્તા પ્રાપ્તિ આસાનીથી થાય છે.

ઉત્તરપ્રદેશના રાજકીય મંચ પર એક તરફ રામ અને એક તરફ આખું ગામ જેવી સ્થિતિમાં વિપક્ષની હુંસાતુંસીથી યોગી વધુ મજબૂત બન્યા

ઉત્તરપ્રદેશે ઘણા વડાપ્રધાન આપ્યા છે અને વડાપ્રધાન બનવા માટેનો રોડ મેપ ઉત્તરપ્રદેશ શરૂ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિંદુ ધર્મ સંસ્કૃતિના કેન્દ્ર એવા વારાણસીથી ચૂંટણી લડીને વડાપ્રધાન બન્યા, અટલ બિહારી વાજપાઇ હોય કે ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને રાજકારણમાં જોડાવા માટે કોંગ્રેસના વારસદાર રાહુલ અને પ્રિયંકાએ પણ ઉત્તરપ્રદેશને મહત્વ આપ્યું છે હવે જોઈએ તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ સરકારને લોકસેવાનો પરવાનો સરળતાથી રિન્યુ કરવાનું મૂકો મળશે કે સંઘર્ષ કરવો પડશે?

ઉત્તરપ્રદેશની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી દરેક પક્ષ માટે અને ખાસ કરીને ભાજપ માટે 2020ની લોકસભાની ચૂંટણી માટે ખૂબ જ મહત્ત્વની બની રહેશે ત્યારે ભાજપ સામે મોરચો માંડનાર વિપક્ષનો સંભૂમેળો શાસક પક્ષ માટે પડકાર બનશે કે મત મતાંતરના ભારથી આપમેળે જ ભાંગી જશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

અત્યારે તો વિપક્ષોની દિશાવિહીન પરિસ્થિતિએ વિધાનસભાની ચૂંટણી,  રાજ્યમાં સત્તા જાળવવાનું શાસક ભાજપનું કાર્ય સરળ બનાવ્યું હોય તેમ લાગે છે.આગામી રાજ્યોની ચૂંટણીમાં બસપા આસુદ્દીન ઓવૈસીની આગેવાનીવાળી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન સાથે જોડાશે તેવા અહેવાલોને નકારી બસપાના માયાવતી એ કહ્યું કે તેમની પાર્ટી યુપી અને ઉત્તરાખંડ બંનેમાં એકલા  હાથે જ ચૂંટણી લડશે. એકમાત્ર અપવાદ પંજાબ હશે જ્યાં બસપા શિરોમણિ અકાલી દળ (એસએડી) સાથે જોડાશે.

માયાવતીએ ભાર મૂક્યો છે કે બીએસપી આવતા વર્ષે યુપીની વિધાનસભાની ચૂંટણી જાતે લડશે. 15 જાન્યુઆરીએ તેમના 65મા જન્મદિવસ પર તેમણે ઘોષણા કરી હતી કે તેમની પાર્ટી યુપી અને ઉત્તરાખંડમાં આગામી રાજ્યોની ચૂંટણી માટે કોઈ જોડાણ કરશે નહીં.

સત્માજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ 18 જાન્યુઆરીએ કહ્યું હતું કે તેમની પાર્ટી યુપી વિધાનસભાની ચૂંટણી જાતે લડશે.  જોકે, તેમણે ઉમેર્યું હતું કે સપા નાના પક્ષો માટે તેના દરવાજા ખુલ્લા રાખશે જેમાં તેમના કાકા શિવપાલસિંહ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (પીએસપી)નો સમાવેશ થાય છે.

બે મોટા વિરોધી પક્ષોની રણનીતિ એ એ વાત તો સાબિત કરી દીધી છે કે, યુપીમાં બહુકોણીય જંગ જામવાનો છે એક તરફ રામ અને એક તરફ આખું ગામ તેવી પરિસ્થિતિમાં ભાજપને તેના કમિટેડ મતો વધુ મજબૂત બનાવશે અને વિપક્ષ ને મત ધ્રુવીકરણથી સતા થી દૂર રહેવું પડશે  આનાથી ભાજપને જ મદદ મળશે કારણ કે વિરોધી પક્ષો વચ્ચેના મતોથી ભાગલા પડે તેવી સંભાવના છે.  બીજી તરફ ભાજપના મુખ્ય મતો અકબંધ રહેશે. જો બસપા, સપા અને કોંગ્રેસે મહાગઠબંધન બનાવવાનું નક્કી કર્યું હોત તો ભાજપને વિચારવાની ફરજ પડત પરંતુ હવે વિપક્ષ વેર વિખેર થઈને રહેશે અને ભાજપને મતોનું ધ્રુવીકરણ લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.