Abtak Media Google News

ગોકુલનગર વિસ્તારમાં રહેતા લોકોને વારંવાર વીજ પુરવઠો મળતો નથી વીજ લાઇનમાં કોઇપણ જગ્યાએ ફોલ્ટને લઇને કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત થતો નથી. આવી વીજ સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. વીજ ફરિયાદ માટે આ વિસ્તારના રહેવાસીઓને ફોન ઉપર જવાબ પણ મળતો ન હોય તેવી ફરિયાદના સુર ઉઠી રહ્યો છે. ત્યારે વીજ સમસ્યાના ઉકેલ માટે ગોકુલનગર વિસ્તારમાં અલગથી પીજીવીસીએલનું સબ ડિવિજન કાર્યરત કરવાની માંગ ગોકુલનગરના રહેવાસીઓ કરી રહ્યા છે.

દિન પ્રતિદિન કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો કંટાળ્યા: વીજ ફરિયાદ માટે ફોન પર જવાબ પણ મળતો ન હોવાની રાવ: અલગથી સબ ડિવિઝન કાર્યરત કરવાની ફાઈલ અભેરાઈએ ચડી

શહેરમાં પીજીવીસીએલ દ્વારા લોકોને પુરતા પ્રમાણમાં નિયમિત વીજ પુરવઠો મળતો રહે એ માટે ડિવિઝનો અલગ કરવામાં આવ્યા છે. પરંતુ સબ ડિવિઝનોમાં જે પ્રમાણે વધારો થવો જોઇએ તે પ્રમાણે ગોકુલનગર વિસ્તારમાં સબ ડિવિઝન શરૂ કરાયું નથી. ગોકુલનગર વિસ્તારમાંથી વીજ પુરવઠાની સમસ્યા તેમજ વીજ બીલ ભરવાની પણ મુશ્કેલી હોવાની ફરિયાદ વ્યાપક બની છે. એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે વીજ પુરવઠો વારંવાર ખોરવાઇ જાય છે જેનાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠે છે. વીજ સમસ્યા અને વીજ પ્રશ્ર્નો અંગે રાજકોટ કચેરી સુધી ફરિયાદો પહોંચી રહી છે.

ગોકુલનગર વિસ્તારમાં અલગથી સબ ડિવિઝન કાર્યરત કરવા અંગેની ફાઇલ ઘણા સમય પહેલા સર્કલ ઓફીસ સુધી પહોંચી હતી. એટલુ જ આ અંગે સર્કલ ઓફીસ દ્વારા પણ જે તે સમયના પીજીવીસીએલના અધિક્ષક દ્વારા આ ગોકુલનગર વિસ્તારમાં અલગથી સબ ડિવિઝન આવશ્યક હોવાનું પોઝીટીવ રિપોર્ટ પણ રાજકોટ પીજીવીસીએલની વડી કચેરીને પણ સબમીટ કરાયો હતો. જોકે કોઇપણ કારણોસર અલગ સબ ડિવિઝનની ફાઇલ પીજીવીસીએલમાં અભેરાયે ચડી ગઇ હોય તેવી ચર્ચા જાગી છે.ગોકુલનગર વિસ્તારના વીજ ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે પણ મુશ્કેલી છે.

ભૂતકાળમાં આ વિસ્તારમાં વીજ બીલ ભરવાનું સેન્ટર કાર્યરત કરાયું હતું. જે હાલમાં બંધ કરી દેવાયું છે. જેના લીધે વીજ ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે ધરમનો ધક્કો કિલો મીટર સુધીનો થાય છે. મહત્વની વાત એ છે કે પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને રૂપિયા ભરવા માટે સુવિધા પુરી પાડવી જોઇએ તે પણ શા માટે પુરી પાડવામાં આવતી નથી તે એક સવાલ છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર જ્યોતિગ્રામ હેઠળ 24 કલાક વીજ પુરવઠો પુરો પાડી રહી છે ત્યારે જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં વીજ પુરવઠાને લઇને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લોકો ત્રાહીમામ થાય છે.

ગામડાથી આવેલા લોકો કહે છે કે, શહેરમાં આવ્યા પછી વીજ સમસ્યાથી વધારે પરેશાન છીએ. ગામડામાં પણ સમયસર વીજ પુરવઠો મળતો હતો. એક તરફ વીજ પુરવઠા અંગે કોઇ સમસ્યા ઉભી થાય તો એ વીજ પુરવઠો અટકી જાય તો તે અંગેની ફરિયાદ કરવા માટે ગ્રામ્ય સબ ડિવિઝનના ફોન પણ કોઇ રીસીવ કરતું નથી અને ફરિયાદનો ઉકેલ પણ કલાકો સુધી આવતો નથી. આ તમામ ફરિયાદોના નિવારણ માટે ગોકુલનગર વિસ્તારમાં અલગથી પીજીવીસીએલનું સબ ડિવિઝન કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગોકુલનગર વિસ્તારમાં અલગથી સબ ડિવિઝનના પ્રશ્ર્ને પીજીવીસીએલના અધિક્ષક પટેલે જણાવ્યુ હતું કે, સબ ડિવિઝન માટે સર્વેનું કામ હાથ ધરાયું છે અને ગોકુલનગર વિસ્તારમાં સમયસર વીજ પુરવઠો મળતો રહે તે અંગે સુચના પણ આપી દેવાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.