Abtak Media Google News

બે દર્દીઓએ સારવાર પૂરી થાય તે પહેલા જ રજા લઇ લીધી

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી 19 દર્દીઓ એવા હતા, કે જેઓએ કોઈપણ પ્રકારની હોસ્પિટલ ને જાણ કર્યા વગર હોસ્પિટલ છોડી દીધી છે. જ્યારે બે દર્દીઓ અધુરી સારવાર સાથે રજા મેળવીને ચાલ્યા ગયા છે. ઉપરાંત સરકારી જી.જી. હોસ્પિટલમાં કરવામાં આવેલી 181 મેજર સર્જરી પૈકી 60થી વધુ દર્દીઓ ના જડબા સહિતનો કેટલોક હિસ્સો કાઢવો પડ્યો છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકર વોર્ડ શરૂ કરાયા પછી તેમાં અત્યાર સુધીમાં 254 જેટલા દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જે પૈકીના 19 દર્દીઓ એવા છે કે જેઓની સારવાર ચાલી રહી હતી, દરમિયાન હોસ્પિટલ તંત્રને જાણ કર્યા વિના અથવા તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યા વિના જી.જી.હોસ્પિટલ છોડી દીધી હોય હોય તેવા દર્દીઓનો આંકડો ઓગણીસનો થયો છે. ઉપરાંત બે દર્દીઓ અધુરી સારવાર છોડીને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે રજા મેળવી ને હોસ્પિટલ છોડી ગયા છે.

ઉપરાંત મ્યુકરના વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને અંદાજે એક મહિના જેટલી સારવાર લેવી પડે છે, તેમજ 80 થી 120 જેટલા ઇન્જેક્શનો લેવાના હોય છે. જે સારવારની પ્રક્રિયા લાંબી છે, તેમ જ વારંવાર સોય લગાવવાના કારણે અત્યંત દુખાવો થવો, તેમજ તેની આડ અસર થવી ઉપરાંત છ કલાક સુધી ઇન્જેક્શન સાથે ના બાટલાઓ ચાલુ રાખવા, વગેરે સારવાર થી કેટલાક દર્દીઓ કંટાળી જાય છે. જે પૈકીના 19 દર્દીઓએ અધુરી સારવાર છોડીને ચાલ્યા ગયા નું જાણવા મળી રહ્યું છે. જોકે બે દર્દીઓ સામેથી રજા મેળવીને અન્ય શિફ્ટ થયા છે.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં 181 મેજર સર્જરી કરવામાં આવી હતી. જે પૈકી છ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. જ્યારે બાકીના 60થી વધુ દર્દીઓ એવા છે કે, જેમના જડબા નો કેટલો હિસ્સો, દાંત નો ભાગ, નાક નો ભાગ, અથવા તો મોઢા ના હીસ્સા પૈકીનો કેટલોક ભાગ સર્જરી કરીને કાઢવો પડ્યો હોય. આશરે 60 થી વધુ દર્દીઓએ મેજર સર્જરી દરમિયાન પોતાના મોઢા -નાક નો હિસ્સો કઢાવવો પડ્યો છે.

જોકે આવી મેજર સર્જરી થઈ ગયા પછી અનેક દર્દીઓ સાજા થઇ ગયા છે, અને તેઓને જી.જી. હોસ્પિટલ માંથી રજા પણ આપી દેવાઈ છે. જેમાં આંખના વિભાગ, ઉપરાંત દાંત ને કાન -નાક- ગળા ના વિભાગના તમામ તબીબોની પેનલ મારફતે સર્જરી કરવામાં આવી છે.આ બાબત અંગે જી.જી.હોસ્પિટલના મેડીકલ સુપ્રિ. ડો.દિપક તિવારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બન્યું છે કે કેમ? તેની હજુ સુધી જાણકારી નથી. આમ છતાં આ અંગે તપાસ કરીને સાચી માહિતી મેળવવામાં આવશે અને તે માહિતીને આધારે આગળની કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.